Jun 28, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1192

વસિષ્ઠ કહે છે કે-તે કર્મ-રૂપ મિત્ર,જીવનમુક્તને પિતાની જેમ આશ્વાસન આપે છે,સ્ત્રીની જેમ
નિષિદ્ધ કાર્યથી અટકાવે છે અને અપાર સંકટોમાં પણ સાથે જ રહે છે.તેની સેવા વિષે કશી શંકા રહેતી નથી.
તેનાથી સારી રીતે આનંદનો લાભ થાય છે.ક્રોધના સમયમાં પણ તે શાંતપણાને લીધે,સમાધાન-રૂપી-અમૃતનું
પાન કરાવે છે.અનેક વિપત્તિઓમાં અને વિકટ સંકટોમાં,અનેક દોષોમાં ડૂબી જવાના સમયે,તે તેમાંથી
ઉદ્ધાર કરે છે.તે અત્યંત વિશ્વાસુ અને અને અત્યંત સહવાસી છે.ને કદી પણ છૂટો પડતો નથી.

વળી તે નિરંતર લાડ લડાવવામાં તત્પર રહે છે,રક્ષણ કરવામાં એક પરાયણ થઇ રહે છે,સર્વ અવસ્થામાં
દેહની શુદ્ધિ કરે છે ને 'અમુક ત્યાજ્ય છે અને અમુક સ્વીકાર્ય છે' એવો વિવેક બતાવી આપવામાં તત્પર રહે છે.
તે અનિંદ્ય કથાઓ વડે આનંદ આપે છે,અપ્રિય પદાર્થને દૂર કરે છે,ઉત્તમ ક્રિયામાં પ્રવૃત્તિ કરાવે છે,
સ્મિત-પૂર્વક ભાષણ કરનાર છે,નિષ્કામતાને લીધે સત્પુરુષના જેવું રૂપ ધારણ કરે છે,
અને પરમાર્થના પણ એક કારણ-રૂપ થઇ રહે છે.

અજ્ઞાનને લીધે અકસ્માત કોઈ યુદ્ધ-પ્રસંગ આવી ચડે તો પ્રથમ જ તે શત્રુ પર પ્રહાર કરવામાં તૈયાર થાય છે,
આધિ-વ્યાધિ વડે પીડાયેલા ચિત્તને તે અમૃતની જેમ જીવન આપે છે ને ઔષધની જેમ રોગોનો સંહાર કરે છે.
ભોગ-આદિ તૃષ્ણાઓનું નિવારણ કરે છે,સારી રીતે સ્નેહ-વાળી-સુંદર કથાઓ દ્વારા ઉદારતા બતાવે છે અને
આશ્વાસનાનું એક ઉત્તમ પાત્ર છે.ઉપર વર્ણવ્યા પ્રમાણેના ગુણોવાળા 'કર્મ' નામના મિત્ર સાથે
તે જીવનમુક્ત પુરુષ સ્વભાવિક રીતે જ રમ્યા કરે છે.

રામ કહે છે કે-હે મહારાજ,એ જીવનમુક્ત પુરુષના કર્મ-રૂપી-મિત્રનો સ્ત્રી-પુત્ર-આદિ પરિવાર કેવા ગુણોવાળો છે?
અને કેવા સ્વરૂપવાળો છે?  તે વિષે આપ કહો.

વસિષ્ઠ કહે છે કે-સ્નાન,દાન,તપ અને ધ્યાન-એ તે (કર્મ-રૂપી-મિત્રના) પુત્રો છે કે જેઓ પોતાના મહાત્માપણાના લીધે
સર્વ પ્રજાઓને પોતાનામાં આસક્ત બનાવી દે છે.'સમતા' ને 'મૈત્રી' નામની તેની સ્ત્રીઓ છે-કે જેઓ
નિરંતર પ્રસન્ન રહેનારી છે,ઉદાર છે,સમાન વયની ને મનોહર છે ને આનંદને ઉત્પન્ન કરે છે.
તે વ્યભિચારથી રહિત છે અને સુખ આપનાર છે.

આ પ્રમાણેના પરિવાર વાળો તે જીવાન્મુક્તનો કર્મ-રૂપ મિત્ર છે,કે જેની સાથે વ્યવહાર કરતાં એ જીવનમુક્તને
હર્ષ કે શોક પ્રાપ્ત થતો નથી.શાંત ચિત્તવાળો એ જીવનમુક્ત મુનિ,આ લોકમાં નિરંતર યથોચિત વ્યવહાર કરતો રહે છે,
છતાં પણ પોતાની એક જ સ્થિતિમાં રહે છે.તે વાદોમાં મૌન ધારણ કરે છે ને નકામા શબ્દો સાંભળવામાં,બહેરા જેવો
થઇ રહે છે.લૌકિક આચારથી વિરુદ્ધ સર્વ કર્મોમાં તે શબના જેવો નિશ્ચેષ્ટ થઇ રહે છે.

તે,નિરંતર પવિત્ર કથાઓનો ઉપદેશ કરતો રહે છે.કપટીઓના કપટજાળને તે ઓળખી લે છે.પળવારમાં તે
કઠિન વિષયનો પણ નિર્ણય કરી લઇ બહુ સારી રીતે તેનું વિવેચન કરે છે. તે સર્વત્ર સમાન દ્રષ્ટિને ધારણ કરે છે.
તે ઉદાર ચિત્તવાળો હોય છે,દાતા હોય છે અને સર્વને વહેંચી આપ્યા પછી ઉપભોગ કરે છે.
તે કોમળ,મધુર,સ્નિગ્ધ,સુંદર અને કીર્તિવાન દેખાય છે.વિવેકી જીવનમુક્તનો આવો સ્વભાવ જ હોય છે,
તેઓ કંઈ પ્રયત્ન વડે જ એવા ગુણવાળા થતા નથી.ને સ્વભાવિક જ પ્રકાશ આપનારા છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE