May 8, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1149

જેમ,માટી એ ઘટ-આદિ કોઈ આકૃતિમાં થયા વિના રહેતી નથી,તેમ,સત્ય-બ્રહ્મ પણ જ્યાં સુધી તેનું વાસ્તવિક રૂપ
ન ઓળખાય ત્યાં સુધી 'નિયતિ' વિના રહેતું નથી.એ 'નિયતિ-કારણ' વડે કાર્ય થઇ કોઈ આકૃતિ (જગત) થવાનો નિયમ છે.
એટલે જ્યાં સુધી જ્ઞાન વડે આત્માનો સર્વાત્મ-ભાવ સમજાઈ જાય અને દૃશ્યનો આત્યંતિક ક્ષય (મોક્ષ)
ના થઇ જાય ત્યાં સુધી તે આકૃતિ (જગત) નું ભાન કાયમ રહે છે.અને આવી રીતે આ સર્વ દૃશ્ય સમૂહ (જગત) સર્વદા
'કારણ' (નિયતિ-કારણ) વાળું છે.અને તેની જેવી કલ્પના કરવામાં આવે તેવું તે દેખાય છે.

અવિવેકીને કારણ વિના જ તે બ્રહ્મ,સૃષ્ટિ-રૂપે ભાસે છે અને કાર્ય-કારણ સંબંધી દૃષ્ટિનો ભ્રમ પણ તેને જ પ્રતીતિમાં આવે
છે,બાકી વિવેકીને આ સૃષ્ટિ કાકતાલીય ન્યાયની જેમ જ રહેલી છે.અને અનેક આકૃતિને ધારણ કરનારી છે.
આ સર્વ દૃશ્યમાં અમુક પદાર્થ અમુક પ્રકારે જ ઉત્પન્ન થાય અને અમુક પ્રકારે ના થાય-તેવો એક નિયમ સ્થિરપણે
કલ્પાયેલો છે.અને ઉત્પન્ન થનારા પદાર્થોના ઉત્પત્તિ-ક્રમમાં પણ અમુક પ્રથમ અને અમુક પછી થાય છે,
એવી પદ્ધતિ અવશ્ય અપેક્ષિત હોવાથી (સમજવા માટે) સર્વનું સકારણ-પણું જ છે -એમ માનવામાં આવે તો પછી
કારણ વિના જાગ્રત અને સ્વપ્ન સૃષ્ટિ કોઈ પણ પ્રકારે સંભવિત નથી.

મેં પોતે જ તે મનુષ્યના ઓજમાં,સ્વપ્નમાં પ્રલયો જોયા તેમાં તમને શું કારણ ભાસે છે? શ્રુતિ આદિ દ્વારા શું કારણ
સંભળાય છે? અને તમને શું અનુભવમાં આવે છે? જેમ સ્ફટિક પર પ્રકાશ પડતાં તે પોતાની મેળે જ ઝળકી ઉઠે છે,
તેમ,બુદ્ધિમાન પુરુષને પણ સર્વ વસ્તુઓના સંબંધમાં અનેક યુક્તિઓ પોતાની મેળે જ સ્ફૂરી આવે છે.
અને તેમાં પોતપોતાની ભાવના અને અનુભવ જ વિજયી થાય છે.એ ભાવના અને અનુભવ.સર્વનો નિર્ણય  કરવામાં
શક્તિમાન થાય છે અને તે જ સર્વ પ્રમાણોના જીવિત-રૂપ છે.

(૧૪૫) તેજની અંદરનો તથા બહારનો અનુભવ

મુનિ કહે છે કે-જયારે ઇન્દ્રિયો બહિર્મુખ થાય છે ત્યારે,જીવ 'જાગ્રત નામે કહેવાતા સ્વપ્ન'ને દેખે છે,અને પછી,
તે ઇન્દ્રિયો જયારે અંતર્મુખ થાય છે ત્યારે તે જીવ 'અંદરના સ્વપ્ન'ને અનુભવે છે.
જયારે તે ઇન્દ્રિયો બહાર અને અંદર,બંને બાજુ અતિ તીવ્ર સંવેગથી પ્રવૃત્ત થાય છે ત્યારે જીવ તે બંનેને અનુભવે છે.
વસ્તુતઃ જોતાં તો બાહ્ય કે આંતર જગત સ્થૂળ-રૂપે છે જ નહિ,પરંતુ જીવને દરેક વિષયનો અનુભવ કરવામાં સાધનરૂપ
ઇન્દ્રિયોની નિર્બોધ પ્રવૃત્તિ જ જગતમાં સ્થૂળતાને કલ્પી લે છે ને તેને સ્થૂળરૂપે અનુભવે છે.
તે સ્થૂળરૂપ એ જ જગત છે.વસ્તુતઃ તો તે ચિદરૂપ જીવ જ પોતે જગત-રૂપ થઇ રહ્યો છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE