Jul 4, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1198

'હું તરંગ-રૂપ નથી પણ જળ-રૂપ છું' એવું જે તરંગે જાણ્યું,તેનો પછી તરંગ-ભાવ ક્યાંથી રહે?
જેમ તરંગ અને તરંગનો અભાવ-એ બંને સમુદ્રના ધર્મો છે,તેમ જગતની પ્રતીતિ અને તેનો અભાવ-એ બંને
બ્રહ્મની એક જાતની 'શક્તિ' છે.પોતાના ચિદ-રૂપને નહિ છોડનાર ચિદાકાશનું 'મન-સમષ્ટિ-રૂપ-ઉપાધિ'માં
(સ્વપ્નની જેમ) પ્રતિબિંબ પડે છે-ત્યારે ઉપાધિ (માયા)વાળું જે કંઈ સ્વરૂપ ખડું થાય છે,
તે જ બ્રહ્મા,પિતામહ-એવા નામો વડે કહેવાય છે.આવી રીતે પ્રથમ પ્રજાપતિ(બ્રહ્મા) પણ
નિરાકાર,નિર્વિકાર છે,અને ચિન્માત્ર-રૂપ તથા (સંકલ્પ-નગરની જેમ) કારણથી રહિત પણ છે.

આમ જો,સમષ્ટિ-રૂપ પ્રથમ પ્રજાપતિ-એ અજન્મા,સંકલ્પમાત્ર અને કેવળ ચિદાકાશ-દેહરૂપધારી છે,
તો હું તમે અને આ જગત -આદિ જે કંઈ ભાસે છે-તે પણ સર્વ તેવું જ છે.
ચિદાકાશ પોતાની મેળે જ,સ્વપ્નની જેમ પ્રથમ જે સ્વચ્છ વિવર્ત થઇ રહે છે,તે જ હિરણ્યગર્ભ છે.
ચિદાકાશનો સુંદર વિવર્ત જ 'વિરાટ' શબ્દથી (પણ) કહેવામાં આવે છે.તે વિરાટ જ સૃષ્ટિ-રૂપ ને સ્વપ્ન-રૂપ છે
અને તે જાગ્રત અવસ્થાના વ્યષ્ટિ-સમષ્ટિ-દેહ-રૂપ પણ થઇ રહેલ છે.

જેમ ઘાટી સુષુપ્તિ,એ અતિ નિંદ્રારૂપી અંધકારના બળથી સ્વપ્નરૂપ બની જાય છે,
તેમ તે આત્મા જ,પ્રલયમાં અવિદ્યા-રૂપી અંધકારથી જગત-રૂપે અનુભવમાં આવે છે.
પ્રલય-રૂપી તે બ્રહ્માની રાત્રિ,એ પરમાત્માના કેશ-રૂપ છે,પ્રકાશ-અંધકાર (દિવસ-રાત્રિ) તથા કાળ-ક્રિયા
એ તેના પોતાના અવયવોની સંધિ-રૂપ છે.અગ્નિ -એ  વિરાટના મુખરૂપ છે,આકાશ એ મસ્તક-રૂપ છે,
પૃથ્વી ચરણ-રૂપ છે,સૂર્ય-ચંદ્ર એ ચક્ષુ-રૂપ છે,દિશાઓ શ્રોત્ર-રૂપ છે.

આવી રીતે એક 'કલ્પના' જ વિરાટના આકારે ખડી થઇ ગયેલી અનુભવમાં આવે છે.
એટલે  સારી રીતે વિચારથી જોતાં,વિરાટનું સ્વરૂપ સ્વપ્નના જેવું અને ચિદાકાશ-રૂપ જ સમજાય છે.
વેદાંત,સાંખ્ય,જૈન,બુદ્ધ-આદિ (વાદો)ના શાસ્ત્રોમાં જે જે કંઈ ઈશ્વર વિષેના વિચારો પ્રતિપાદન કર્યા છે,
તે સર્વ-રૂપ થઇ જઈને,અમારું 'બ્રહ્મ' જ તેવી તેવી વાસનાને લીધે તેવાતેવા રૂપે સ્ફૂરેલ છે.

વળી તે તે વાદીઓના પોતાના નિશ્વયને અનુકુળ પડતું (માની લીધેલું) પારલૌકિક અને આ લોક સંબંધી સર્વ ફળ
એ સર્વરૂપ-બ્રહ્મ જ થઇ જાય છે,કેમ કે 'અમુક પ્રકારનું ફળ અમને પ્રાપ્ત થાઓ' એવી રીતે તેમના આત્મામાંથી જ
'આશા'ની ઉત્પત્તિ થાય છે.આવો બ્રહ્મનો લોકોત્તર મહિમા છે -કેમ કે
તે પોતે જ માયાના યોગથી સર્વ-શક્તિમાન થઇ રહે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE