Apr 9, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1120







(૧૩૦) મૃગનો અગ્નિમાં પ્રવેશ
રામ પૂછે છે કે-હે મહારાજ,કયા ઉપાયથી આ મૃગને તેના વિપશ્ચિત રાજાના પૂર્વદેહનો આવિર્ભાવ થાય,
તેને અનાદિસિદ્ધ આત્મ-સ્વરૂપના જ્ઞાનનો ઉદય થાય અને તેના દુઃખનો અંત આવે?

વસિષ્ઠ કહે છે કે-જે પુરુષને ઘણા કાળ સુધી કરેલી,જે દેવની ઉપાસના વડે પ્રથમ પોતાના મનોરથની સિદ્ધિ થઇ હોય,
તે પુરુષને તે દેવ વિના પછી આગળ પોતાના મનોરથની સિદ્ધિ થતી નથી.કદાચિત થાય તો પણ તે
પરિણામે સુખ આપનારી,હિતરૂપ કે ઉત્તમ ફળ આપનારી થતી નથી.
આ મૃગ થયેલા વિપશ્ચિત રાજાને અગ્નિ-દેવ તેના શરણ-રૂપ છે,માટે આ મૃગ તેની અંદર પ્રવેશ કરે તો તે
સુવર્ણની જેમ પોતાના પૂર્વ-રૂપને પ્રાપ્ત થશે.હમણાં જ હું તે ક્રિયા કરું છું અને તમને દેખાડું છું,તે તમે જુઓ.

આમ કહી તે વસિષ્ઠ મુનિએ પોતાના કમંડલુના જળ વડે આચમન કર્યું અને શાસ્ત્ર પદ્ધતિને અનુસાર ઇંધણ વગરના
જ્વાળાઓના સમૂહ-રૂપે રહેલા અગ્નિ-દેવનું ધ્યાન કર્યું.ત્યારે તે સભાના મધ્યમાં અંગારાના આકાર વિનાનો,
ઇંધણથી રહિત,સ્વચ્છ અને ઘમઘમાટ કરી રહેલો જ્વાળાઓનો સમૂહ પ્રગટ થઇ ગયો.
એ અગ્નિમાં ધુમાડાનો કે કાજળનો કોઈ સંપર્ક નહોતો અને દેદીપ્યમાન કાંતિવાળો દેખાતો હતો.

તે અગ્નિને જોતાં જ મૃગે,પોતાના પૂર્વકાળના રૂઢ થઇ રહેલા ભક્તિભાવ વડે,તે અગ્નિને આદરપૂર્વક દર્શન કરી,
પોતાનો હર્ષ બતાવ્યો.અગ્નિના દર્શનથી ક્ષીણ પાપવાળો થયેલ,તે મૃગ અગ્નિમાં પ્રવેશ કરવા એકદમ ઉછળ્યો.
પોતાના ધ્યાનની અંદર વિચાર કરીને વસિષ્ઠમુનિએ તે મૃગને પોતાના દૃષ્ટિપાત વડે નિષ્પાપ કરી દીધો અને
અગ્નિને કહેવા લાગ્યા કે-હે ભગવન અગ્નિ-દેવ,આ મનોહર મૃગને તેની પૂર્વકાલની ભક્તિનું સ્મરણ કરી,
આપ કૃપા કરી તેને પાછો વિપશ્ચિત રાજા બનાવી દો.

પછી જ્વાળાઓના અંદરના ભાગ-રૂપી-આકાશમાં એક ઝીણા વાદળની જેમ રહેલા એ મૃગે પોતાનો મૃગ-ભાવ છોડી
દીધો,અને સર્વને દેખાય તે પ્રમાણે મનુષ્યના આકારે (વિપશ્ચિત રાજાના) આકારે થઇ રહ્યો.
ત્યાર બાદ,પવનથી બુઝાઈ ગયેલા દીવાની જેમ એ સભાના મધ્યમાંથી તે જ્વાળાઓનો સમૂહ જાણે ક્યાંય જતો રહ્યો,
અને માત્ર એક પુરુષ જ ત્યાં જોવામાં આવતો હતો,કે જેની આકૃતિ શાંત અને દેદીપ્યમાન જણાતી હતી.
સભાના કેટલાક પુરુષો કહેવા લાગ્યા કે-આ પુરુષ મૂર્તિમાન સૂર્યના આભાસ જેવો દેખાય છે એટલે હવે તે
(વિપશ્ચિત રાજાના નામને બદલે) 'ભાસ' નામથી ઓળખાશે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE