Mar 28, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1112

પોતાના મનના પ્રતિભાસ-રૂપ એવા એક (પ્રાતિભાસિક) દેહની અંદર,સ્થૂળ (આધિભૌતિક) દેહના,
સર્વ ધર્મો (સ્થૂળતા-જડતા-આદિ) પોતાની પાસે જ તે વિપશ્ચિત રાજાઓએ જોયા.
એ સ્થૂળ-દેહના આધાર-રૂપ આત્માનું વાસ્તવ-રૂપ ન ઓળખાયાથી,તે રાજાઓ પૂર્વ સંસ્કારને લીધે,
"આ દૃશ્ય-રૂપ-અવિદ્યા કેવી અને કેવડી હશે?" તેનો નિર્ણય કરવા માટે પૂર્વ પ્રમાણે જ પ્રવૃત્ત થઇ ગયા.
અને ફરીથી અનેક દ્વીપાંતરોમાં ભ્રમણ કર્યું.

પશ્ચિમ દિશાવાળો વિપશ્ચિત રાજા,સાત દ્વીપો અને સાત સમુદ્રોનું ઉલ્લંઘન કરીને સુવર્ણથી ઘટ્ટ એવી ભૂમિમાં ક્રીડા કરી
રહેલા જનાર્દન ભગવાન પાસે જઈ પહોંચ્યો અને ભગવાન પાસેથી અનુપમ બ્રહ્મ-વિદ્યા મેળવી,
તે દિશામાં જ પાંચ વર્ષ સુધી સમાધિમાં રહ્યો,પછી એણે દેહનો ત્યાગ કર્યો.તેનું ચિત્ત કેવળ ચિદ્રુપતાને પ્રાપ્ત થઇ ગયું હતું
એટલે તેનો પ્રાણ,ચિદાકાશ-ભાવને પ્રાપ્ત થઈને પરમ-નિર્વાણને પ્રાપ્ત થઇ ગયો.

પૂર્વ દિશાવાળો વિપશ્ચિત રાજા "પૂર્ણ ચંદ્રબિંબની અંદર પોતાના દેહની સ્થિતિ છે"એવું ચિંતન કરવા લાગ્યો,
અને તે પોતાના દેહને મૂકી દઈ,તે ચંદ્ર-લોકમાં જઈ રહ્યો.
દક્ષિણ દિશાવાળો વિપશ્ચિત રાજા શાલ્મલી-દ્વીપમાં,શત્રુઓના સમુહોને ઉખેડી નાખી,ત્યાં હજુ રાજ્ય કરે છે.
તેને પારમાર્થિક તત્વનો લાભ થયો નથી,તેથી તેને બાહ્ય પદાર્થોનું (જગતનું)હજુ વિસ્મરણ થયું નથી.

ઉત્તર તરફનો વિપશ્ચિત રાજા સાતમા સમુદ્ર (સ્વાદુદક)માં એક હજાર વર્ષ સુધી મગરમચ્છના ઉદરમાં રહ્યો.
એ મગરમચ્છ મરી ગયો એટલે તેના ઉદરમાંથી બહાર નીકળી,સાતમા સમુદ્રના એંશીહજાર યોજનનું ઉલ્લંઘન કરીને
સુવર્ણની ઘાટા વિસ્તારવાળી (દશ હજાર યોજનવાળી) ભૂમિમાં પહોંચ્યો.તે ભૂમિ દેવતાઓના સંચાર કરવાના માર્ગ-રૂપ
હતી,ત્યાં તે મૃત્યુ પામ્યો,અને ઉત્તમ (દેવ) દેહને પ્રાપ્ત થઇ ગયો.

હજુ દિશાઓ જોવાની તેની પૂર્વ વાસનાને લીધે,એ (ઉત્તમ-દેહ-વાળો)વિપશ્ચિત રાજા,પછી લોકાલોક પર્વતમાં ચાલ્યો
ગયો.તે પર્વત આ ભૂમંડળના આધાર-રૂપ થઇ રહેલો છે,પચાસ હજાર યોજન ઉંચો છે અને તેનો
એક જ ભાગ (પ્રથમ ભાગ) સૂર્યના પ્રકાશ વડે તથા લોકોના વ્યવહાર વડે યુક્ત છે.બાકી તેના બીજા ભાગમાં તો
કોઈનો સંચાર નથી.તે લોકાલોક પર્વતના શિરોભાગ (શિખરના ભાગ)માં પ્રાપ્ત થયેલા અને તારાઓના માર્ગમાં રહેલા
એ વિપશ્ચિત રાજાને,તેનાથી નીચે રહેલા મનુષ્યો " આ કોઈ ઉચ્ચ નક્ષત્ર છે" એવી શંકાથી જોતા હતા.

લોકાલોકના એ પ્રદેશ સિવાય,ચારે દિશાઓમાં,હજારો યોજન સુધી વિસ્તારાઈ રહેલી  મોટી અંધકાર ખાઈ છે.
ત્યાં વર્તુળ આકારવાળો આ ભૂગોળ (બ્રહ્માંડ) સમાપ્ત થાય છે અને ત્યાંથી માંડી પછી આકાશના જેવી શૂન્ય અને
અંધકાર ભરેલી મોટી ખાઈ આવે છે,કે જેની અંદર આકાશના જેવો મધ્યભાગ અંધકારથી જ પથરાઈ રહ્યો છે.
ત્યાં પૃથ્વી કે જંગમ આદિ કશું નથી.ત્યાં કોઈ પણ આલંબન નથી અને ત્યાં કશી પણ વસ્તુ સંભવતી નથી.
એમ તમે સમજો. (નોંધ-બ્લેક હોલની કલ્પના ??!!)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE