Jul 7, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1201

'એક' અને નિરાકાર એવું એ ચૈતન્ય, મન,દેહ-જગત અને અહંકાર-રૂપે અનંત-રૂપ બની જાય છે અને
પોતાના મૂળ અધિષ્ઠાન-રૂપ-પૂર્ણ શુદ્ધ-સ્વરૂપને ઢાંકી દઈ અને જડ-ચેતન (બોધ-અબોધ) રૂપ થઇ જાય છે.
વસ્તુતઃ તો અહીં જડ-ચેતન-દેહ-દૃશ્ય-એવું કશું નથી,પરંતુ ચિદાકાશ જ એ રીતે પ્રતીતિમાં આવે છે.
કેવળ એકરસ ચિન્માત્ર તત્વ જ પોતાના સ્વરૂપની અંદર પોતા વડે આવા પ્રકારે ભાસે છે,
કે જેમાં વાણી પહોંચી શકતી નથી,તેથી જીવનમુક્ત પુરુષ મૌની (નિશ્ચલ) થઈને રહે છે.એટલે કે-
વ્યવહારમાં પ્રવૃત્ત છતાં ચિદાકાશ-રૂપ થઇ રહેલ તે જીવનમુક્ત મૌનીના જેવી સ્થિતિ ધારણ કરે છે.

જેમ,પવન અબુદ્ધિપૂર્વક (સ્વભાવિક રીતે જ) ચલન-શક્તિને ઉત્પન્ન કરે છે અને તેનાથી તે અભિન્ન છે,
તેમ,પરમાત્મા મન-બુદ્ધિ-આદિને સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન કરે છે અને તેનાથી તે ભિન્ન નથી.
હે રામચંદ્રજી,ચિદાકાશ,બ્રહ્મ,ચિન્માત્ર,આત્મા,ચૈતન્ય,પરમાત્મા-આદિ સર્વ પર્યાયો (નામો) તે અદ્વિતીય
પરમ-તત્વના જ છે.તે બ્રહ્મ અવિદ્યા (માયા) ના આવરણના યોગે,ચક્ષુની જેમ ઉન્મેષ-નિમેષ(આંખ ઉઘાડવી-
અને બંધ કરવી તે) ને ધારણ કરે છે અને પવનની જેમ ચપળતા-સ્થિરતાને પણ તે જ ધારણ કરે છે.

દૃશ્ય(જગત) એ એક પરબ્રહ્મનો ઉન્મેષ (આંખ ઉઘાડવી) તે છે અને દૃશ્યનો પ્રલય એ નિમેષ (આંખ બંધ કરવી)
તે છે.જેમ,ઉન્મેષ-નિમેષનો આંખમાં લય થાય છે,તેમ એ બંને (દૃશ્ય અને પ્રલય)નો બ્રહ્મમાં લય થાય છે.
કે જેથી એક નિરાકાર બ્રહ્મ જ અવશેષ (બાકી) રહે છે.આમ,ઉત્પત્તિ અને લય એ બંનેમાં તે નિર્વિકાર બ્રહ્મ
એક જ સ્થિતિમાં રહે છે.તે ચિદાકાશ (બ્રહ્મ)માંથી દૃશ્યના અસ્તિત્વનું અને તેના અભાવનું સ્ફુરણ થાય છે,
તેથી દૃશ્ય (જગત) -એ સત અને અસત કહેવાય છે.પણ તે ચિદાકાશ સદાકાળ કેવળ સત્તા-રૂપ (સત્ય) જ છે.

જેમ,સુષુપ્તિ એ સ્વપ્નના જેવી અનુભવમાં આવે છે,તેમ તે બ્રહ્મ જ જગત (સૃષ્ટિ) જેવું જણાય છે.
તે જગત સત્ય હો કે અસત્ય હો,કાર્ય હો કે કારણ હો-પણ જે દેશકાળમાં જેવા પ્રકારે ચિદાકાશ તેને પ્રસારી દે છે,
તેવા પ્રકારે જ તે તેના અનુભવમાં આવે છે.પછી તે સત્ય છે કે અસત્ય છે -તે વિચારવાનો કોઈ અર્થ રહેતો નથી.
બીજા કોઈ પ્રકારે જગતનો જડ્ભાવ ઘટતો નથી,તેથી જગતનું કંઈ (પ્રધાન-પરમાણુ-આદિ) કારણ કલ્પવામાં આવતું
હોય તો પણ આ સ્વપ્ન-તુલ્ય પ્રપંચ,જગત-રૂપે થઇ રહેલા પરમાત્માનું જ સ્વરૂપ છે.
એટલે આ વિના બીજા કોઈ પ્રકારે બીજું કંઈ પણ (જગત-આદિ) ઘટતું નથી.

'પ્રમાણ'ની ગતિ જ્યાં નથી પહોંચતી તેવા પરબ્રહ્મમાંથી આ જગત અભિન્ન-રૂપે ઉદય પામેલું છે,
તેથી એ જગત પણ 'પ્રમાણ''ને ઉલ્લંઘીને અનિર્વચનીયપણે રહેલું છે.
આમ,વસ્તુતઃ જોતાં કશું પણ (જગત) થયું નથી.પણ,જેનું ચિત્ત (મન) જે વિષયમાં રસિક હોય છે,તેના ભાવને
(મનની લાગણીને લીધે) તે પ્રાપ્ત થાય છે,જગતમાં રસિક રહેનાર મન જગતને પ્રાપ્ત થાય છે,
તો બ્રહ્મમાં જ રસિક રહેનાર ચિત્ત બ્રહ્મ-ભાવને પ્રાપ્ત થાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE