Jun 25, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1189

વસિષ્ઠ કહે છે કે-જેમ,સૂર્ય પ્રકાશની સ્થાપના કરે છે,તેમ હું હવે અભેદ (આત્મ-તત્વ)ની સ્થાપના કરું છું,
તે તમે સાંભળો.ચિદાકાશની અંદર આ જગત-રૂપ દૃશ્ય રહેલું છે.કદાચિત કોઈ સુથાર સ્તંભમાંથી પૂતળીને
રચી શકે પણ અદ્વિતીય એવા ચિદાકાશ-રૂપી-સ્તંભમાંથી કોણ આ જગત-રૂપી-પ્રતિમાને રચે છે?
સ્તંભ તો જડ છે,તેથી તેને ઘડ્યા વિના તેમાંથી પૂતળી (પ્રતિમા) બનાવી શકાતી નથી,પણ ચિદાકાશની
અંદર ચેતનપણાને લીધે,તેની અંતર્ગત રહેલી આ સૃષ્ટિ,આત્માની અંદર જ,વ્યક્તિને પ્રાપ્ત થઇ રહેલી છે.

ચિન્માત્ર-તત્વની સત્તાથી ભાસતી આ સૃષ્ટિ અવિદ્યમાન જ છે અને શૂન્ય છે,તે ચિદાકાશ-રૂપ છે અને
તેણે પોતાના ચિન્માત્ર-સ્વરૂપને ત્યજ્યું નથી.તે (સૃષ્ટિ) પોતાના અધિષ્ઠાન-સત્તા-રૂપી સ્વપ્નની અંદર રહેલી છે.
ચિદ-રૂપ-આત્મા (પરમાત્મા) સૃષ્ટિના આરંભકાળમાં કલ્પનાને ધારણ કરી લઇ સ્વભાવથી જ સૃષ્ટિ કલ્પી લે છે.
અને તે સૃષ્ટિ અધિષ્ઠાન સત્તાની અંદર અભેદ-રૂપે રહેલી છે.(જે બ્રહ્મની એક કળા (બ્રહ્મ-કળા)પણ કહેવાય છે)

અમુક બ્રહ્મ-કળા સત્તા-સામાન્ય-રૂપ અને જગતના બીજ-રૂપ કહેવાય છે.
તે બ્રહ્મ-કળામાં અમુક ચિન્માત્ર તત્વ છે,અમુક પ્રતિબિંબ-ચૈતન્ય છે,અમુક જીવ છે,અમુક અહંકાર છે.
વળી,આ બુદ્ધિ છે,આ ચિત્ત (મન)છે,આ કાળ છે,આ આકાશ છે,આ હું છું,આ ક્રિયા છે,આ પંચતન્માત્ર છે,
આ ઇન્દ્રિયોનો સમૂહ છે-એવું (પુર્યષ્ટ્ક)લિંગ-શરીર પણ તેમાં કહેવાયેલું છે.

આ જગતની અંદર -અમુક આતિવાહિક-દેહ છે,અમુક આધિભૌતિક દેહ છે-એમ પણ કલ્પવામાં આવ્યા છે.
હું બ્રહ્મા છું,હું શંકર છું,હું સૂર્ય છું,આ બાહ્ય છે,આ અંદર છે-એવા અનેક કલ્પનાના સમૂહો પણ કલ્પેલા હોવાથી,
તે પણ અતિ-નિર્મળ ચિદાકાશ-રૂપ  છે તો પછી આ સર્વ પદાર્થો અને સ્મૃતિ પણ ક્યાંથી હોય?
કે દ્વૈત-અદ્વૈત પણ ક્યાંથી હોય? વસ્તુતઃ આ સર્વ ચિદાકાશનો જ એક વિવર્ત (આભાસ-કે વિલાસ) છે.
અને તે આકાશની અંદર રહેલી શૂન્યતાની જેમ શાંત-રૂપે રહ્યા છતાં આવા સ્ફુટ-રૂપે પ્રતીતિમાં આવે છે.

ચિદ-રૂપ-પરમાત્માની અંદર જે અંતર્ગત સત્તા રહી છે તે જ બહાર દૃશ્ય-રૂપે દેખાય છે.
માટે જેવું એ (ચિદ-રૂપ) પરબ્રહ્મ છે તેવું જ આ દૃશ્ય-જગત પરબ્રહ્મ-રૂપ છે.
આ જે કંઈ (જગત) ભાસે (દેખાય) છે તે જડ-પ્રપંચ (માયા)થી રહિત ચિન્માત્ર-રૂપ જ છે.

જે આત્મ-તત્વ મને પોતાના અનુભવમાં આવે છે-તેને હું સ્પષ્ટ-રીતે ઉચ્ચ સ્વરથી (બૂમો પાડીને વારંવાર)
ઉપદેશ-રૂપે કહું છું,તો પણ અરેરે,અવિવેકી અધિકારી વર્ગના ચિત્તમાંથી મૂઢતા (મૂર્ખતા) દૂર થતી નથી.
અને તે સ્વપ્નના જેવા જગતના સ્વરૂપને -'આ જાગ્રત સત્ય છે' એવી પ્રતીતિને હજી સુધી છોડતો નથી.
અરે,મોહનું કેવું પ્રાબલ્ય છે કે જાણનાર વિવેકી અધિકારી પણ તે જગતને તરત મૂકી શકતો નથી!
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE