Aug 15, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1229

એ જ (ઉપર) પ્રમાણે એક જ ચિન્માત્ર વસ્તુ(બ્રહ્મ)સેંકડો પદાર્થોરૂપ થઇ રહી છે.તે ચિદાકાશરૂપ-જીવની અંદર
જે 'વૃત્તિઓના સ્ફુરણ' જેવું ભાસે છે,તે વૃત્તિઓનું મૂળ અધિષ્ઠાન એ ચેતન-તત્વ (બ્રહ્મ) જ છે,
અને તેની જેવા 'સ્વભાવની કલ્પના' કરવમાં આવી છે,તેવો જ તેનો 'સ્વભાવ' બંધાઈ રહ્યો છે.
સ્વપ્નની જેમ જ જાગ્રતમાં પ્રતીતિમાં આવતાં પૃથ્વી,જળ,વાયુ,તેજ તથા આકાશ એ સર્વ ચિદ-રૂપ છે,
અને તેઓ પોતાનાથી થતાં અનેક કાર્યોની ખાણ-રૂપ છે.તો શબલબ્રહ્મ તેમના ખજાના કે ખાણ-રૂપ છે.

હે રામ,તેમાં સાવયવ કઠિન ભાગનો મોટો ખજાનો આ ભૂપીઠ (પૃથ્વી) છે અને રાજાની જેમ સર્વ મનુષ્ય-સમૂહના
આધાર-રૂપ ગણાય છે.જળનો મુખ્ય ખજાનો મહાસાગર,તેજનો મુખ્ય ખજાનો સૂર્ય,ચપળતાનો મુખ્ય ખજાનો
વાયુ અને શૂન્યતાનો મુખ્ય ખજાનો આકાશ છે.આ પાંચે મહાભૂતો જગતમાં વ્યાપ્ત થઇ રહ્યાં છે,કે જે બ્રહ્મના
એક વિલાસ-રૂપ છે,અને તે તે સર્વ ભૂતોના ખજાના-રૂપ-બ્રહ્મનું સ્ફુરણ જ છે.એ પંચમહાભૂતોમાં વ્યાપ્ત થઇ
રહેલો તેમનો સ્વભાવ એ બ્રહ્મ-સત્તાથી કંઈ ભિન્ન નથી.એટલે 'સૂર્ય ઉગ્ર કાંતિવાળો કેમ છે?'
વગેરે પ્રશ્નોનું સમાધાન થઇ જાય છે,કેમ કે તેમ થવામાં હેતુ-રૂપ,'સ્વભાવ' જ ગણાય છે કે જે બ્રહ્મ-સત્તાથી જુદો નથી.

સર્વજ્ઞ શબલ-બ્રહ્મ,ચિદાકાશ-રૂપ કહેવાય છે,તે સર્વવ્યાપી અને સર્વરૂપ છે,તેથી તે સર્વત્ર પોતાના પ્રકાશ-રૂપ મહિમા
વડે સર્વ વિવેકી વિદ્વાનોને 'સ્વભાવ-રૂપે ને નિયતિ-રૂપે' અનુભવમાં આવે છે.
હિરણ્યગર્ભ (બ્રહ્મા) એ બ્રહ્મના એક બાળક-રૂપ છે,કે જે પોતાના સ્વરૂપ-ભૂત ચૈતન્યના સ્ફુરણ-રૂપ અને ચિદાકાશ-રૂપ
પોતાના રેશમી વસ્ત્ર વડે ઢંકાયેલી આ 'પૃથ્વી' નામની રચનાને પોતાની અંદર વિસ્તારી દે છે.

જયારે એ સર્વજ્ઞ શબલ(માયા-યુક્ત) બ્રહ્મ,બ્રહ્મા (હિરણ્યગર્ભ) સહિત આ સર્વ સ્થૂળ પ્રપંચને પોતાની અંદર લીન
કરી દે છે,ત્યારે હિરણ્યગર્ભના એક અવયવ-રૂપ-સૂર્યનું 'ભ્રમણ સ્વભાવ-વાળું-રૂપ' દેખાતું નથી.
કેમ કે તે સંહાર કરનાર પરમ-પુરુષ (બ્રહ્મ) રૂપ જ થઇ જાય છે.
કરોળિયો જેમ સંકલ્પ-પૂર્વક પોતાનું ઘર બાંધે છે તેમ વિધાતા પણ પોતાના સંકલ્પ-માત્રથી જ ગ્રહ-નક્ષત્ર આદિના
આશ્રય-રૂપ એક (જ્યોતિષ કે શિશુમાર) 'ચક્ર' રચે છે.ઉત્તરાયણ અને દક્ષિણાયન માર્ગમાં ફરનારા સૂર્ય-રૂપી નિમિત્ત વડે,
તે (ચક્ર) જ દિવસોના લાંબા-ટૂંકા-પણામાં હેતુ-રૂપ થાય છે.

એ જ્યોતિશ્ચક્રમાં કેટલાએક પદાર્થો (ગ્રહો) વિશેષ પ્રકાશવાળા છે,કેટલાએક થોડા પ્રકાશવાળા છે તો કેટલાએક
પ્રકાશ-રહિત (પર-પ્રકાશી)પણ છે.વિવેકી તત્વજ્ઞ પુરુષની દૃષ્ટિમાં તો આ પદાર્થોના સમૂહો ઉત્પન્ન થયા નથી
અને તેમને તે દેખાતા પણ નથી,પણ ચિદાકાશ-રૂપ આત્મા જ દેખાય છે,તે આત્મા જ ચિદ-રૂપ-સર્વેશ્વર છે,
અને તે આત્મા જ તમે હું અને આ સર્વ દૃશ્ય (જગત) ના આકારે ભાસે છે.દેહનો નાશ થતાં,જાણે તેનો પણ નાશ થતો
હોય એમ જણાય છે,પરંતુ વસ્તુતઃ તો તેનો નાશ પણ નથી કે ભાસ પણ નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE