Oct 15, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-312



કોઈ પુરુષ -જયારે,મનથી નગરને રચે છે અને તેને શણગારે છે,ત્યારે તે  'લીલા-માત્ર' થી કંઈક સુખ પામે છે.છતાં-તે 'આ સુખ સાચું નથી અને ગ્રહણ કરવા યોગ્ય નથી,મેં કશું કર્યું જ નથી-આ તો મન ની આ લીલા છે' એમ સમજી તે સુખ થી લેપાતો (આસક્ત થતો) નથી.
અને પછી તે મનથી જ બનેલા નગરને નષ્ટ કરી નાખે છે,
અને એ નષ્ટ કરવાની  'લીલા-માત્ર' થી -નગર નષ્ટ થતાં કંઈક દુઃખ પામે છે-
ત્યારે પણ 'મન થી જે થયું છે તે નથી જ થયું' એમ સમજીને દુઃખથી પણ લેપાતો નથી.(અનાસક્તિ)

આ જ પ્રમાણે,જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ રીતે કર્મો કરતો હોય,તો પણ 'આ સઘળું સ્વ-રૂપમાં કલ્પિત છે'
એવી બુદ્ધિને લીધે તે કર્મોમાં લેપાતો (આસક્ત થતો) નથી.
જગતમાં ના સઘળા પદાર્થોમાં ના -કેટલાક ત્યાજ્યતાથી -કે ગ્રાહ્યતાથી વ્યવહારમાં લેવામાં આવે,પણ,
તે પદાર્થોમાં દુઃખનું કોઈ પણ કારણ નથી,કારણકે,કોઈ પણ પદાર્થ-એ અવિનાશી આત્મા થી જુદો નથી.
માટે તે પદાર્થ ત્યાજવા યોગ્ય નથી કે ગ્રહણ કરવા પણ યોગ્ય નથી.
અને આમ હોવાથી આત્મા એ અકર્તા અને અભોક્તા છે.પણ
આત્મામાં જે કર્તા-પણું જોવામાં આવે છે તે-ખોટી રીતે કેવળ 'આરોપિત' જ કરવામાં આવેલું છે.

'દેહધારી થી સઘળાં કર્મોનો ત્યાગ બની શકે જ નહિ'એ 'ન્યાય' પ્રમાણે,જ્ઞાની પુરુષ માટે પણ -ભોજન-વગેરે
આવશ્યક ક્રિયાઓનો (કર્તવ્ય-કર્મનો) ત્યાગ બની શકે નહિ,પણ આત્મ-જ્ઞાનના પ્રભાવ ને લીધે,
'આ ક્રિયાઓ (કર્મો) વાસ્તવિક રીતે છે જ નહિ' એમ જ્ઞાની પુરુષ સમજે છે,'અનાસકત'રહે છે.
માટે જ્ઞાનીને કર્તા-પણું કે ભોક્તા-પણું પ્રાપ્ત થતું નથી.
'આત્મ-તત્વ' નો યથાર્થ વિચાર કરતાં,કોઈ ક્રિયાઓ જ નથી,તો કર્તા કે ભોક્તા-પણું ક્યાંથી હોય?
જેમનું મન સંસારમાં આસક્ત નથી તેમને બંધન પણ નથી કે મોક્ષ પણ નથી.

જ્ઞાનીને યથાર્થ રીતે સઘળું આત્મસ્વરૂપ જ જોવામાં આવે છે,માટે જ્ઞાની પુરુષ પોતાની દૃષ્ટિથી,કોઈ પણ પદાર્થમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતો નથી.કે કોઈ પદાર્થ માં બે-પણું કે એક-પણું ગણતો નથી,
તે તો એમ જ સમજે છે કે 'આત્મ-તત્વ સઘળી શક્તિઓવાળું હોવાને લીધે,તે જ આ પ્રવૃત્તિ-નિવૃત્તિ દેખાડે છે'
જ્ઞાનીને સ્વરૂપ થી ભિન્ન કોઈ દૃષ્ટિ હોતી નથી,પણ અજ્ઞાનીઓ - ભ્રાંતિથી તે જ્ઞાનીઓમાં 'તેવી ભિન્ન દૃષ્ટિ છે'
એમ પ્રતીત કરે  છે.બંધન-મોક્ષ -આદિની પ્રતીતિ-રૂપ દુઃખ અજ્ઞાનને લીધે જ છે,અને જ્ઞાનથી તે ટળી જાય છે.

હે,રામ આ જગતમાં મોક્ષ પણ કલ્પિત હોવાને લીધે,મિથ્યા છે,અને બંધન પણ કલ્પિત હોવાને લીધે મિથ્યા છે.એટલે કે બંધન-મોક્ષ એ એક કલ્પના છે.(કલ્પવામાં આવેલા છે)
આથી તમે સર્વ કલ્પનાઓનો ત્યાગ કરી દઈ,અહંકારથી રહિત થઇ,ધીર થઇ,
વ્યવહાર કરવા છતાં,પણ 'અનાસકત' થઇ,બુદ્ધિ થી આત્મામાં નિષ્ઠા રાખીને પૃથ્વી પર રહો.

(૩૯) રામને પ્રબોધ કરવા વસિષ્ઠ નો વિચાર

રામ કે છે કે-હે,ભગવન,આમ છે તો એક અને નિર્વિકાર એવા બ્રહ્મ માં ભીંત વગરના ચિત્ર જેવી આ સૃષ્ટિની
ઉત્પત્તિ ક્યાંથી થઇ? (નોંધ-રામનો આ પ્રશ્ન અનેક વખત પુનરાવર્તન થાય છે,માટે જ પુનરાવર્તન થતી જ્ઞાનની વાત વારંવાર અહીં આવે છે,સંતો કહે છે પુનરાવર્તન એ દોષ નથી,પણ સત્ય ને સારી રીતે મન ની અંદર ઠસાવવા એક ની એક વાત વારંવાર,થોડીક જુદીજુદી રીતે પુનરાવર્તન થી કહેવામાં આવે છે
વળી એક સાથે બધું એક દિવસમાં કહેવામાં આવ્યું નથી -અમુક  દિવસો સુધી અહીં વાર્તાલાપ થયેલો છે)

વસિષ્ઠ કહે છે કે-હે,રાજકુમાર,જે બ્રહ્મ-તત્વ છે તે જ આ જગત-રૂપે દેખાવ આપે છે.તે બ્રહ્મ સર્વ-'શક્તિ'માન છે,એટલા માટે-કાર્ય-પણું,કારણ-પણું,એક-પણું,અનેક-પણું,આદિ-પણું,અંત-પણું વગેરે -
સઘળી 'શક્તિઓ' બ્રહ્મમાં દેખાય છે.અને જે 'શક્તિઓ' છે તેઓ પણ બ્રહ્મ જ છે,બીજું કોઈ નથી.
પરમાત્મા (બ્રહ્મ) પોતાના ચૈતન્ય-પણાને લીધે,જીવ-પણા ને પ્રાપ્ત થઇ,કર્મમય,વાસનામય અને મનોમય  'શક્તિઓ'ને એકઠી કરે છે,દેખાડે છે,ધારણ કરી રાખે છે,ઉત્પન્ન કરે છે અને નાશ કરે છે.
સઘળા જીવોની,સઘળા દેખાવોની,અને સઘળા પદાર્થોની ઉત્પત્તિ સદા બ્રહ્મ થી જ થયા કરે છે,અને
બ્રહ્મ માં જ સમાઈ જાય છે.(સમુદ્રના તરંગો ની જેમ)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE