Jun 30, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૦

સ્વામી (માલિક) અને સેવક નો વ્યવહાર કેવો હોય? તે શ્રીરામ અને હનુમાનજી આપણને સમજાવે છે.
હનુમાનજી નો આદર્શ અને ધર્મ છે-નિષ્કામ સેવા નો.માત્ર કર્મ કરવા પર અધિકાર રાખ્યો છે,
કર્મ ના ફળ પર કોઈ અધિકાર રાખ્યો નથી,”મેં કશું કર્યું નથી-પ્રભુએ કરાવ્યું ને બધું ફળ પ્રભુનું છે”

તો પછી સ્વામી નો ધર્મ શું? સ્વામી નો ધર્મ છે- સેવક ની કદર કરવાનો.
શ્રીરામ ફરી ફરી હનુમાનજી ને છાતી સરસા લગાવે છે,ને આંખમાં હર્ષ ના આંસુ સાથે કહે છે કે-“હું તારા ઉપકાર હેઠળ છું,હું તારું ઋણ કોઈ રીતે વાળી શકું તેમ નથી.”

અહીં જો ઊંડાણથી  વિચારવામાં આવે તો-
શ્રીરામ તે વખતે વનવાસી અને અકિંચન (ધન વગરના) હતા એટલે આવું કહ્યું હોય તેમ નથી,
વળી ભવિષ્ય તરફ તેમની દૃષ્ટિ હોય-એટલે કે-
“હું રાજા થઈશ ત્યારે આનો બદલો વાળીશ.” એવું પણ તે કહેવા માગતા હોય તેવું નથી.
તેઓ તો કહે છે કે-“તો હિ ઉરીન મૈ નાંહિ”—“હું તારા ઋણમાંથી છૂટી શકું તેમ નથી.”
અહીં તો શ્રીરામ,હનુમાનજી ના ઋણમાંથી છુટવા જ ઇચ્છતા નથી.

સ્વામી નો સેવક પ્રત્યે આવો ભાવ જોઈએ.ઉપકાર નો બદલો વાળે (આશિષ આપીને કે  કૃપા કરીને)
તો પણ અંતરમાં તે એમ જ સમજે કે-ઉપકારના ઋણમાંથી કદી છુટાતું નથી.
અને એટલે જ શ્રીરામ તેમના નાનામાં નાના સેવક નો આભાર માનવામાં સંકોચ રાખતા નથી.

જેવો સેવક નો અનન્ય ભાવ છે,તેવી જ સ્વામી માં સહૃદયતા છે.મન ની ઉદાત્તતા છે.
શ્રીરામ તો પરમાત્મા છે,સર્વ-શક્તિમાન છે,રાજાધિરાજ છે.
હનુમાનજી એ જે કાર્ય કર્યું તે તો જો પોતે ધારે તો પલકમાં કરી શક્યા હોત.પણ,
સેવક ભલે ને સુગ્રીવ જેવો કે બીજા ગમે તેવો હોય,પણ અહીં ક્યાંય તેમનામાં સેવક પ્રત્યે  જરા સરખી પણ
કઠોરતા દેખાતી નથી.સેવક એકવાર તો શું?સો સો વાર મરવાનું પસંદ કરે તેવા આ સ્વામી છે.

અને આવા સ્વામી (પરમાત્મા) ને જ બધો યશ આપવામાં સેવક પોતાનું ગૌરવ સમજે છે.
અને એટલે જ હનુમાનજી કહે છે કે-
“પ્રભુ,મેં કશું જ કર્યું નથી,આ બધો પ્રતાપ તમારો છે,તમારા પ્રતાપ નો યશ મને આપી મને શરમાવો નહિ,
તમે ઈચ્છો તો રૂ વડવાનલ ને બાળી નાખે,અને તમે ના ઈચ્છો તો વડવાનલ પણ રૂ ને બાળી શકે નહિ..
હું તો રૂ જેવો ક્ષુદ્ર –તે વડવાનલ જેવી લંકાને બાળી શક્યો.તે આપનો જ પ્રતાપ છે.”

અને હનુમાનજી ના આ શબ્દો –એ સુંદરકાંડ ની ઉત્કૃષ્ટતા નું દર્શન છે.


સુંદરકાંડ-સમાપ્ત



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE