May 5, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1146





જે કંઈ આ (જગત-વગેરે) દેખાય છે-તે જ્ઞાનરુપ છે.
જ્ઞાન અને જ્ઞેય (ઈશ્વર)નું ઐક્ય-પણું અનુભવમાં આવ્યા પછી દૃશ્ય (જગત) પણ જ્ઞાનરુપ જ થઇ જાય છે.
જ્ઞાન જ જ્ઞેય-રૂપથી રહ્યું છે.જો,જ્ઞાનનું અસત્ય-પણું માનવામાં આવે,તો જ જ્ઞેયનું અવશેષપણું (બાકી) રહે.
પરંતુ તેમ માની શકાય નહિ,કેમ કે જ્ઞાન વિના જ્ઞેયની સિદ્ધિ થતી નથી.એટલે છેવટે,
(જ્ઞાન-જ્ઞેયના ઐક્ય-રૂપ એવા) જ્ઞાનનું જ અવશેષ(બાકી) રહેવાપણું માનવું પડે છે.આમ,જો જ્ઞાન એ જ
ખરેખર સત્ય તત્વ (જ્ઞેય કે ઈશ્વર) હોય તો પછી,પ્રપંચ (માયા)એ જ્ઞાન (ઈશ્વર)થી જરા પણ જુદો નથી.

હવે,જો સર્વ પદાર્થ જ્ઞાનરૂપ જ સિદ્ધ થાય છે,તો પછી દૃષ્ટા (ઈશ્વર કે બ્રહ્મ) તેના અજ્ઞાનને લીધે જ પોતાના
શુદ્ધ સ્વરૂપમાંથી ભ્રષ્ટ થાય છે.જો કે વસ્તુતઃ તો કશું પણ થતું નથી.જ્ઞેયનું (જ્ઞાનથી) જુદું હોવું અસંભવિત છે.
તેથી જ્ઞાન જ જ્ઞેય-રૂપે થઇ રહ્યું છે અને અવિદ્યા (અજ્ઞાન કે માયા)ને લીધે પોતાના સ્વરૂપને પ્રસારી દે છે.
જડ (દેહ-આદિ)રૂપે અસત્ય પણ ચિદ-રૂપે સત્ય એવા તત્વજ્ઞ પુરુષની દૃષ્ટિમાં,
પોતપોતાના વિષયોને ગ્રહણ કરનાર ઇન્દ્રિયોની સૃષ્ટિ અને વિષયોની સૃષ્ટિ,
એ બંનેમાંથી કશું પણ આત્માથી જુદું જણાતું નથી.બાકી અવિવેકી મૂર્ખોના અનુભવને હું સમજી શકતો નથી.

જેમ,એક ચિદાત્મા (ઈશ્વર કે બ્રહ્મ) સ્વપ્ન અને સંકલ્પમાં અનેક પદાર્થો-રૂપ થઇ જાય છે (ઉત્પત્તિ)
કે અને પાછો તેથી રહિત પણ થઇ જાય છે (પ્રલય)
તેમ,એક જ એવું એ ચિદાકાશ,જાગ્રતમાં પણ અનેક પ્રકારના ભોગ્ય-રૂપ અને લાખો પુરુષ-રૂપ થઇ જાય છે.
આ સર્વ નિરાકાર-નિત્ય એવા ચિદાકાશ-રૂપ જ છે.એ શુદ્ધ (ચિદાકાશ) તત્વ (સંકલ્પ-વાસના-અધ્યાસ અનુસાર)
જ્યાં જેવા રૂપે ભાસે છે ત્યાં (પોતાના સત્ય-સંકલ્પ અને સર્વ શક્તિમાન પણાથી) તેવા રૂપે થઇ રહેલ જણાય છે.

તે ચિદાકાશની અંદર સર્વ દૃશ્ય (જગત) શાંત અને નિત્ય ચેતન-તત્વ-રૂપે જ રહેલું છે,માટે પોતાની મેળે જ,
દૃશ્યના આભાસથી રહિત અને સંકલ્પથી પણ રહિત થઇ જઈને પોતાના આત્મામાં સ્થિર થઈને રહેવાનું છે.
મનને સ્થિર કરી,આત્મા જેટલો અચળ સંકલ્પ-વાળો થાય છે,ત્યારે સ્થિરતા સિદ્ધ થાય છે.
પછી તે સત્ય હો કે અસત્ય હો-એ વિષે કશું જોવાનું નથી.અનેક શરીરો,કર્મો,દુઃખો,સુખો ભલે પ્રાપ્ત થાઓ
અથવા જતાં રહો,તેમાં શેનો આગ્રહ રાખવાનો છે? તેવી જ રીતે આ જગત સત્ય હો,અસત્ય હો,વસ્તુતઃ હો કે ના હો,
પરંતુ તેમાં કોઈ સંભ્રમ પામવા જેવું નથી.માટે તમે તુચ્છ ફળ આપનાર એ પ્રખર પ્રયત્ન છોડી દો.તત્વને સમજો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE