May 4, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1145

વ્યાધ (પારધી) કહે છે કે-આ દેહ પડી ગયા પછી,બીજો દેહ કેમ ઉત્પન્ન થાય છે? તેમ થવામાં કેટલા હેતુઓ છે?
ધર્મ અને અધર્મ જ પોતપોતાના ફળભોગને માટે દેહ આદિને ઉત્પન્ન કરે છે-એમ માનવામાં આવે તો,
નશ્વર દેહ-ભાવને પ્રાપ્ત થઇ રહેલ જીવને,ધર્મ-અધર્મ-રૂપી કર્મો, મોક્ષ-રૂપ-નિત્ય-વસ્તુ શી રીતે આપી શકે?

મુનિ કહે છે કે-ધર્મ,અધર્મ,વાસના.કર્મ,આત્મા અને જીવ-એ સર્વ પર્યાય શબ્દોનો સમૂહ 'કલ્પિત' છે.
અને વસ્તુતઃ જોતાં તે સત્ય નથી.ચિદાકાશ,પોતાના ચિદાકાશ-સ્વ-રૂપને જ (માયા કે અવિદ્યાને લીધે)
દેહ-રૂપ સમજે છે અને તે દેહ મરી ગયા પછી પરલોકમાં પણ (સંકલ્પ ને સ્વપ્નની જેમ) મિથ્યા-રૂપે પ્રતીતિમાં આવતા
દેહ (આદિ પદાર્થો) ને તે જાણે સત્ય હોય તેમ માને છે.મરી ગયેલ પ્રાણીને પોતાની મેળે જ સ્વપ્નની જેમ પરલોકની
પ્રતીતિ થાય છે અને ઘણા લાંબા સમય સુધી તેને અનુભવે છે,પણ વસ્તુતઃ તેમાં કશી જ સત્યતા નથી.

મરી ગયેલ પ્રાણીનું નિર્માણ કોઈ બીજો જ કરતો હોય,તો શ્રુતિના અનુસાર 'નિર્માણ કરનાર પોતે જ તે જીવ-રૂપ
કેમ થઇ જાય?'વળી તે જીવની 'સ્તનપાન-આદિ પ્રવૃત્તિ'ને અનુકુળ 'સ્મૃતિ' પણ જન્મ સમયે શી રીતે આવે?
તે (પુનર્જન્મ)ને જો કૃત્રિમ માનવામાં આવે,તો પછી તે પુનર્જન્મ થતાં,અનાદિ-સિદ્ધ-આત્માનું-નિત્ય-ચેતનપણું
તે અસત્ય ઠરે અને સાવ 'શૂન્ય-વાદ'આવીને ઉભો રહે.

એટલે,આત્મા મરણને પ્રાપ્ત થઇ,પુનર્જન્મને પ્રાપ્ત થાય છે તેવું નથી.(આત્મા તો નિત્ય છે મરતો નથી કે જન્મતો નથી)
પણ તે પોતાના (વાસનામય) ચિત્ત વડે 'હું અમુક પ્રકારે જન્મને પ્રાપ્ત થઇ રહ્યો છું' એવી કલ્પના કરી,
મિથ્યા રીતે તે પુનર્જન્મને અનુભવે છે.અને દેહભાવના લાંબા અભ્યાસને લીધે અનુભવ કરતો પણ રહે છે.
આમ,પોતે ચિદાકાશ-રૂપ છતાં સ્વપ્નની જેમ પ્રતીતિમાં આવતા આ દેહ-આદિ-દૃશ્યમાં તે જીવ,
અધ્યાસને લીધે પોતાપણું કલ્પી લે છે અને વારંવાર જન્મ-મરણને અને જગતને અનુભવતો રહે છે.

એવી રીતે,પ્રત્યેક જીવ ચિદાકાશની અંદર મિથ્યા દૃશ્ય-સમૂહનો અનુભવ કરી રહ્યો છે.તે જીવ પોતે તે વિષયોને જુએ છે,
ઇન્દ્રિય-આદિને પ્રવર્તાવે છે અને ભોગોને ભોગવે પણ છે,બાકી પરમાર્થ-દૃષ્ટિથી જોતાં,કોઈનું કશું 'ભોગ્ય' નથી
કે 'ભોક્તા' પણ નથી.જેણે જાણવાનું જાણી લીધું છે તેવા વિવેકી પુરુષને જે તત્વ,સત્ય અને અવિનાશી જણાય છે.
તે તત્વ અવિવેકીને અસત્ય લાગે છે અને તે તત્વજ્ઞ પુરુષને જે (જગત) અસત્ય જણાય છે તે અવિવેકી પુરુષને સત્ય
ભાસે છે.વસ્તુતઃ,ચિદાત્માને પોતાના સ્વરૂપની અંદર જે કંઈ ભાન થાય છે,તે પોતાનો એક વિવર્ત
જ છે.તે (જગત) તેનાથી જુદું નથી,તેથી સત્ય છે.એ રીતે સર્વ પંચમહાભૂતો અને જીવો પરસ્પર સત્ય-રૂપ છે.

એ જગત અન્યોન્યની ભાવના પ્રમાણે સત્ય ભાસે છે,કેમ કે જગતનું રૂપ સત્ય છે કે અસત્ય છે-તેનો નિર્ણય કરવાનું કામ
સત્ય એવા ચિદાત્માનું છે.તે ચિદાત્મા,પોતેજ તેનો સત્ય-રૂપે જો નિર્ણય કરે,તો બીજો કોણ તેને ફેરવી શકે?
જો સર્વ વાતનો નિર્ણય ચિન્માત્ર-તત્વ વડે જ થાય છે તો પછી 'જગત દૃશ્ય-રૂપ છે કે નથી' તેની વાત કેમ કરવી?
કે પછી દ્વિત્વ-એકત્વની સ્થિતિ પણ કેમ કરીને રહે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE