Jul 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1209

વસિષ્ઠ કહે છે કે-લુહાર બહાર જેમ ધમણ ચલાવે છે તેમ અંદર રહેલી 'ચેતન-સત્તા' જ આંતરડાંમાં વીંટાઈ રહેલી
નાડીઓના સમુહને ચલાવે છે.અને તેને અનુસરીને સર્વ લોકોની બહારની ચેષ્ટાઓ (કર્મો) પણ થાય છે.
(નોંધ-વસિષ્ઠનો અતિ ટૂંકાણમાં દીધેલ આ જવાબ વિષે અતિવિચાર થી જ તેનો પૂર્ણ અર્થ સમજી શકાય તેમ છે.
અહીં આગળ જણાવ્યા મુજબ ચેતન-સત્તા એ ચિદાકાશ-કે આકાશ-સ્વરૂપ છે-તે યાદ કરવું જરૂરી છે?!!)

રામ કહે છે કે-હે મહારાજ,શરીરની અંદર રહેલો પ્રાણવાયુ-આંતરડાં-આદિ સર્વ મૂર્તિમાન(સાકાર) છે,તો નિરાકાર
'ચેતન-સત્તા' તેને કેમ ચલાવી શકે? તે નિરાકાર ચેતન-સત્તા જો સાકાર દેહાદિને જો ઈચ્છા-માત્રથી ચલાવે તેમ થતું હોય
તો પછી તરસ્યા પથિકથી ઘણે છેટે રહેલું જળ તે પથિકની ઇચ્છાથી તેની પાસે પોતાની મેળે જ ચાલ્યું આવે!
આમ,જો ઈચ્છા-માત્રથી જ સાવયવ અને નિરવયવ પદાર્થોનો સંયોગ થઇ જતો હોય તો પછી કર્મેન્દ્રિયોનું
શું પ્રયોજન રહે? એટલે હું એમ માનું છું કે-સાવયવ અને નિરવયવ પદાર્થોનો જેમ બહાર સંયોગ થતો નથી તેમ
તેમનો અંદર પણ સંયોગ થતો નથી.બાકી જો કંઈ બીજું હોય તો આપ તે વિશેનો આપનો અનુભવ મને કહો.

વસિષ્ઠ કહે છે કે-સર્વ સંદેહ-રૂપી વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખનારું અને કાનને શોભા આપનારું આ મારું વચન
સર્વની એકતા (અદ્વૈત)નો અનુભવ થવા માટે આપને કહું છું તે તમે સાંભળો.
અહીં કોઈ જગ્યાએ કશી સાકાર વસ્તુ જ નથી,સર્વદા આ સર્વના આકારે શાંત નિરાકાર બ્રહ્મ જ પ્રસરી રહેલ છે.
સ્વપ્ન અને સંકલ્પની જેમ પૃથ્વી-દેહ-આદિ આ સર્વ પદાર્થ સમૂહ-એ શાંત ચિદાકાશ-રૂપ છે.
'કારણ'ના અભાવને લીધે આ સર્વ આદિ અને અંતમાં નથી,જોકે તે છતાં તે ભ્રાંતિ-રૂપે દેખાય છે,
તો પણ સ્વપ્નની જેમ તે ચિદાકાશનો એક વિવર્ત (આભાસ-કે વિલાસ) જ છે.

તત્વવેત્તા પુરુષો,વિવેક-વૈરાગ્ય-આદિથી આ સાકાર જગતને વાસનારહિત મનમાંથી કાઢી નાખે છે.
અને આ દૃશ્યને નિરાકાર-ચિદ-રૂપ જ સમજે છે.
આ સંબંધમાં એક ઐન્દવ (ઇન્દુના દશપુત્રોનું) આખ્યાન હું કહું છું તે તમે સાંભળો.
જો કે આ આખ્યાન  મેં તમને આગળ કહેલું છે,છતાં પણ અહી આ પ્રસંગને લીધે કોઈ બીજા જ ઉદ્દેશથી
આપને ફરીથી કહું છું.વર્તમાનકાળમાં તમારા મનમાં ચાલતા પ્રશ્નના સમાધાનના બોધ માટે તમે તે સાંભળો.

(નોંધ-રામજીના ઉપરના પ્રશ્નનો જવાબ અહીં અદ્વૈતની દૃષ્ટિથી આપવામાં આવેલો છે.
તર્ક કે વૈજ્ઞાનિક દૃષ્ટિથી સમજવા માટે રાજયોગ કે જે સાંખ્ય પર રચાયેલો છે-તેનો અભ્યાસ કરી,તેમાં બતાવેલ
અષ્ટાંગ-યોગથી તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે તેને સમજી,તેનો અનુભવ કરી શકાય છે?!!
રાજયોગ કહે છે કે-શરીરમાં અંદર શ્વાસોશ્વાસ વડે જતા પ્રાણવાયુને જે 'શક્તિ' અંદર ખેંચે છે તે પ્રાણ-શક્તિ
એ પ્રાણ છે.પ્રાણ અને પ્રાણ 'શક્તિ' -એમ બે (દ્વૈત)ની 'કલ્પના' કરીને આ વાત સમજવામાં આસાન પડે છે?!)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE