Jun 6, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1175

(૧૬૧) પરમાત્મામાં જગતની ભ્રાંતિ
રામ કહે છે કે-એ મુનિને અને વ્યાધને,અનેક પ્રકારની જે સેંકડો દશાઓનો અનુભવ થયો,
તેનું બીજું કોઈ કારણ હશે કે સ્વાભાવિક જ તે પ્રમાણે થયું હશે?

વસિષ્ઠ કહે છે કે-પરમાત્મા-રૂપી મહાસાગરની અંદર એવી પ્રતિભાઓ (દશાઓ) રૂપી ચકરીઓ નિરંતર
પોતાની મેળે જ થતી રહે છે.જેમ,ચલન-શક્તિવાળા ચપળ વાયુમાં ચપળતા નિરંતર ઉદય પામતી રહે છે,
તેમ ચિદાકાશમાં સત્ય-આત્માના ચેતનપણાને લીધે,નિરંતર અનેક પ્રતિભાઓ (દશાઓ) ઉદય પામતી રહે છે.
અને તે પદાર્થોના આકારે ભાસતી એક સ્ફૂર્તિ જ કહેવાય છે.

આ ચિદાકાશમાં ઉદય પામતો 'પ્રતિભાનો પ્રકાશ' એક તેના અવયવ જેવો જ છે,અને તે જ્યાં સુધી બીજી બળવાન
પ્રતિભા વડે તે,પરાભવ (હાર) પામતો નથી,ત્યાં સુધી તેવા પ્રકારે જ અહીં અનુભવમાં આવે છે.
જેમ અનેક પ્રકારના અવયવોવાળો અવયવી એક જ હોય છે,તેમ અહીં આ સર્વ,ચિદાકાશ બ્રહ્મના જ અવયવો છે
અને તે (બ્રહ્મ) પોતે 'એક' અવયવી (અવયવોને ધારણ કરનાર) જ છે.
આમ,આ સર્વ (જગત અને જગતના પદાર્થોની) પ્રતિભાઓ (દશાઓ) નું મૂળ અધિષ્ઠાન બ્રહ્મ જ છે.

ચિદાકાશ-રૂપ-આત્માની અંદર કેટલીક પ્રતિભાઓ (હાથ-પગ-આદિ) સ્થિર છે,તો કેટલીક પ્રતિભાઓ
(ઉન્મેષ-આવેગ-આદિ) અસ્થિર છે,વળી સ્થિત-અસ્થિર પ્રતિભાઓની સ્થિતિ પણ છે.
વસ્તુતઃ તો આત્માની અંદર ભાસતા સ્વપ્નનગરની જેમ આ દૃશ્ય પણ ચિદાકાશની અંદર એક ચમત્કાર-રૂપે ભાસે છે-
તો પછી તેમાં સાર શું હોય? દૃશ્યનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો સર્વ ચિદાકાશ-રૂપ છે અને
અજ્ઞાનીઓની દૃષ્ટિએ જોતાં તે જગત-રૂપ દેખાય છે.તેને સત્ય કે અસત્ય શું કહી શકાય?

આ સર્વ ચિદાકાશનો જ એક વિવર્ત છે,તેથી તે ચિદ-રૂપ છે.બ્રહ્મ પોતે પોતાના સ્વરૂપની અંદર,પોતાની મેળે જ
અવિદ્યાના નામે રહેલું છે.ચિદ-ઘન એવા આત્મ-સ્વરૂપની અંદર પૃથ્વી-આદિ ઘટ્ટ-પણું સંભવતું જ નથી.
'આ સર્વ જગત (સૃષ્ટિ) ચિદાકાશ-રૂપ જ છે'-એ જ પરમ બોધ (જ્ઞાન) છે.અને 'ભૂમિકા'ના અભ્યાસ વડે
આવી સ્થિતિમાં રહેવું એ જ મુક્તપણું છે.જેનો દેહભાવ મુકાઈ ગયો છે તેવો તત્વજ્ઞ-પુરુષ ક્ષણવાર પણ
જયારે ચિન્માત્ર 'સાક્ષી-રૂપ' થઇ રહે છે ત્યારે તેને જગતની પ્રતીતિ થતી નથી.

સ્વચ્છ (નિર્મળ-નિરાકાર) ચિદ-રૂપ-તત્વ,પોતાના શુદ્ધ સ્વરૂપને નહિ છોડતાં,
જે કંઈ સ્વપ્નની જેમ પોતાના સ્વરૂપને વિવર્ત-રૂપે પ્રસારી દે છે-તે જ આ જગત છે.
પરસ્પર શાસ્ત્રાર્થો વડે તીક્ષ્ણ થઇ રહેલી બુદ્ધિથી તત્વજ્ઞ પુરુષ નિર્વિકલ્પ દશાને પામે છે.
આ પ્રમાણે આત્માની સુષુપ્તિ-જેવી સ્થિતિ પ્રાપ્ત થતાં તેને કોઈ અવર્ણ્ય આત્મતત્વનો અનુભવ થાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE