Mar 29, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1113

(૧૨૭) ભૂગોળ (બ્રહ્માંડ) તથા નક્ષત્રમંડળ આદિની સ્થિતિનું વર્ણન
રામ કહે છે કે-હે મહારાજ,આ નિરાધાર (કોઈ આધાર વગર) ભૂગોળ (બ્રહ્માંડ) શી રીતે રહેલ છે?
નક્ષત્રગણ કેમ ભ્રમણ કર્યા કરે છે? લોકાલોક પર્વત પણ શી રીતે રહેલો છે?
વળી તેનું તેવું નામ શા માટે પાડવામાં આવ્યું છે? તે વિષે આપ કહો.

વસિષ્ઠ કહે છે કે-જેમ બાળકના સંકલ્પથી રચાયેલ (મનોમય) દડો (તેનું વસ્તુતઃ સ્વરૂપ નહિ હોવાથી) આકાશમાં નિરાધાર
રહી શકે છે,તેમ સંકલ્પથી કલ્પાયેલી ચિન્માત્ર-હિરણ્યગર્ભ-રૂપી-ભૂગોળ,આકાશમાં નિરાધાર ટકી રહેલ છે.
સૃષ્ટિના આરંભ-કાળમાં ચિદાકાશને પૃથ્વી આદિની પ્રતીતિ થાય છે.તે કોઈના આધાર વડે ધારણ કરાઈ રહેલું હોય તેવું,
અનુભવમાં આવતું નથી અને સંકલ્પથી જ તે રચાયેલું લાગે છે.(નોંધ-નરી આંખે દેખાતું બ્રહ્માંડ એ સર્વ જો ચિદાકાશ જ
હોય તો તે ચિદાકાશને વળી ક્યા આધારની જરૂર પડે? એમ સમજાવવાનો પ્રયત્ન છે ?!!)

હિરણ્યગર્ભ (ચિદાત્મા)ના સંકલ્પને અનુસરી,ચિદાકાશની અંદર, (ચિત્ત-સત્તા-રૂપી સ્વભાવને લીધે) જે વસ્તુ જેવા રૂપે
પ્રતીતિમાં આવે છે,તે વસ્તુ તે તે સ્થળમાં તેવા રૂપે જ અનુભવાય છે,એવો જ કંઈ ચિદાત્માનો અપાર મહિમા છે.
પ્રથમ સૃષ્ટિના આરંભમાં ચિદાત્માને ભૂગોળની પ્રતીતિ આ પ્રમાણે  જ થઇ હતી અને થઇ રહી છે.

જો તે ચિદાત્માને,પ્રથમ સૃષ્ટિના આરંભમાં (પોતાની અંદર સ્વપ્નની જેમ) નદીઓનું નીચા જવાને બદલે ઉંચે જવાનું
(ઉર્ધ્વગમન) એવું કંઇક ઉલટું ભાસ્યું હોત,તો આજે પણ તેવી વિપરીત સ્થિતિ હોત અને આપણને પણ તે પ્રમાણે જ
પ્રતીતિમાં આવત.એટલે ચિત્ત-સત્તાને જે વિશેનું જેવું ભાન થાય,તે તેના વિચાર પ્રમાણે સત્ય છે.

આથી કેટલાક વાદીઓ માને છે કે-પૃથ્વી ભારે છે એટલે તે નિરંતર મહાકાશમાં ભમ્યા કરે છે.અને તે મહાકાશનો ક્યાંય
અંત નથી એટલે ક્યાંય પૃથ્વીનું પતન થતું નથી.વળી પૃથ્વી વિશાળ છે એટલે આપણને તેના પડવાની પ્રતીતિ થતી નથી.
ધ્રુવ (તારા) સાથે બંધાયેલું નક્ષત્રમંડળ એ પણ પૃથ્વીની સાથે જ છે અને ભમતું રહે છે.

બીજા કેટલાક વાદીઓ માને છે કે-પૃથ્વીની નીચે,ઉપર અને ચારે બાજુ જળ જ ભર્યું છે અને તેની અંદરના છિદ્રોના ભાગમાં
પવનથી પૂર્ણ એવા સાત-લોકો રહેલા છે.હવે અંદર રહેલો વાયુ અતિ હલકો છે,જેથી તે પૃથ્વી, જળમાં રહેલી તુંબડીની જેમ
નિરંતર ઉપર જ તરતી રહે છે.(નોંધ-આ બધી તે સમયને અનુરૂપ કલ્પનાઓ છે !!)
કેટલાક વાદીઓ કહે છે કે-નક્ષત્ર-મંડળ ફરતું નથી પણ પૃથ્વી પોતાના સ્થાનમાં ફરતી રહે છે ,એટલે
જેમ, વહાણમાં બેઠેલા પુરુષને કાંઠે રહેલાં વૃક્ષો ગતિમાન લાગે છે તેમ નક્ષત્ર-મંડળ આપણને ફરતું લાગે છે.
તો કેટલાક એમ પણ કહે છે કે પૃથ્વીનું પતન અસંભવિત હોવાથી,પોતાના સ્થાનમાં સ્થિર છે!!
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE