Apr 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1127

દેવતાઓએ કહ્યું કે-'હે અંબિકા,આ શબ આપને અમે ભેટ કરેલું છે.માટે પરિવાર સહિત આપ તરત જ તેનો ઉપયોગ કરો'
ત્યારે તે દેવી પોતે 'સર્વની પ્રાણ-શક્તિ-રૂપ' હોવાથી,પ્રાણવાયુ વડે તે શબમાંથી રુધિર-રૂપી-ક્ષારનું વિના પ્રયાસે
આકર્ષણ કરવા માંડ્યા.ચંડિકા-દેવી પ્રથમ શુષ્ક હતાં,તેથી પોતે જ્યાં સુધી રક્તપાન વડે તૃપ્ત થઇ પુષ્ટ થયાં ત્યાં સુધી
તેમણે આકાશમાં રહી પ્રાણ વડે આકર્ષાયેલુ તે શબનું રુધિર પીધું.પુષ્ટ થયા પછી તેમનો રંગ લાલ દેખાતો હતો.
તેમનાં ચપળ નેત્ર વીજળીની જેમ ચમકતાં હતાં.ને રુધિર-રૂપી-આસવથી મદોન્મત દેખાતાં હતાં.

પછી ભગવતીએ નૃત્યનો પ્રારંભ કર્યો અને તેમની સાથે રહેલ ભૂતગણ શબને ખાવામાં આકુળ થઇ રહ્યો,
ત્યારે લોકાલોક પર્વતના અગ્રભાગમાં રહેલા દેવતાઓ તે નૃત્યને દેખતા હતા.પૃથ્વી પર પથરાઈ ગયેલ રુધિરથી
જગત જાણે એક મહાસાગરના જેવું થઇ રહ્યું.અને પ્રાપ્ત થયેલા ઉત્પાત વડે પીડાઈ રહ્યું હતું.
ત્યારે સાત દ્વીપોના અંતે આવેલા અને શબના અવયવો વડે ન દબાયેલા લોકાલોક પર્વતના
શિખરના ભાગમાં રહેલ દેવતાઓ અત્યંત ખેદને પ્રાપ્ત થયા.

રામ કહે છે કે-હે મહરાજ,તે શબના અતિ લાંબા અવયવો ઠેઠ બ્રહ્માંડથી પણ બહાર પહોંચી ગયા હતા તો તેણે
લોકાલોક પર્વતને કેમ ઢાંકી દીધો નહોતો?

વસિષ્ઠ કહે છે કે-એ શબનું ઉદર સાત દ્વીપના મધ્યમાં રહ્યું હતું,અને મસ્તક,પગ અને હાથ-આદિ અવયવો બ્રહ્માંડની પેલે
પાર પહોંચી ગયા હતા છતાં મસ્તક અને ખભા વચ્ચેના મધ્યભાગમાં તે લોકાલોક પર્વતનાં શિખરો ઢંકાઈ ગયાં નહોતાં.
આથી તે લોકાલોક પર્વત ઉંચો દેખાતો હતો અને તેના પર દેવતાઓ બેઠેલા જણાતા હતા.
ફેલાયલા અવયવવાળા અને નીચે મોઢે પડેલા તે શબને ભૂતોનો સમૂહ ભક્ષી રહ્યો હતો,તે જોઇને દેવતાઓ
દુઃખિત થઈને વિચારવા લાગ્યા કે-હાય,આવા સાગર-રૂપી જળના સમુહથી વીંટાયેલી,અનેક દ્વીપો વડે સુશોભિત,
નદીઓ,વનો અને પ્રાણીઓથી શોભાયમાન નગરો,વૃક્ષો અને અંકુરો-રૂપ ભૂષણવાળી એ પૃથ્વી
હમણાં જાણે ક્યાં જતી રહી? તે વિષે અમે જાણી શકતા નથી.

(૧૩૫) પૃથ્વીનું નામ મેદિની કેમ પડ્યું?

વસિષ્ઠ કહે છે કે-મદોન્મત ભૂતોના સમૂહોએ તે શબનો માત્ર કંઇક જ ભાગ બાકી રાખ્યો,એટલે લોકાલોક પર્વત પરના
દેવતાઓ કહેવા લાગ્યા કે-આ ભૂતોએ (દેવીના ગણોએ) શબના રુધિર અને માણસનું ભક્ષણ કરતાં કરતાં સાતેય દ્વીપોની
અંદર મેદો (ચરબી) નાં જાળાં  પસારી દીધાં છે.મેળ-રૂપી વસ્ત્ર વડે વીંટળાયેલી પૃથ્વી હવે
કંઇક દેખાવા લાગી છે.આ શબનાં અસ્થિઓ મોટા પર્વતના જેવાં થઇ રહ્યાં છે અને દિશાઓમાં વીંટાઈ રહ્યાં છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE