Jul 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1211

(૧૭૯) બ્રહ્મનું પ્રતિપાદન

વસિષ્ઠ કહે છે કે-આમ આ ત્રણે લોક એક શુદ્ધ તત્વમય ચિદ-રૂપ છે.અવિવેકીઓને સાકાર-રૂપે
પ્રતીતિમાં આવતાં એવાં કોઈ પણ પ્રાણીઓ અહીં નથી જ તો પછી સાવયવ શરીર-આદિ ક્યાંથી હોય?
આ જે કંઈ (શરીર-આદિ) દેખાય છે તે નિરાકાર બ્રહ્મ જ ચોતરફ પ્રસરી રહેલું છે.
ચિદાકાશ-એ ચિદાકાશની અંદર રહેલું છે,એ શાંત તત્વ પોતાના શાંત-સ્વરૂપમાં જ સમાન-પણે સ્થિર છે.
સર્વ શાંત,સત્ય અને ચિદાકાશ-રૂપ છે.આ સર્વ સ્વપ્નની જેમ જાગ્રત અવસ્થામાં પણ નિરવયવ-રૂપે રહેલું છે.
તો પછી સાકાર વસ્તુની સ્થિતિ ક્યાંથી હોય? દેહના અવયવો કે આંતરડાંમાં વીંટાયેલી નાડી પણ ક્યાંથી હોય?
(વિવેકથી યુક્તિ વડેવિચાર કરી) આ દેહ પણ આકાશ જેવો નિરાકાર છે-એમ તમે સમજો.

આ સર્વ સહેતુક જણાતા છતાં નિર્હેતુક છે.વ્યવહારિક દૃષ્ટિએ જોતાં કારણ વિના કાર્ય  થવાની વાત સંભવતી નથી.
બાકી જેવો જેણે જેવો નિર્ણય કર્યો હોય તેવું જ તેના જોવામાં આવે છે.
યુક્તિ વડે જો વિચારવામાં આવે તો-વિના-કારણ ઉત્પન્ન થયેલું અને આત્મા-રૂપ અનુભવમાં આવતું આ જગત,
એ અત્યંત અસત્ય પણ નથી કે અત્યંત સત્ય પણ નથી,પણ તે (અનિર્વચનીય રીતે) સત્ય જેવું લાગે છે.
એટલે એ તો નિઃસંશય જ છે કે-ચિદાત્માને સર્વ વસ્તુ પોતાની અંદર ભાવના પ્રમાણે ભાસે છે.
આમ, એ ચિદાકાશનું જ સર્વાત્મ-પણું છે.તે બ્રહ્મ-પદ એ સર્વના આત્મા-રૂપ છે અને અનેક-રૂપે થઇ રહ્યું છે.

જેમ તે ઈંદુ બ્રાહ્મણના દસ પુત્રો તેના સંકલ્પમય જગતોના સમૂહ વડે લાખો પ્રાણીઓ-રૂપ થઇ ગયા હતા,
તેમ એક જ તત્વ હજારો-રૂપે થઇ જાય છે.જેમ વિષ્ણુ-આદિનું (ઉપાધિ કે માયાના મિલન દ્વારા) સાયુજ્ય
થાય છે ત્યારે અનેક સૃષ્ટિઓની એક-રૂપતા થઇ જાય છે,તેમ,હજારો જીવોનું સાયુજ્ય થાય છે ત્યારે તેમની
એકરૂપતા થઇ જાય છે.જેમ,સેંકડો નદીઓથી યુક્ત હોવા છતાં સમુદ્ર-એ એકરૂપ છે,
તેમ,દેહ -એ ભિન્નરૂપ દેખાતા છતાં એક-ચિદાકાશ-રૂપ જ છે અને તે સ્વપ્ન-દેહની જેમ ખડો થઇ જાય છે.

જો કે પોતાના અનુભવ વડે તે દેહ સ્ફુટ-રીતે (નરી આંખે) પ્રતીતિમાં આવે છે,તો પણ સત્યમાં તો તે
વસ્તુતઃ રીતે જોતાં (કે સમજતાં) સ્વપ્ન-શૈલની જેમ નિરાકાર છે.
જો વિચારથી (વિવેકથી) દૃશ્ય (જગત)નું સ્વરૂપ ઓળખવામાં આવે-તો તે ચિદ(બ્રહ્મ કે ચૈતન્ય)-રૂપ જ છે,
પરંતુ તેનું ખરું સ્વરૂપ (અવિવેક કે અજ્ઞાનથી) ઓળખાતું નથી,તેથી તે દૃશ્ય-દૃષ્ટા-રૂપે પ્રતીતિમાં આવે છે.
નિંદ્રા-એ જેમ સ્વપ્ન અને સુષુપ્તિ-એ બંને-રૂપ છે તેમ બ્રહ્મ જ દૃષ્ટા-દૃશ્ય-રૂપ છે.

જેમ પવન અને તેની ચલન-શક્તિ અભિન્ન છે,તેમ બ્રહ્મથી દૃશ્ય અભિન્ન છે,માટે જગત એક ચિદાકાશ-રૂપ જ છે.
દૃષ્ટા-દૃશ્ય-દર્શન-એ ત્રણે ચિદાકાશનો જ વિવર્ત (આભાસ) છે-ને પરમાર્થ-દૃષ્ટિથી જોતાં તે ચિદાકાશ-રૂપ છે.
જેમ શૂન્ય સ્વપ્નમાં ચિદાત્મા જ અનેક-રૂપે ભાસે છે,તેમ ચિદાકાશ જ આ સર્વ-રૂપ છે.તેથી જગત ચિદ-રૂપ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE