Oct 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1286

(૨૧૪) ઉપદેશનાં વખાણ
વાલ્મીકિ કહે છે કે-વસિષ્ઠજી ઉપર પ્રમાણે કહેતા હતા તેવામાં,આકાશમાં દેવતાઓનો દુંદુભિનાદ થવા લાગ્યો
અને પૃથ્વી પર પુષ્પ-વૃષ્ટિ થવા લાગી.પછી પોતાના સ્થાનને અનુસરી ક્રમવાર યોગ્યતા પ્રમાણે સભાના સર્વ સભ્યોએ
તે દિવ્ય પુષ્પો લીધાં અને વસિષ્ઠના ચરણમાં પુષ્પાંજલિ અર્પણ કરવા લાગ્યા.

દશરથ રાજા કહે છે કે-અહો! અમે લાંબા કાળ સુધી આ સંસાર-રૂપી જંગલમાં ભમવાથી બહુ થાકી ગયા હતા,
પરંતુ આપના ઉપદેશથી અમે સુખથી આત્માવગાહનમાં અધિકારી થયા છીએ,ને વિશ્રાંતિ પામ્યા છીએ.
અનેક દૃષ્ટાંતો વડે,આપે અમારી દૃશ્યની ભ્રાંતિ દુર કરી છે.

રામ કહે છે કે-આપની કૃપાથી મારો મોહ નષ્ટ થયો છે,હું પરમપદને પ્રાપ્ત થયો છું,બ્રહ્મ-રૂપ થઈરહ્યો છું અને
અત્યંત શુદ્ધ બુદ્ધિવાળો થયો છું.હું નિઃસંદેહ બની જઈ બ્રહ્મ-રૂપ સ્વભાવની અંદર સ્થિર થઇ રહ્યો છું.
હું આવરણ-રહિત એવા શુદ્ધ વિજ્ઞાન-રૂપ થયો છું અને હવે આપ જેમ કહેશો તેમ હું કરીશ.
અમૃતની વૃષ્ટિની જેમ સુખ આપનારાં આપનાં વચનોનું હું વારંવાર સ્મરણ કરીશ.કોઈ માન-અપમાન કરે
તો તેમાં સમ-દૃષ્ટિ રાખીશ અને હું શાંત છતાં વારંવાર જાણે હર્ષને પ્રાપ્ત થતો હોઉં-તેવો થઇ રહીશ.

હવે મારે કશું કરવાનું કે કશું નહિ કરવાનું-એવું કશું પ્રયોજન નથી.હું જેવો પ્રથમ વ્યવહારમાં રહ્યો હતો તેવો જ
હમણાં રહું છું,પરંતુ હમણાં હું વ્યવહારના સંપર્કથી થતા તાપથી રહિત છું.જેવો આપના વચનથી અમને વિશ્રાંતિનો
ઉપાય મળ્યો,તેવો બીજો કયો ઉપાય હોય? કે એવી બીજી દૃષ્ટિ પણ કેવી હોય?
હવે મારો કોઈ શત્રુ-મિત્ર નથી.મારું આ શરીર કે ક્ષેત્ર આદિ પણ કશું નથી.આત્મ-ચૈતન્યનો બોધ થયો નહોતો
ત્યાં સુધી આ જગત મને દુઃખ આપનારું ભાસતું હતું,પણ હવે તે શાંત અને સર્વ અર્થ વડે સુંદર ભાસે છે.

લક્ષ્મણ કહે છે કે-આપનો આ બોધ અનેક જન્માંતરોમાં ભેગી થયેલ દુર્વાસનાના યોગે થતા સંશયોનો નાશ કરનારો છે
અને અનેક જન્માંતરોમાં ભેગાં થયેલાં સેંકડો પુણ્યના યોગે ઉદય પામેલો છે.
આપના બોધથી મારું મન વિચાર-યુક્ત થઇ રહ્યું છે અને તેમાં પરમાત્માનો પ્રકાશ ઝળહળી ઉઠ્યો છે.

વિશ્વામિત્ર કહે છે કે-અહો! બહુ હર્ષની વાત છે કે આપના મુખેથી અમે મહાપવિત્ર જ્ઞાનનું શ્રવણ કર્યું
અને જેથી અમે જાણે સેંકડો ગંગાઓમાં સ્નાન કર્યો હોય તેવા બની ગયા છીએ.

નારદ કહે છે કે-જે જ્ઞાન કોઈ વખતે કદી પણ,બ્રહ્મલોકમાં,સ્વર્ગલોકમાં કે ભૂલોકમાં,સાંભળવામાં આવ્યું નથી,
તેવું ઉત્તમ જ્ઞાન સાંભળી મારા કર્ણ આજે પવિત્ર થયા છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE