Jun 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1179

વૃદ્ધાવસ્થા આવતાં પોતાનાં ગાત્રો (અવયવો)પણ ભારરૂપ થઇ પડે છે.બાળપણું અને વૃદ્ધપણું,
એ જ્ઞાનને સાધી આપનાર થઇ શકતું નથી.બાકી,જો તરુણપણું વિવેકવાળું હોય તો જીવતે જીવ
જીવનનું સાફલ્ય કરી આપનાર નીવડે છે.વીજળીના ઝબકારા જેવા આ ચપળ સંસારમાં આવી,
સદ-શાસ્ત્ર ને સદ-સંગતિ દ્વારા મોહ-રૂપ-કાદવમાંથી,સાર-રૂપ-એવા આત્માને ખેંચી કાઢવો જોઈએ.
અહો! ખેદની વાત એ છે કે-મનુષ્યો કેવા ક્રૂર છે કે-તેઓ મોહ-રૂપી કાદવમાં ખૂંચી ગયેલા આત્માને
તેમાંથી બહાર કાઢી નાખવાનો પોતાનો પુરુષાર્થ કરતા નથી !!

ખરું તત્વજ્ઞાન થાય છે ત્યારે આ દૃશ્ય (જગત) શમી નહિ ગયા છતાં શમી જાય છે.
એટલે કે દૃશ્ય દેખાતું હોવા છતાં પણ (તે દૃશ્ય તરીકે) દેખાતું નથી.(પણ બ્રહ્મ કે ચિદાકાશ-રૂપે જ દેખાય છે)
સત્ય અધિષ્ઠાન-ચૈતન્યમાં આરોપિત રૂપે પ્રતીતિમાં આવતી આ જાગૃત સૃષ્ટિ અનુભવમાં આવે છે,છતાં પણ
તેના યથાર્થ તત્વનું જ્ઞાન થતાં તે,ચિદાકાશની અંદર શૂન્ય-રૂપે જ અવશેષ (બાકી) રહે છે.હે રામચંદ્રજી,
જન્મથી જ (વિચિત્ર) આહારોથી શિથિલ થઇ રહેલી અને મન તથા પ્રાણના બાહ્ય સંચારથી ભરપૂર થઇ રહેલી
આ ઇંદ્રિયોને જીતી લઇ તમે જ્ઞાનબળથી આ અવિદ્યાને જીતી લો ને મુક્ત થઇ પુનર્જન્મને ત્યજી દો.

(૧૬૩) ઇન્દ્રિયોને જીતવાના ઉપાયો

રામ કહે છે કે-હે મહારાજ,ઇન્દ્રિયોને જીત્ય વિના આ અજ્ઞાનીપણું શાંત થતું નથી,
તો આ ઇન્દ્રિયોને શી રીતે જીતાય? તે વિષે આપ કહો.

વસિષ્ઠ કહે છે કે-જેમ,દીવો બળતો હોય છતાં,તે દીવો,કોઈ (ટૂંકી કે દુર્બળ નજરવાળા) મનુષ્યની આંખોને,
સૂક્ષ્મ વસ્તુ જોવામાં ઉપયોગી થતો નથી, તેમ,ભોગો ભોગવવા માટે ધન કમાવામાં આસક્ત થયેલા મનુષ્યને,
બ્રહ્મજ્ઞાન મેળવવામાં માત્ર,શાસ્ત્ર આદિ સાધનો ઇન્દ્રિયો પર જય મેળવવામાં ઉપયોગી થતાં નથી.
માટે ઇન્દ્રિયોને જીતવાની એક નિર્બાધ યુક્તિ હું કહું છું તે તમે સાંભળો.કે જે યુક્તિ વડે થોડી પણ સાધન-સંપત્તિ,
પોતાના પુરુષપ્રયત્નના બળથી,સુખેથી મોક્ષ-સિદ્ધિને સાધી આપે છે.

પુરુષ પોતે ચિન્માત્ર હોવા છતાં જયારે તે ચિત્તને અધીન થઇ જાય છે ત્યારે 'જીવ' નામને ધારણ કરે છે.
એ 'જીવ' ચિત્ત-વૃત્તિ દ્વારા (બહિર્મુખ થઇ) જે તરફ ખેંચાય છે,તેમાં તે ક્ષણવારમાં આસક્ત થઇ જાય છે.
પોતાના ચિત્તનો પ્રત્યાહાર (ચિત્તને પાછું વાળવું તે) કરવાનો પ્રયત્ન એટલે કે ચિત્તને બહિર્મુખ ના થવા દેતાં
તેને અંતર્મુખ રાખવાના 'પ્રયત્ન' વડે જ જે ચિત્ત(મન) ને જીતી શકાય છે.બાકી,બીજા કોઈ પ્રકારે નહિ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE