Apr 25, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1136

વસિષ્ઠ કહે છે કે- પોતાને અનુભવમાં આવતો આ પોતાનો દેહ પણ 'માનસિક કલ્પનામય' છે,
તેથી સ્વપ્નમાં દેખાતા પર્વતની પેઠે છે જ નહિ.અને જો આમ જ હોય તો પછી સૃષ્ટિ આદિ-કાળમાં
કારણના અભાવને લીધે દૃશ્યની ઉત્પત્તિ થઇ જ નથી.આમ જો દૃશ્ય (જગત)નો અભાવ સિદ્ધ થાય,
તો ચિત્તનો અભાવ પણ સિદ્ધ થાય છે.આ રીતે સર્વ બ્રહ્મમય જ છે અને તે બ્રહ્મ જ સર્વરૂપ થઇ રહેલું છે,
અને તેની સત્તાને લીધે આ આખું વિશાળ જગત યથાસ્થિતપણે તે બ્રહ્મની અંદર આરોપિત-રૂપે રહેલું છે.

એટલે ચિત્ત,દેહ-આદિ છે પણ ખરું અને નથી પણ ખરું.કેમ કે જો હોય તો પણ તત્વવેત્તાઓની દૃષ્ટિએ તો
તે બ્રહ્મરૂપ જ છે.બાકી અવિવેકીઓની દૃષ્ટિમાં તે ચિત્ત,દેહ-આદિ કેવા પ્રકારે ભાસે છે,તે આપણા જેવા તત્વજ્ઞનો
વિષય નથી.હે રામચંદ્રજી,આ વિચિત્ર પ્રકારે દેખાતું ત્રૈલોક્ય (જગત) કેવી રીતે બ્રહ્મરૂપ છે?
તે વિષે તમને હું 'અધ્યારોપ' આદિનો ક્રમ કહું છું- તે તમે સાંભળો.

અનંત આકાશ-રૂપ જે ચિન્માત્ર તત્વ છે તે જ સર્વદા સર્વ-રૂપ થઇ રહેલું છે.તે ચિન્માત્ર તત્વે,પોતાની સર્વજ્ઞતાને લીધે,
પોતાના શુદ્ધ નિરાકાર સ્વરૂપને નહિ છોડતાં,પ્રથમ પોતાની અંદર મનોભાવ (મન) નો 'અધ્યારોપ' કર્યો.
પછી તે 'મને' પ્રથમ જે પોતાના સંચારની શરૂઆત કરી તે જ આ 'પ્રાણ-પવન' (શક્તિ) છે એમ તમે સમજો.
(મનનો) આ 'પ્રાણ-ભાવ' એ જાણે સાવ કલ્પિત એવો હોવા છતાં જેમ અનુભવમાં આવે છે,તેવી રીતે,
ઇન્દ્રિય,દેહ અને દેશ-કાળ આદિની કલ્પના પણ કલ્પિત જેવાં હોવા છતાં અનુભવમાં આવે છે.

આ જગત ચિત્ત-માત્ર છે અને એ ચિત્ત, ચિન્માત્ર એવા પરબ્રહ્મ-રૂપ છે-એ વાત નિર્વિવાદ છે.
પરબ્રહ્મ સર્વ 'શક્તિમાન' છે અને પોતાની માનસિક 'શક્તિ' વડે,જાગ્રત-સ્વપ્ન-આદિમાં પોતાના સ્વરૂપને જ,
તે (સ્વરૂપ) યથાસ્થિત પણે રહ્યા છતાં જગતના આકારે અનુભવે છે.સંક્લ્પાત્મક એ મન 'કાર્ય-બ્રહ્મ-રૂપે'
આ સૃષ્ટિ-પ્રપંચ (જગત) ના આકારે પ્રસરી રહ્યું છે.તે જ્યાં જેવી કલ્પના કરે છે તેવો જ ત્યાં તેને અનુભવ થાય છે.
આમ,આકાશના જેવા નિરાકાર આદિ ચૈતન્યને,પ્રથમ ચિત્તે જ પ્રાણ-રૂપ,દેહ-રૂપ,ત્રૈલોક્ય-રૂપ બનાવી દીધો,

(૧૩૯) ચિત્તનું પ્રાધાન્ય તથા સ્વપ્નમાં પ્રલયદર્શન

વસિષ્ઠ કહે છે કે-ચિત્તે સહુ પ્રથમ 'પ્રાણ'ની કલ્પના કરી,અને પછી આગળ કલ્પના કરી કે-
'તે (પ્રાણ) મારી 'ગતિ' (મારા સર્વ વ્યવહારનો નિર્વાહ કરનાર)છે,તેથી હું તેના વિના રહી શકીશ નહિ'
આથી તે ચિત્ત પ્રાણને અધીન કહેવાય છે.વળી આગળ પણ તે ચિત્તે એવી કલ્પના કરેલી છે કે-
'હું કેટલાક સમય સુધી (સ્વપ્ન-આદિના દેહોમાં) તે પ્રાણ વિના પણ (સંકલ્પથી) નિર્વાહ કરીશ'
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE