May 10, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1151

(૧૪૬) અદ્વૈત બ્રહ્મનું વર્ણન
વ્યાધ (પારધી) કહે છે કે-હે મુનિ,એ મનુષ્યના હૃદયની અંદર ઓજમાં આપ રહ્યા હતા,
પણ વસ્તુતઃ તો તે ઓજ ભ્રાંતિ-રૂપ હતું -તો એ પછી આપને શો અનુભવ થયો?

મુનિ કહે છે કે-હું તે મનુષ્યની તેજો-ધાતુ (તેજ-ઓજ-કે આનંદમયકોશ) માં રહ્યો હતો
અને તે મનુષ્યના જીવની સાથે લિંગ-દેહ વડે મિશ્રિત થઇ ગયો હતો.
તે સમયે મહાઘોર એવો કલ્પાંતનો ભ્રમ થઇ રહ્યો હતો અને પ્રલયકાળનો પવન વાતો હતો.
તે સમયે કોણ જાણે ક્યાંથી પર્વતોની વૃષ્ટિ થવા લાગી હતી.ત્યારે હું તે મનુષ્યની નાડીની અંદર
સંકુચિત આકારવાળો બની ગયો અને મને સુષુપ્તિ-જાગ્રત-સ્વપ્ન અવસ્થાનો અનુભવ થયો.
પછી જેમ સમુદ્ર,પોતાની અંદરના તરંગોને જુએ છે,તેમ,મેં તે ઓજની અંદર  દૃશ્ય (જગત)ને જોયું.
જો કે,ચિદાકાશ-રૂપ-દૃશ્ય જ તે સમયે મને દૃશ્ય-રૂપે જોવામાં આવ્યું હતું.

વ્યાધ કહે છે કે-આપે સુષુપ્તિમાં પણ દૃશ્ય-ભાવ કહ્યો,તો તે સુષુપ્તિમાં શી દૃશ્યતા રહી છે? તે મનુષ્યના સુષુપ્તિવાળા
આત્મામાંથી અને તમારા પોતાના સુષુપ્તિવાળા આત્મામાંથી જગત-રૂપી-દૃશ્ય શું બીજા જ પ્રકારે ઉત્પન્ન થાય છે?
કે સર્વ દૃશ્યનો લય થઇ જતાં જે સુષુપ્તિ-અવસ્થાનો ઉદય થાય તે કંઈ જુદા પ્રકારની છે?

વસિષ્ઠ કહે છે કે-'ઘટ-જગત-આદિ ઉત્પન્ન થાય છે,ભાસે છે અને પ્રસિદ્ધ-રૂપે પ્રતીતિમાં આવે છે (દેખાય  છે)'
એ સર્વ દ્વૈતના ભ્રમ-વાળા મૂર્ખાઓ નો પ્રલાપ છે.વસ્તુતઃ જોતાં 'ज़ात' (ઉત્પન્ન થયેલું) એવો શબ્દ એ ચિન્માત્રનો
જ એક પર્યાય છે.કદાચ 'ज़ात' એટલે 'सर्गतः ज़ात' (સર્ગથી ઉત્પન્ન થયેલું) એવો અર્થ કરવામાં આવે તો -
તે સર્ગ (જગતની ઉત્પત્તિનો ક્રમ) પણ સદ-રૂપ પરમાત્માથી જુદો કહી શકાતો નથી.
વળી વિદ્વાનોની દૃષ્ટિમાં કશું ઉત્પન્ન થતું નથી કે કશાનો નાશ થતો નથી,પરંતુ સર્વ,
શાંત અને જન્મ--આદિ વિકારથી રહિત બ્રહ્મ-રૂપ (બ્રહ્મ-સત્તા-રૂપ) જ છે અને જગત પણ તે જ છે.

બ્રહ્મની અંદર જે (અનિર્વચનીય) 'માયા-શક્તિ' રહેલી છે-તે વડે જ
'અમુક પદાર્થ છે અને અમુક નથી' એવો લૌકિક વ્યવહાર થાય છે
કેમ કે તે બ્રહ્મ જ માયાના યોગથી અવિવેકીઓને તેવા (જગત અને જગતના વ્યવહાર) પ્રકારે ભાસે છે.
જેમ જેમ માયા-શક્તિનો વિકાસ થતો જાય છે તેમ તેમ સર્વના આત્મા-રૂપ બ્રહ્મ સર્વ 'શક્તિમાન' થઇ જઈ
પદાર્થ-રૂપે પ્રતિત થાય છે.પણ પરમાર્થને જાણનાર પંડિતોની દૃષ્ટિમાં આ કશું છે જ નહિ.(સર્વ એક છે)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE