Jun 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1177

વસિષ્ઠ કહે છે- ચિદ-રૂપ-સાક્ષી ચૈતન્યમાં ભેદનો અનુભવ કરનાર કોઈ પણ નથી,
કેમ કે ત્રણે અવસ્થામાં સાક્ષી-રૂપે રહેલા એવા સાક્ષી-ચૈતન્યના અંશને બીજો કોણ જોઈ શકે?
અભેદબુદ્ધિ અને ભેદબુદ્ધિ  એ બંને પણ ચિદ-રૂપ જ છે.
અને જયારે એમ છે તો પછી,દ્વૈત અને અદ્વૈત-એ બંને શાંત-નિર્વિકાર-બ્રહ્મ-રૂપ સિદ્ધ થાય છે.
જેમ,બ્રહ્મનો સદ-અંશ જ્ઞાન-રૂપ પણ છે અને ગ્રાહ્ય-રૂપ પણ છે,
તેમ,દ્વૈતનો અનુભવ કરનાર સાક્ષી-ચૈતન્ય,દૃષ્ટારૂપ પણ છે અને દૃશ્યરૂપ પણ છે.

'સૃષ્ટિ પરબ્રહ્મ-રૂપ છે અને દ્વૈત-અદ્વૈત પણ સત્ય પરબ્રહ્મરૂપ જ છે' એવો પ્રથમ નિર્ણય કરી લેવો,પછી,
'નેતિ-નેતિ' (તે નથી-તે નથી-એટલે કે તે દ્વૈત બ્રહ્મ નથી) આદિ વાક્યબળથી સર્વ દ્વૈતનો ત્યાગ કરી દેવો.
આમ ચારે બાજુ (જગત-રૂપે) પ્રગટ-રૂપે દેખાતા (પ્રત્યગાત્મા-રૂપી) ચિદાકાશની અંદર,
(શિલા જેવા)સ્થિર,એકરસપણાને ધારણ કરી લઇ,તમે સ્વ-સ્વરૂપમાં સ્થિર થઈને રહો.

હે રામચંદ્રજી,આ પ્રમાણે,ચિન્મય-બ્રહ્મની અંદર,(શિલાની જેમ)સ્થિરતાથી એકરસ-રૂપે રહીને (અનાસક્ત થઈને)
તમે તમારા વર્ણાશ્રમ-ધર્મના ક્રમને અનુસરો.લૌકિક (વ્યવહારિક) સ્થિતિનું ઉલ્લંઘન ન કરતાં,
પોતાના વૈભવ અનુસાર,સુખથી ઈચ્છા પ્રમાણે વિષયનો અનુભવ કરો.
પોતે ખાનપાન કરો અને પોતાના સંબંધી-વર્ગ,બ્રાહ્મણ-વર્ગ આદિને પણ સુખેથી જમાડો.

(૧૬૨) અવિદ્યાનો નિષેધ

વસિષ્ઠ કહે છે કે-(રૂપ આદિ) બાહ્ય વિષયો અને (સંકલ્પ-આદિ) આંતર-વિષયો,અંદર રહેલા ચિદાકાશરૂપ આત્માના
ઉપભોગ માટે છે,તેથી આ જગત યથાસ્થિત પ્રમાણે રહ્યા છતાં,છેવટે તો ચિદાકાશરૂપે જ બાકી રહે છે.
સ્વપ્નનો સાક્ષી-રૂપે અનુભવ કરનાર ચિદાત્મા જ સ્વપ્નનગર-રૂપ થઇ રહેલો છે,તેથી ચિદાત્મા વિના બીજું કશું તે વખતે
હોતું નથી.તે પ્રમાણે જાગ્રતમાં દેખાતું જગત પણ આકાશના જેવા નિર્વિકાર શાંત બ્રહ્મ-રૂપ છે.
આમ,ચિદાકાશ (સાક્ષી-ચૈતન્ય કે બ્રહ્મ)નો વિવર્ત (આભાસ કે વિલાસ) એ જગત-રૂપે (ભ્રાંતિથી) પ્રતિત થાય છે.

આ સૃષ્ટિ (જગત) એ (પોતાની) ભાવના અનુસાર,સત્ય અને અસત્ય-એ બંનેરૂપે પ્રતીતિમાં આવે છે.
તે જેવી વિવેકીઓની દૃષ્ટિમાં જણાય છે તેવી અવિવેકીઓને ભાસતી નથી.અને જેવી અવિવેકીઓને ભાસે છે
તેવી વિવેકીઓને ભાસતી નથી.વિવેકી અને અવિવેકીઓની બુદ્ધિની અંદર જે અનુભવ રહેલો હોય છે,
તે (પોતે તે અનુભવને) સમજવાને,તમને કહેવાને કે પરસ્પર કહેવાને સમર્થ થઇ શકતા નથી.
તે બંનેની પોતપોતાની બુદ્ધિની અંદર જેવી જેવી સૃષ્ટિ રહેલી છે,તેવી જ રીતે તે સ્ફુરે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE