Jul 5, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1199

(૧૭૪) નિર્વાણ-પદ વિષે વર્ણન

વસિષ્ઠ કહે છે કે-સૃષ્ટિના આદિકાળમાં કેવળ ચિદાકાશ જ (સ્વપ્નના અનુભવની જેમ)જગત-રૂપે ભાસતું હોય,
તેવું થઇ રહે છે.તેથી ત્રણે લોક બ્રહ્મ-રૂપ જ છે.સૃષ્ટિઓ-એ બ્રહ્મરૂપ સાગરના તરંગ જેવી છે અને તેમાં રહેલ
જ્ઞાન-રૂપ-અનુભવ એ દ્રવ-રૂપ છે.સારી રીતે જ્ઞાનનો ઉદય થતાં વિવેકી પુરુષની દૃષ્ટિમાં સર્વ દૃશ્ય ભ્રાંતિમાત્ર ભાસે છે,
જીવનમુક્તપણાનો ઉદય થવો તે વાસ્તવિક રીતે નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે.
અને તે જ અનંત નિર્વાણ-રૂપ છે.તે જ મોક્ષ કહેવાય છે ને તે જ તુરીય અવસ્થા કહેવાય છે.

જ્ઞાનમાં સારી રીતે એકરસ થઇ જવું તેને ધ્યાન કહે છે.આત્મ-સ્વરૂપને યથાર્થ ઓળખવું,તેને જ શ્રુતિઓ તથા
તત્વવેત્તાઓ પરમપદરૂપ (પરમ પુરુષાર્થરૂપ) કહે છે.આવી સ્થિતિ એ પાષાણના જેવી જડ નથી,
સુષુપ્તિ જેવી પણ નથી,નિર્વિકલ્પ કે સવિકલ્પ પણ નથી કે સાવ શૂન્ય પણ નથી.
તે દૃશ્યના અત્યંત અસંભવરૂપ છે ને આદિ-અનુભવ-રૂપ છે.
એટલે કે-એ (નિરાકાર-નિર્વિકાર) બ્રહ્મ જ સર્વરૂપ છે ને અપવાદ-દૃષ્ટિથી જોઈએ તો તે કશા-રૂપ નથી.

હે રામચંદ્રજી,જે પોતે બ્રહ્મના જેવો જ નિર્વિકાર હોય છે તે જ તેને (બ્રહ્મને) દેખે છે.જયારે સારી રીતે બોધનો ઉદય થાય છે,
ત્યારે જ પરમ-નિર્વાણની પ્રાપ્તિ થઇ કહેવાય છે,તે દશામાં આ જગત યથાસ્થિતપણે રહ્યા છતાં પ્રલય જેવી
અભાવ સ્થિતિને પ્રાપ્ત થઇ જાય છે.તેમાં આ એકતા કે અનેકતાની કલ્પના નથી,તેમાં કશું પણ નથી
અને તેમાં  કશાનો સંભવ પણ નથી.જે સર્વ સદ-અસદ વસ્તુઓની સીમાના અંત-રૂપ છે,તે જ 'તત્વ' કહેવાય છે.

આ દૃશ્ય અત્યંત અસંભવિત છે-એમ માનવાથી શુદ્ધ બોધનો ઉદય થાય છે અને તેથી સર્વ વિક્ષેપથી રહિત
થવાય છે,પછી શાંતપણે,જે કંઈ નિરતિશય આનંદ-રૂપે સ્થિતિ રાખવી-તે જ પરમપદરૂપ છે,એમ સમજો.
આ શુદ્ધ બોધ સર્વોત્તમ ધ્યાન-રૂપ છે.શાસ્ત્રોથી પદ-પદાર્થને જાણી શકનાર,બુદ્ધિમાન અને શુદ્ધ અધિકારી પુરુષ,
એ - અધ્યાત્મશાસ્ત્રના વિચારથી થયેલ જ્ઞાન રૂપ ઉપાય વડે તેને (બોધને) મેળવી શકે છે.
બીજા કશા (તીર્થ-સ્નાન-દાન-તપ-યજ્ઞ-આદિ) ઉપાય વડે તેની પ્રાપ્તિ થતી નથી.

સંસારની જે ભ્રાંતિ છે તે તપ-તીર્થ આદિ વડે શાંત થતી નથી,જોકે તપ-તીર્થ-આદિ વડે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે
પણ તે વડે મુક્ત-પણાનો લાભ મળતો નથી.નિર્મળ આધ્યાત્મ-શાસ્ત્રના અર્થનો વિચાર કરવામાં આવે તો તેથી થયેલા
આત્મ-જ્ઞાનના મોક્ષના ઉપાયથી જ ભ્રાંતિ નિવૃત્ત થાય છે.
જેમ,વડનો આકાર ધારણ કરવાની ચમત્કૃતિ,તે વડના બીજમાં રહેલી છે,અને જેમ,પવનમાં અહર્નિશ તેની
ચલન-શક્તિ રહેલી છે,તેમ,શબલ-બ્રહ્મ-રૂપી-ચિદાકાશની અંદર આ જગતની યથાસ્થિત સૃષ્ટિ તથા તેની સ્થિતિ,
'અનન્ય-રૂપે' રહેલી છે અને છેવટે તેમાં જ લય પામી જાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE