Jul 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1207

જે પ્રમાણે સ્વપ્નમાં દેખાતા પદાર્થોનું,વાસ્તવ સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી તેઓ અત્યંત મહામોહને
ઉત્પન્ન કરે છે,પરંતુ જાગ્રતમાં તેમનું સ્વરૂપ ઓળખાયાથી તેઓ તે મહામોહને ઉત્પન્ન કરતા નથી,
તે પ્રમાણે જ આ સૃષ્ટિનું સમજી લેવાનું છે.એટલે કે-જ્ઞાન થતાં સુધી જ તે સૃષ્ટિ મોહ કરાવે છે.
કદાચિત શુષ્ક તર્કથી કે હઠના આવેશથી,અનુભવમાં ના આવી શકે તેવું -
કોઈ (સૃષ્ટિનું)'કારણ' કલ્પી લેવામાં આવે,તો તે મૂર્ખતાનો એક ખોટો આગ્રહ જ છે.

જેમ અગ્નિની ઉષ્ણતા,જળનું શીતળપણું અને તેજનું પ્રકાશપણું એ સ્વાભાવિક છે
તેમ,સર્વ પદાર્થની ભિન્ન ભિન્ન સ્થિતિમાં તેનો તેવો સ્વભાવ જ કારણ-રૂપ છે.
ને તેવી જ રીતે આત્મામાં અજ્ઞાન-રૂપ-ઉપાધિનો સંપર્ક પણ સ્વાભાવિક છે.
આમ સ્વભાવ વિના બીજું શું કારણ હોઈ શકે?
એક જ ધ્યેય-વસ્તુ (બ્રહ્મ કે ઈશ્વર) સેંકડો ધ્યાન કરનારને પ્રાપ્ત થાય છે-તો તેમાં શું કારણ હોઈ શકે?
સંકલ્પથી બનેલા નગરમાં ખડી થઇ ગયેલ,ભીંતનું શું કારણ હોઈ શકે?

'વિજ્ઞાનવાદીઓ'ના મતમાં માનવામાં આવતું વિજ્ઞાન પણ નિરાકાર છે,
તો તે અનંત અને ઉત્પન્ન થઇ નાશ પામનારા ભીંત વગેરે નિરાકાર પદાર્થોનું કારણ કેમ ઘટી શકે?
સ્વ-ભાવનો સ્વભાવ જ છે કે તે કારણ-રૂપ થઇ જાય છે-એમ 'સ્વભાવ-વાદીઓ'નું કહેવું છે,
પણ એ તો એક સ્વભાવના બીજા પર્યાય શબ્દની કલ્પના કરવા જેવું છે.

માટે સર્વ પદાર્થો અને તેનું કારણ એ સર્વ અજ્ઞાનીઓને વિના કારણે જ ભ્રાંતિ-રૂપ ભાસે છે.
બાકી તત્વજ્ઞ પુરુષની દૃષ્ટિમાં તો સર્વ 'કાર્ય' સન્માત્ર-રૂપે રહેલું છે અને તે 'કાર્ય' -એ-
ચિદાકાશના ચમત્કાર-રૂપ-'કારણ'માંથી  આવિર્ભાવ પામે છે ને પાછુ તેમાં જ તિરોહિત થઇ જાય છે.
આમ ચિદાકાશ જ દૃશ્ય (સૃષ્ટિ કે જગત) રૂપે ભાસી રહ્યું છે,બીજું કંઈ અહીં ઘટી શકતું નથી.
અને આ યુક્તિ વિના બીજી કોઈ પણ (કારણની) કલ્પના અહીં,બંધબેસતી દેખાતી નથી.
માટે આ જગતની કલ્પના એ બ્રહ્મના અનુભવ-રૂપ (બ્રહ્માનુભવ-રૂપ) જ છે.

જ્યાં ચિદાકાશ (બ્રહ્મ) સિવાય બીજું કંઈ જ નથી તો ત્યાં પછી શાસ્ત્ર શું છે? ને કથાઓના વિચારોનું પ્રયોજન
પણ શું છે? વાસનારહિત જે જીવન છે તે જ મોક્ષ-રૂપ છે.આમ 'કારણ'ના અભાવને લીધે જો સૃષ્ટિ જ નથી,
તો પછી આ અનેક પ્રકારની પ્રપંચની રચના -એ પ્રત્યક્ષ દેખાતા છતાં પણ કંઈ જ નથી.
જે આ વાસના અહીં પ્રપંચના બીજ-રૂપે સિદ્ધ છે,તે નિરંતર અને એક એવી બોધ-સત્તા-રૂપ જ છે.
તે અનેક પ્રકારના ભાવોથી અને અનેક પ્રકારના પદાર્થોથી રહિત છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE