Jul 26, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1218

આમ શાપો જયારે ત્રિશુળને ઉગામીને વરદાનો સામે ઉભા રહેશે ત્યારે વરદાનો પોતાના શત્રુઓ તરફ હસીને
એક નિશ્ચય પર આવીને કહેશે કે-હે શાપો,અવિચારીપણું મૂકી દઈ તમારે કાર્યના અંતનો વિચાર કરવો જોઈએ.
આપણે જો કલહના અંતે બ્રહ્મલોકમાં જઈને જ નિર્ણય કરવાનો હોય તો તે મુજબ હાલ જ કેમ નહિ કરવું?
આ પ્રમાણે વરોનું કહેવું સાંભળી,શાપોએ એ વાતનો સ્વીકાર કર્યો.
પછી તે શાપો અને વરો બ્રહ્મલોકમાં જશે અને બ્રહ્માને નિવેદન કરશે ત્યારે બ્રહ્મા તેમને કહેશે કે-

'હે વરો અને શાપો,જેઓ અંદર બળવાળા અને સ્થિરતા (સાર) વાળા હોય છે તેમનો જ જય થાય છે.
માટે તમારાઓમાં અંદર સારવાળા કોણ છે? તેની તમે જાતે જ શોધ કરો'
એમ બ્રહ્માનું વચન સંભાળીને સાર તપાસવા માટે વરોના હૃદયની અંદર શાપો અને શાપોના હૃદયની અંદર
વરો પ્રવેશ કરશે.તેઓ પોતે જ શોધ કરી હૃદયની અંદરના સારને જાણીને પરસ્પર એકમત થઇ બ્રહ્માને કહેશે કે-

શાપો કહેશે કે-હે પ્રજાનાથ,અમે વરો વડે જીતાયા છીએ,કેમ કે અમે અંદર સારવાળા નથી,વરો જ સારવાળા છે
અને વજ્ર-સ્તંભ જેવા અચળ છે.અમે શાપો અને વરો,એ બંને સર્વદા જીવ-ચૈતન્યના સંકલ્પ-રૂપ છીએ,
બીજું કંઈ અમારું સ્વરૂપ નથી.વર આપનારનો સંકલ્પ 'મેં વર આપ્યો' એવા-રૂપે થઇ જાય છે
અને તે જ યાચકની અંદર 'મેં વર મેળવ્યો' એવા રૂપને ધારણ કરે છે.એ જીવ-ચૈતન્યનો દૃઢ સંકલ્પ જ
દેહાકાર થઇ જઈ દેશ-કાળ-આદિ સેંકડો ભ્રમો વડે તે તે ફળને દેખે છે અને અનુભવે છે.

શાસ્ત્રોક્ત તપ કરતાં,દૃઢ થઇ રહેલા સંકલ્પના 'બળથી' વશ થઇ ગયેલ વરદાતા દેવ પાસેથી જે વર-પ્રાપ્તિ મળે છે,
તે ચિદાત્માનો વિલાસ (વિવર્ત) જ છે.ફળ-પ્રાપ્તિની અવસ્થામાં તે વર,સંકલ્પના દૃઢપણાથી સારી રીતે પુષ્ટ થઇ ગયેલો
હોય,તો જ તે અંદર સારવાળો છે અને દુર્જેય છે,પણ શાપનું સારપણું ન હોવાથી તે દુર્જેય નથી.
શુદ્ધ જીવોમાં પણ અતિ-શુદ્ધ જીવ-ચૈતન્ય,પોતાના દૃઢ સંકલ્પબળથી જય મેળવે છે
અને અશુધ્ધોમાં અશુદ્ધ જય મેળવે છે.કાળને લીધે ફળમાં પણ તેમની સમાનતા હોતી નથી.

એક ક્ષણ-માત્રથી પણ જે પુરાતન (આગળનો કે પહેલાંનો) હોય,તે ન્યાયની રીતે પાછલાને જીતી લે છે.
તેથી શાપની પ્રબળતાને બીજો કોઈ પણ ન્યાય સાધી આપવા સમર્થ થઇ શકતો નથી.
જો વર-શાપની અથવા વિરુદ્ધ કર્મની સમાનતા હોય તો-શુભ-અશુભ કોટિમાં રહેલી મિશ્ર વસ્તુનો સમાનપણે
અનુભવ થાય છે.હે મહારાજ,અમે જે આપની પાસેથી શીખ્યા છીએ તે જ આપને બતાવીએ છીએ,
કે જે અનુચિત જેવું છે,માટે અમારી ધૃષ્ટતાના અપરાધની ક્ષમા કરશો.અમે આપને નમન કરીએ છીએ.
અને હવે જલ્દી પોતાના સ્થાન પર જઈએ છીએ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE