Jun 24, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1188

સૃષ્ટિની શરૂઆતમાં,જ્યાં સુધી બુદ્ધિની સિદ્ધિ થાય ત્યાં સુધીનો જે આરંભ છે,તે પોતાની મેળે (અબુદ્ધિ પૂર્વક)
જ થાય છે.પછી બુદ્ધિની સિદ્ધિ થયા બાદ જે કંઈ (સૃષ્ટિનો) આરંભ સંકલ્પ વડે કલ્પવામાં આવે છે,
તે બુદ્ધિપૂર્વક થાય છે (એટલે કે તે બુદ્ધિ ઉત્પન્ન થયા પછી, તે પોતે જ સંકલ્પો કરવા માંડે છે)
સમુદ્રમાં થતા તરંગોની જેમ ચિન્માત્ર (ચિદાકાશ)તત્વમાંથી જ બુદ્ધિ-મન-અહંકાર-આદિની ઉત્પત્તિ થાય છે.
પરંતુ આ ચિદાકાશની અંદર આભાસ-રૂપે દેખાતું આ જગત એ ચિદાકાશ-રૂપ જ છે.

ચિદાકાશની અંદર સૃષ્ટિના આકારે પ્રતીતિમાં આવતો આરંભ એ અબુદ્ધિપૂર્વક છતાં,કોઈ ઈશ્વરી ચોક્કસ નિયમને લીધે
સમાન રચનાવાળો હોય છે.ચિદાકાશ-રૂપી વૃક્ષનાં,પુષ્પ-આદિની જેમ થઇ રહેલ પૃથ્વી-આદિનાં નામોની
'કલ્પના' પણ હિરણ્યગર્ભ (બ્રહ્મા) -આદિ કલ્પી લે છે.પણ જેમ પુષ્પ-પત્ર-એ અવયવો વૃક્ષથી જુદા નથી
તેમ,આ દૃશ્ય (પૃથ્વી-આદિ જગત) પણ ચિદાકાશ-રૂપી પરમાત્માથી જુદું નથી.

ચિદાકાશ પોતાના આત્માની અંદર સર્વ પદાર્થોના જુદાજુદા નામો કલ્પે છે,કે જે સર્વ પદાર્થો ચિદાકાશ-રૂપ
હોવા છતાં તે પદાર્થો પોતાનાથી જુદા હોય,તેમ પોતે વ્યષ્ટિ-જીવ-રૂપે બની જઈ તેને કલ્પી કાઢે છે.
બાકી તત્વ દર્ષ્ટિથી જોતાં,તો સૃષ્ટિઓ ચિદાકાશ-રૂપી-વૃક્ષના પલ્લવના જેવી છે
અને તે ચિદ-રૂપ હોવાથી,સ્થૂળ-રૂપે તો બિલકુલ નથી જ.
એ ચિદાકાશ પોતે જ સ્વપ્નની જેમ જાણે કાર્ય-કારણ-રૂપ થઇ રહેલું હોય -તેમ ભાસે છે.

કોઈ કદાચ એમ કહે (આક્ષેપ કરે) કે-'જો કદાચિત સૃષ્ટિ-આદિ નથી જ તો ચિદાત્માને જે પરલોકમાં અનુભવમાં આવે છે
તે વાત પણ વ્યર્થ સિદ્ધ થાય અને તેથી આ વાત યુક્તિયુક્ત  નથી' તો તેના સમાધાનમાં એટલું જ કહેવાનું છે કે-
સ્વપ્નમાં થતા અનુભવો,રજ્જુમાં દેખાતો સર્પ,ઝાંઝવાના જળ-આદિમાં અનુભવમાં આવતો
તેના વ્યર્થ-પણાનો અનુભવનો કોણ નિષેધ કરી શકે તેમ છે? જેમ,આ સર્વ જગત વ્યર્થ અનુભવમાં આવે છે
તેમ,ઐહિક-પારલૌકિક (આલોક-પરલોક) સર્વ મિથ્યા છતાં આભાસ-રૂપે અનુભવમાં આવે છે.

જેમ,પુષ્પમાં ગંધ રહેલી છે,તેમ,પરમાત્મા (ચિદાકાશ) ની અંદર બુદ્ધિ-આદિ રહેલ છે.
જેમ,પુષ્પની ગંધ જુદી (પૃથક)રૂપે અનુભવમાં આવવા છતાં તેનાથી ભિન્ન નથી તેમ ચિદાકાશની અંદર,
આ સૃષ્ટિની સ્થિતિ પૃથક (જુદી) રીતે અનુભવમાં આવવા છતાં,તેનાથી ભિન્ન નથી.
જે કંઈ સૃષ્ટિ-પ્રલય-આદિ ભ્રાંતિ દેખાય છે,તે એક લાંબા સમયથી રૂઢ થઇ રહેલો સંકલ્પ જ છે.
સર્વને પોતાના આત્માના વિલાસ-રૂપ સમજવું -તે જ  જ્ઞાન છે.

રામ કહે છે કે-હે મહારાજ,આપણા કહેવા મુજબ જો,જગત તાત્કાલિક કલ્પનામાત્ર છે,તો અનુભવને લીધે,
બુદ્ધિમાં ચોંટી રહેલા સંસ્કારથી જ પ્રથમ અનુભવાયેલા,પદાર્થની સ્મૃતિ થવાના નિયમ કેમ દેખાય છે? તે વિષે કહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE