Jun 30, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1194



જેમ,સુષુપ્તિમાંથી સ્વપ્નમાં ગતિ કરનારા 'જીવ-ચૈતન્ય'ની સુષુપ્તિમાં રહેલી 'ચિદ-શક્તિ' યથાસ્થિતપણે રહ્યા છતાં
સ્વપ્નભાવને ધારણ કરી લે છે,તેમ પ્રલયભાવમાંથી સૃષ્ટિભાવને ધારણ કરી લેવામાં ચિદાકાશ યથાસ્થિતપણે રહ્યા છતાં
સૃષ્ટિના આકારને ધારણ કરી લે છે.વસ્તુતઃ જોતાં તો જેવી સુષુપ્તિ છે તેવું જ સ્વપ્ન છે અને જેવું જાગ્રત છે
તેવું જ તૂર્ય છે,માટે આ જગત આકાશ જેવું છે.જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ અને તૂર્ય-એ સર્વરૂપ બ્રહ્મ જ થઇ રહે છે.
આ વિષયમાં પૂર્ણ-સ્વરૂપ એક આત્માનો જે અનુભવ તત્વવેત્તાઓને થાય છે તે જ પ્રમાણ-રૂપ છે.

જે સર્વવ્યાપી અધિષ્ઠાન-ચૈતન્ય પોતાના આત્માની અંદર સ્થિર થઇ રહેલું છે,તેણે જગત-આદિ નામોની કલ્પના કરેલી છે.
જેવી રીતે,સ્વપ્નનું જો સ્વરૂપ ઓળખવામાં આવે તો જાગી ગયા પછી સર્વ સુખ-રૂપ જ ભાસે છે,
પણ જો જાગી ના જઈએ ત્યાં સુધી તે સ્વપ્નની (સુખ-દુઃખની) અસર અનુભવવી જ પડે છે,તે જ પ્રમાણે જ્ઞાન થતાં
જે નિર્વિકાર આત્મા અવશેષ રહે છે,તેનો (તેને ઓળખીને) અંગીકાર કરી લઇ,આ જગત-રૂપી-કૌતુક અનુભવાય તો,
સર્વ સુખ-રૂપ જ ભાસે છે,પણ જો તે સ્વરૂપનો અંગીકાર કરવામાં ના આવે
તો તેમાં જે કંઈ જન્મ-મરણ-આદિ અનુભવમાં આવે છે તે દુઃખ-રૂપ જ દેખાય છે.

શાંત તત્વવેત્તા પુરુષ ગતિ કરતો હોય,જાગતો હોય કે નિંદ્રા કરતો હોય,પરંતુ તે હમેશા સમાધિસ્થિતિમાં જ રહ્યો હોય છે.
તે ભેદ દેખાતાં છતાં પણ અભેદમાં જ નિષ્ઠા રાખીને રહેલો હોય છે,દુઃખમાં પણ તે સુખ-સ્થિતિમાં રહે છે અને સંસારમાં
રહ્યા છતાં પણ જે તેનાથી દૂર રહે છે,એવા જીવનમુક્તને બીજું શું કરવાનું અવશેષ રહે?
આમ,જે આવરણથી રહિત થઇ જઈ ખરેખર વિદ્વાન થઇ રહ્યો હોય છે,તેનું ચિત્ત સદાકાળ સમાહિત રહે છે.
વળી તેના મિત્ર-શત્રુ-આદિ વિકલ્પો પણ ક્ષીણ થઇ ગયા હોય છે અને તે વિશેષે કરીને પોતાના આત્મસુખને જ
સાર-રૂપ સમજે છે.તે શાંતિ-રૂપી-અમૃત વડે સદાકાળ તૃપ્ત રહે છે.

(૧૭૨) જગત બ્રહ્મ-સ્વરૂપ છે

વસિષ્ઠ કહે છે કે-આમ 'આદિ પ્રજાપતિ (બ્રહ્મા) પણ પૃથ્વી-આદિથી રહિત અને ચિદાકાશ-રૂપ જ છે અને
સંકલ્પ-વૃક્ષની જેમ મનોમાત્ર જ છે' એવું હું માનું છું.જેમ,જળ ઉછળીને તરંગ-આદિના આકારે વિવર્ત (આભાસ)
ભાવને પામે છે અને તેમાં તરંગ-ભાવની કલ્પના થાય છે,
તેમ 'મન' નામની કલ્પના થતાં ચિદાત્મા જ તેમાં પોતાના અધ્યાસને કલ્પી લે છે.

વસ્તુતઃ તો ચિદાત્મા પોતે તો સત્તામાત્ર જ છે તો તેમાં બુદ્ધિ-મન-આદિ ક્યાંથી હોય?જો પૃથ્વી આદિ નથી જ તો
તે અનંત ચિદાકાશમાં રજોગુણ ક્યાંથી હોય? એ નિર્વિકાર ચિદાકાશમાં દેહ,ચિત્ત,ઇન્દ્રિયો,વાસનાઓ-આદિ કશું નથી.
આ જગત સત્ય જેવું (નરી આંખથી) દેખાય છે,પણ વસ્તુતઃ જોવામાં આવે તો તે ચિદાકાશ-રૂપ જ હોવાથી
તે છે જ નહિ -એવી રીતે વિચાર કરીને કલ્પના કરવામાં આવી છે.(એટલે કે સંસાર ભલે દેખાય પણ
તેમાં સર્વમાં બ્રહ્મ-ભાવ (પરમાત્મા-ભાવ) રાખી સર્વમાં પરમાત્માનાં દર્શન કરવાના છે.)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE