Jun 4, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1173

'એક' એવા ચિદાકાશના વિલાસ(વિવર્ત)ની અંદર એ બંને (જીવન-મરણ) વસ્તુ રહેલી પણ છે અને રહેલી
નથી એમ પણ નથી.જો એ બંનેને સંકલ્પ વડે કલ્પી લેવામાં આવે તો તે બંને છે અને નિઃસંકલ્પ દશામાં રહેવાય
તો તે બંને નથી.જો દૃઢ નિશ્ચય વડે 'એક' જ તત્વને માનવામાં આવે તો તેવું અનુભવાય જ છે.માટે દ્વૈત
(બ્રહ્મ અને જગત)ના સત્ય-અસત્ય-પણા વિષે સાક્ષી-રૂપે નિર્ણય કરનાર સાક્ષીનું સદાકાળ અસ્તિત્વ છે જ.

ચિદાત્મા સિવાય બીજું કયું સુખવાળું જીવન છે તે તમે જ ક્હો ! તે ચિદાત્મા અક્ષય હોવાથી પરમપુરુષાર્થ-રૂપ છે,
માટે ક્યાં કોને દુઃખ છે? જ્યાં વાચ્ય (જેને વાંચવાનો છે તે) અને વાચક (વાંચનાર) એ બંને ચિદાકાશરૂપ છે અને
ચિદાકાશથી તે અભિન્ન અને ભિન્ન -એમ બંને પ્રકારે કલ્પાયેલ છે-તો ત્યાં એક કે દ્વૈતની ભ્રાંતિ ક્યાંથી રહે?

યથાર્થ વસ્તુ-સ્વરૂપને ઓળખનારી દૃષ્ટિમાં,કશો સ્થૂળ કે સૂક્ષ્મ-ભાવ (દ્વૈત) પ્રતીતિમાં આવતો નથી,અને
સર્વ દૃશ્ય નિરાકાર (ચિદ્રુપ) જણાય છે.તત્વ-દૃષ્ટિથી જોતાં તો જ્ઞાનીપણું કે અજ્ઞાનીપણું-એ બંને પણ સત્ય કહી શકાતાં
નથી કે અસત્ય પણ કહી શકાતાં નથી.જો કે સત્ય-અને અસત્યપણું ભાસે પણ છે-
તેથી આ સર્વ બાબતમાં 'કાષ્ટ-મૌન' નો જ આશ્રય લેવું પડે તેવું છે.(સમજનાર જ આ વાત સમજી જાય છે)
અનંત દૃશ્યને બ્રહ્મ-રૂપે સમજવું,તે જ પરમપદ કે પરબ્રહ્મ-રૂપ છે-એમ તત્વજ્ઞાન વડે જ સમજાઈ જાય છે.

(૧૬૦) ભાસની જીવનમુક્તિ અને અવિદ્યાનું વર્ણન

સભાના બીજે દિવસે વસિષ્ઠ કહે છે કે-હે મહારાજા,આ અવિદ્યા વસ્તુતઃ જોતાં છે જ નહિ અને સાવ અસત્ય હોવા છતાં
પણ સત્ય હોય તેવી પ્રતીતિ થઇ રહી છે.વિપશ્ચિત રાજાએ પ્રબળ દીર્ઘ પ્રયત્ન કર્યા છતાં પણ તેને તે અવિદ્યાનો અંત
જોવા મળ્યો નહિ.એવી રીતે જ જો તે અવિદ્યાનું સાચું સ્વરૂપ ના ઓળખાય તો તે દેશકાળ વડે અનંત જેવી ભાસે છે
અને જો તેનું વાસ્તવ સ્વરૂપ જણાઈ જાય તો ઝાંઝવાના જળની જેમ છે જ નહિ.

જેવી રીતે એ વિપશ્ચિત (ભાસ) રાજાનું વીતેલ વૃતાંત તેના મંત્રીઓએ જોયું હતું તે તમે પણ અહીં પોતે નજરે જોયું છે.
હવે પછી કહેવાતી કથાઓ વડે તે તત્વ-સ્વરૂપને ઓળખી લેશે એટલે તે જીવનમુક્ત થઇ જશે.
બ્રહ્મે પોતાના સ્વરૂપના અંદર,પોતાની સત્તા વડે આરોપિત-રૂપે અવિદ્યાને ધારણ કરી રાખી છે.
આથી ભ્રમ વડે તે અવિદ્યાનું સ્વરૂપ અસત્ય છતાં સત્ય જેવું જણાય છે.
આમ જયારે તે અવિદ્યા બ્રહ્મ-રૂપ જ છે અને બીજા કશા રૂપ નથી,
ત્યારે સિદ્ધ થાય છે તે અજ્ઞાનને લીધે જ દેખાય છે,અને તેનું યથાર્થ સ્વરૂપ ઓળખાતાં તે બ્રહ્મથી જુદી જણાતી નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE