Jul 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1206

જેમ,ચૈતન્ય-પરમાત્મા પ્રતીતિમાં આવતો નથી (નરી આંખે દેખાતો નથી) પણ ચૈતન્ય-આત્મા-વાળો પુરુષ
કેશ-નખ-આદિ જડ-ભાગ વડે પ્રતીતિમાં આવે છે (નરી આંખે દેખાય છે) તેમ,આ જગત (દૃશ્ય) પણ
ચિદ-અંશ અને જડ અંશ-એ બંને વડે યુક્ત છે.તેમાં કલ્પના અને કલ્પનાનો અભાવ-એ બંને રહેલાં છે.
પણ સ્વ-ભાવ-સિદ્ધ-તાત્વિક-દૃષ્ટિ વડે જોતાં તે સર્વ બ્રહ્મ(ચૈતન્ય)-રૂપ જ છે.
એટલે કે વિના-કારણે પદાર્થોની સ્થિતિ અને કારણ-પૂર્વક પદાર્થોની સ્થિતિ-એ બંને બ્રહ્મની અંદર રહેલ છે.
કેમ કે બ્રહ્મ,પોતે સર્વ-શક્તિમાન છે.

જો કદાચિત કોઈ દેશ-કાળમાં બ્રહ્મથી જુદી કોઈ બીજી દૃશ્ય વસ્તુ હોય તો હજી તેમાં 'કારણ' (ના વિકલ્પ)નો
સંયોગ ઘટે,પરંતુ જ્યાં સર્વ અનાદિ અને અનંત શાંત બ્રહ્મ-રૂપ જ છે-ત્યાં પછી કોનું-કે-શું કારણ હોય?
અહીં શૂન્ય પણ નથી,અશૂન્ય પણ નથી,સત પણ નથી અસત પણ નથી,કે મધ્યમપણું પણ નથી.
એ મહાશૂન્ય પદની અંદર એ સર્વનું અસ્તિત્વ કે અસ્તિત્વનો અભાવ પણ નથી.
અધ્યારોપની દૃષ્ટિથી જોતાં બ્રહ્મ જગત જેવું ભાસે છે અને અપવાદ દૃષ્ટિથી જોતાં,તે જગત જેવું નથી.

રામ કહે છે કે-હે મહારાજ,અવિવેકીઓની દૃષ્ટિથી જોતાં કાર્યનું કોઈ પણ કારણ હોય એમ સંભવે છે,
તો પછી (વિવેકીની દૃષ્ટિ મુજબનું) કારણ વિનાનું શું છે અને શી રીતે તેનું નિષ્કારણપણું ઘટે? તે વિષે કહો.

વસિષ્ઠ કહે છે કે-નિરાકાર-નિર્વિકાર-બ્રહ્મ સૂક્ષ્મ છે અને તે પોતે જ સર્વ-રૂપે થઇ રહેલ છે.આથી કેટલાક પદાર્થો
સકારણ-પૂર્વક છે તો કેટલાક અકારણ પણ છે.જેની બુદ્ધિ જેવા દૃઢ અભ્યાસને લીધે જેવી કલ્પના કરે છે-તેવું તેને ભાસે છે.
અનુભવી તત્વવેત્તાઓની દૃષ્ટિમાં સર્વ કારણો શાંત થઇ જાય છે-એ પછી સૃષ્ટિનું કોઈ કારણ રહેતું નથી.
આથી આ સૃષ્ટિ કારણ વિનાની છે.છતાં આ સ્વપ્ન-નગરના જેવા જગતમાં તેનું સત્યપણું સિદ્ધ કરવા માટે-
ઈશ્વર એ-,પ્રધાન,પરમાણુ-આદિ (વૈશેષિક)કારણ કલ્પી લે છે,કે જે કારણો,માત્ર વ્યર્થ ને (શબ્દોની) વાગ્જાળ છે.

આમ,(કલ્પિત કારણ સિવાયના) બીજા કોઈ પ્રકારે નહિ  ઘટી શકવાથી,આ દૃશ્ય (જગત)ની- જે સ્થૂળ આકારે દૃશ્યતા
પ્રતીતિમાં આવે છે-તેની 'સ્વપ્ન-તુલ્યતાની કલ્પના' કર્યા વિના,વાસ્તવિકતા થતી નથી.
(એટલે કે નિરાકાર બ્રહ્મ એ જગતનું કારણ હોઈ શકે નહિ,પણ નરી આંખે દેખાતું આ જગત એ જો છે જ,
તો એ જગતને 'તે સ્વપ્ન સમાન છે' છે-એ પ્રમાણે-તેને મિથ્યા સમજીને-તેની વ્યર્થતા સમજવાની છે!!)
સૂતેલા પુરુષને સ્વપ્નમાં જે કંઈ પૃથ્વી-આદિનો અનુભવ થાય છે-તેમાં અધિષ્ઠાન ચૈતન્ય સિવાય બીજું શું હોય?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE