May 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1152

વાસ્તવિક દૃષ્ટિએ જોતાં અહીં દૃષ્ટા કે ભોક્તા -એ કશું નથી,સર્વ એક ચિદ્રુપ (અદ્વૈત) જ છે.કે જે કશા-રૂપ નથી
છતાં કાંઇક આરોપિત (જગત)રૂપે પ્રતીતિમાં પણ આવે છે.વાણી અહીં  પહોંચી શકતી નથી,એટલે મૌનનો જ આશ્રય
લેવો પડે છે.સૃષ્ટિના આદિ-કાળમાં કારણના અભાવને લીધે,ચિદાકાશની અંદર સંકલ્પ-નગરના જેવા વિવર્તનો ઉદય
થાય છે,કે જે છેક પ્રલય સુધી રહે છે જે કંઈ આ દ્વૈત-રૂપ છે તે ચિદાત્મા (અદ્વૈત) રૂપ જ છે.
આમ,તત્વ-દૃષ્ટિથી જોતાં,આદિ-મધ્ય-અંતથી રહિત,અનંત અને સ્વચ્છ (અદ્વૈત) બ્રહ્મ જ,ભ્રાંતિ (માયા કે અવિદ્યા)ને
લીધે અતિ વિકારી અને અનેક પ્રકારે (દ્વૈત)થઇ રહેલ ભાસે છે.

(૧૪૭) જગત-રૂપી-દૃશ્યનું વર્ણન

મુનિ કહે છે કે-પછી હું સુષુપ્તિ અવસ્થામાંથી સ્વપ્ન અવસ્થામાં આવ્યો,એટલે મને આ જગત-રૂપી દૃશ્ય નીકળેલું
જણાયું.તે જાણે આકાશના અવયવમાંથી,પૃથ્વીમાંથી,ચિત્તમાંથી કે દૃષ્ટિમાં પ્રગટ થયું હોય તેવો ભાવ બતાવતું હતું.
તે સમુદ્રો,નદીઓ,પર્વતો,વનો,નગરો આદિથી યુક્ત હતું.સ્વપ્નની અંદર જ મેં મારું પૂર્વનું ગામ,પૂર્વનું ઘર,
અને તે જ સ્ત્રી,પુત્રો બંધુઓ વગેરેને જોયાં.હું તે સર્વના આલિંગનથી સુખ પામ્યો.

હું તે સમયે તે (સગાં-સંબંધીની) વાસનાથી ખેંચાયો હતો,તેથી પૂર્વ સ્મૃતિને ભૂલી ગયો હતો.
જેમ અરીસો જે વસ્તુ પોતાની પાસે આવે,તેના પ્રતિબિંબને પોતાની મેળે જ ગ્રહણ કરી લે છે,તેમ ચિદ-રૂપ અરીસો પણ
વાસના વડે જે જે પદાર્થો પોતા તરફ ખેંચાઈ આવે તેને સ્વાભાવિક રીતે જ ગ્રહણ કરી લે છે.
પણ,હે વ્યાધ,જેને સર્વ ચિદાકાશ-રૂપ જ છે એવો જેને બોધ થઇ ગયો હોય છે,
તે વાસનામય દ્વૈત પ્રપંચથી ખેંચાતો નથી અને તે તેઓ પોતાની સ્વરૂપ-સ્થિતિમાં જ આરૂઢ રહે છે.

સદ-શાસ્ત્રો,અભ્યાસયોગ અને સત્પુરુષોના સમાગમ વડે જેમનામાં તત્વજ્ઞાનનો ઉદય થાય છે,તેમનામાં પછી ફરીવાર
તે જ્ઞાનનું વિસ્મરણ થતું નથી અને કાયમ જ રહે છે.પણ તે વખતે મારું તત્વજ્ઞાન દૃઢ થયું નહોતું,
તેથી તે સ્ત્રી,પુત્ર,બંધુ આદિની વાસના વડે પરાસ્ત થઇ ગયું હતું.પરંતુ આજે (હવે) તો તત્વજ્ઞાન દૃઢ થઇ ગયું હોવાથી
તેવી દુર્વાસનાનો સમૂહ મારી બુદ્ધિને બાધિત કરવાને સમર્થ નથી.

હે વ્યાધ,તારી બુદ્ધિ સત્સંગથી રહિત છે તેથી હમણાં તરત જ શાંતિને પ્રાપ્ત થતી નથી,પરંતુ અનેક કષ્ટો વડે
(અભ્યાસ વડે) જયારે જ્ઞાનનો ઉદય થઈ,અદ્વૈત (એક) ના સ્વરૂપનો બોધ થશે-એટલે શાંતિને પ્રાપ્ત થઇ જઈશ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE