Jun 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1182

(૧૬૪) જીવ-જગત અને બ્રહ્મનું ઐક્ય
વસિષ્ઠ કહે છે કે-ચિદાત્મા(બ્રહ્મ)રૂપી-સૂર્યનાં કિરણના સમૂહની અંદર જગતો સ્ફૂરી રહ્યાં છે.
તે કિરણોની અંદર પ્રસિદ્ધ-રૂપે જણાતા 'જીવ-રૂપી-પરમાણુ'ઓ,એ ચિદાત્મા-રૂપી-સૂર્યના જેવા જ છે,
તેથી તેમનું નિરવયવ-પણું (તે જીવો નિરવયવ છે તેવું) સિદ્ધ થાય છે.
સર્વ (પ્રકારે) સર્વનો ભેદ કરનાર ઉપાધિ (માયા)રૂપ વસ્તુ,પણ એ પરમ-બોધની પ્રાપ્તિ થતાં પોતાના
ભ્રાંતિમય સ્વરૂપને છોડી દે છે -અથવા-તો સર્વ વાક્યોનો 'એક' બ્રહ્મમાં સમન્વય થઇ જવાથી,
બીજું કોઈ ભેદ કરનાર કંઈ રહેતું નથી અને આમ ભેદ કરનાર (માયા-વગેર) પણ કોઈ છે જ નહિ.

તત્વજ્ઞ-પુરુષના 'વિષય-રૂપ-બ્રહ્મ' એ સર્વ અવસ્થામાં ભેદ-આદિ મેલથી રહિત છે અને તેમાં કોઈ દિવસે પણ દ્વૈત-રૂપી
કશો પણ મેલ રહ્યો નથી.તત્વને ન જાણનાર અવિવેકી પુરુષોનો જે 'વિષય' હોય તે તો તેઓ જ જાણે !!
અમે તો 'હું-તમે' ઈત્યાદી ભેદને જાણતા જ નથી.'આ અમુક-રૂપ છે,હું અમુક-રૂપ છું,અમુક મૂર્ખ છે,અને અમુક સત્ય છે'
એવી ભેદ ભરેલી બુદ્ધિ તત્વજ્ઞમાં સંભવતી નથી.

જેમ,એક જ દ્રવ્યના તાત્વિક નિશ્ચય પર સ્થિર થયેલા પુરુષની અંદર તેનાથી વિરુદ્ધ ભ્રાંતિઓ પેદા થતી નથી,
તેમ,એક તત્વના વાસ્તવિક નિશ્ચય પર આરૂઢ થઇ રહેલા તત્વજ્ઞની અંદર પણ બીજી ભ્રાંતિઓ ઉત્પન્ન થતી નથી.
આ દૃશ્ય હતું નહિ,ઉત્પન્ન પણ થયું નથી,હમણાં વિદ્યમાન પણ નથી અને હવે પછી થશે પણ નહિ,
પરંતુ વિવેક વડે જોતાં સદ-રૂપ-બ્રહ્મ (ચિદાકાશ) જ વિવર્ત (વિલાસ કે આભાસ) ભાવથી આવા રૂપે રહ્યું છે.

ચિદાકાશના વિલાસ(વિવર્ત) ને જ જો જગત-રૂપ  સમજવામાં આવે-તો જ પોતાના આત્મામાં સ્થિર થઇ શકાય છે અને
તેવી જીવનમુક્ત દશામાં વિવેકી પુરુષો જગતને જ્ઞાન-રૂપ જ સમજે છે ને તેને જડ-રૂપે દેખતા નથી.
આ જગતની અંદર ચિદાકાશ વિના બીજું કંઈ નથી,વળી નિરાકાર એવા જીવોનું રૂપાંતર (પુનર્જન્મ) પણ થતું નથી.
જ્યાં ઉપાદાનકારણ,નિમિત્તકારણ કે સહકારીકારણ -એવું કશું જ નથી,તો આ જગત-રૂપ-વસ્તુ,એ કોઈ કારણ વિના
પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે-એવું કહેવું એ પાયા વગરનું છે,માટે પ્રથમ અહી કશું પણ પોતાની મેળે ઉત્પન્ન થતું નથી.
(સર્વ ચિદાકાશરૂપ જ છે-તો શું ઉત્પન્ન થાય અને શું નાશ પામે?)

અવિવેકીઓને અનુભવમાં આવતા 'બ્રહ્મા' આદિ પણ વસ્તુતઃ છે નહિ (કે હોતા જ નથી) પરંતુ
ચિદાકાશ જ સ્વયંભૂ (બ્રહ્મા) અને પ્રપંચ(માયા)-એ બંને-રૂપે પ્રસરી રહેલું છે.
ચિત્ત-સત્તા વડે તો તે આકાશ જેવું શૂન્ય છે છતાં પ્રપંચ (માયા)થી આવા(બ્રહ્મા-આદિ) રૂપે ભાસી રહ્યું છે.
(માત્ર 'કલ્પના'થી જગત અને જગતની ઉત્પત્તિ સમજવા માટે આ સર્વ (બ્રહ્મા-આદિ)નું સર્જન થયેલું છે)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE