Feb 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1077






શાસ્ત્રથી જાણવામાં આવતાં પુણ્ય-પાપ,બ્રહ્મત્વનું જ્ઞાન-આદિ બાબતોને એક બાજુ રાખીએ તો,
બાકીનું બીજું (સાદું કે સામાન્ય) જ્ઞાન તો સર્પ,શિયાળ,હાથી આદિ પશુઓમાં મનુષ્યના જેવું જ હોય છે.
વૃક્ષો સદાકાળ સુષુપ્તિ (નિંદ્રા) અવસ્થામાં રહે છે.તેમના જેવી જ 'મૂઢ અવસ્થાવાળી પોતાની સત્તા'ને
પર્વતો વગેરે પણ અનુભવે છે.કેટલાક હિમાલય-મેરુ-વગેરે પર્વતો,અખંડ ચિદાકાશનો અનુભવ કરતા રહી
સદાકાળ સમાધિ (અવસ્થા) માં રહેલા છે.

જંગમ પ્રાણીઓ પણ મૂળ સ્વરૂપે તો ચિદાકાશરૂપ છે.માટે જે કંઈ,જે કોઈ પણ સમયે દેખાય તે ચિદાકાશ-રૂપ છે
અને બીજું કંઈ પણ નથી.વળી પર્વતો-આદિની સત્તા અને વૃક્ષોની નિંદ્રા જેવી સ્થિતિ પણ અખંડ ચૈતન્ય-રૂપ છે,
કેમકે તેમને દ્વૈતનું ભાન હોતું નથી,માટે તેમની દૃષ્ટિમાં પણ જોઈએ તો પણ જગત ચિદાકાશ-રૂપ જ છે.
આમ જ્યાં સુધી અજ્ઞાન-દૃષ્ટિથી જોવામાં આવે છે,ત્યાં સુધી જગત જોવામાં આવે છે,પણ જયારે તેનું યથાર્થ સ્વરૂપ
જાણવામાં આવે -તો તમે કે હું,સત્તા કે અસત્તા-એ કશું પણ રહેતું નથી.

વર્તમાન,ભૂત અને ભવિષ્ય,એ ત્રણે કાળ,અને જ્ઞાન તથા અજ્ઞાન-એ બધાંમાંથી કશું પણ સત્ય નથી,
કેમ કે શાંત પરમતત્વ-રૂપ સત્ય વસ્તુ જ વિવર્ત-ભાવથી એ સર્વના આકારે થઈને રહેલ છે.
જેમ એક તરંગ,બીજા તરંગ સાથે અથડાય તો જળને કશી પણ ક્ષતિ થતી નથી,તેમ એક દેહ વડે બીજા દેહને કશું
નુકશાન પહોંચે તો પણ એ બંનેના અધિષ્ઠાન-રૂપ ચૈતન્યને કશી પણ ક્ષતિ થતી નથી.

જેમ,અરીસામાં બહારના બિંબને લીધે સામું પ્રતિબિંબ જોવામાં આવે છે,તેમ ચિદાકાશની અંદર
બિંબ વિના જ જગત પ્રતિબિંબ-રૂપે ભાસ્યા કરે છે. જેમ અરીસાની અંદર,પ્રતિબિંબ-રૂપે બિંબ દેખાય છે,
છતાં પણ તે તે કંઈ જ નથી તેમ,ચિદાકાશની અંદર જગત વિવર્ત-રૂપે દેખાય છે પણ તે કંઈ જ નથી.
જે કંઈ શાસ્ત્ર-વિચાર અને પ્રમાણ વડે સિદ્ધ હોય તે જ 'સત્ય' કહેવાય,બાકી તો સર્વ આભાસ-માત્ર જ છે.
તે જગત કોઈ દિવસ થયેલ જ નથી તો પછી તેને સત્ય કેમ કરીને કહી શકાય?
જો કે કેટલીક વસ્તુઓ ભ્રમ-રૂપ હોવા છતાં 'અર્થ'ને સાધી આપનાર તથા 'ક્રિયા કરનાર' થાય છે,
જેમ કે સ્વપ્નમાં દેખાયેલ સ્ત્રી,એ 'ભ્રાંતિ-રૂપ' છે છતાં શુક્ર-સ્ત્રાવ-રૂપી ક્રિયાને 'સત્યપણે' ઉત્પન્ન કરે છે અને પોતાના
પ્રયોજનને સાધી આપે છે.(આ રીતે જગતની ભ્રાંતિ વિષે પણ-એમ  જ સમજવાનું છે)

હે રામચંદ્રજી,મરી ગયા પછી પાછો પુનર્જન્મ થતો હોય તો કોનો નાશ થાય છે? મરી ગયા પછી જો પાછો જન્મ ન થતો  
હોય તો પણ જન્મ-મરણ-આદિ-વ્યાધિ-આદિ પ્રપંચમાંથી છુટવાથી શાંતિ જ છે ને મોક્ષનો લાભ છે.
આવી રીતે બંને ય પક્ષમાં જ્ઞાન-દૃષ્ટિ વડે કેવળ ચિન્માત્ર-રૂપ થઇ રહેલા પુરુષને કશું દુઃખ છે જ નહિ.
મૂર્ખ પુરુષને જે કંઈ પણ આ પ્રસંગ (વાત) માં ભાસતું હોય,તે તો તેના પોતાના જ જાણવામાં આવે એવું છે,
માટે અમે તે વાતને જાણી શકતા નથી.કેમ કે જે મત્સ્ય,ઝાંઝવાની (ભ્રાંતિની) નદીના જળમાં રહેતો હોય,
તે જ તે (ભ્રાંતિની) નદીના (ભ્રાંતિ) ચપળ તરંગોના સપાટાને જાણી શકે,બીજાથી તે જણાય નહિ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE