Oct 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1288

વાલ્મીકિ કહે છે કે-હે ભરદ્વાજ,આ ઉત્તમ મોક્ષ-સંહિતા (યોગવાસિષ્ઠ)નો પૂર્વકાળમાં,વિધાતાએ,મુનિઓના સમાજમાં
વિચાર કરી એવું કહ્યું છે કે-વસિષ્ઠની વાણી કદી અસત્ય થશે નહિ.
આ કથાનો અંત થતાં સારી બુદ્ધિવાળા યજમાને બ્રાહ્મણોની પૂજા કરી,તેમને જમાડી પોતાની શક્તિ મુજબ તેમને
દાન-દક્ષિણા આપવી.તમારી બુદ્ધિને બોધ થવા માટે સેંકડો કથાઓના ક્રમ વડે યુક્ત,બ્રહ્મ-તત્વનો બોધ કરનારું
અને દૃષ્ટાંત-યુક્તિથી સંઘટીત એવું આ નિર્મળ મોટું શાસ્ત્ર મેં તમને સંભળાવ્યું છે.કે જેનું શ્રવણ કરીને તમે જીવતાં જ
વિમુક્ત ચિત્તવાળા બની જાઓ અને અક્ષય બ્રહ્મ-રૂપે રહો.ને નિત્ય સુખ-રૂપ મુક્તિને પામો.

(૨૧૬) શિષ્યોએ ગુરુને આત્માર્પણ કરવું

વાલ્મીકિ : હે રાજા અરિષ્ટનેમિ,આ ગ્રંથ-રૂપી તત્વજ્ઞાનના ઉત્તમ વચનો વડે,તમે ધ્રુવપદને સુખેથી પ્રાપ્ત થશો.
અરિષ્ટનેમિ રાજા : હે મહારાજ,આપની કૃપાથી,સંસારના બંધનો નાશ કરનાર તત્વનો મને લાભ થયો  
ને સંસારસાગરને હું તરી ગયો છું.
દેવદૂત : એ રાજાએ ઉપર પ્રમાણે વાલ્મીકિજીને કહ્યું અને પછી તેણે કોમળ વાણીથી મને કહ્યું કે-

અરિષ્ટનેમિ રાજા કહે છે- હે દેવદૂત,તને હું પ્રણામ કરું છું.તારું કુશળ થાઓ.સત્પુરુષોની મિત્રતા સાત પગલાં
ચાલવાથી (એટલે કે સાત પદોના સંભાષણથી)થઇ જાય છે,એવી લોકવાર્તા આ વખતે તેં સત્ય કરી બતાવી છે.
હવે સુખેથી તું દેવલોકમાં જા.કથાના શ્રવણથી મારા સર્વ તાપોની શાંતિ થઇ છે અને
હું  પરમસુખને પ્રાપ્ત થયો છું.હું નિરતિશય આનંદના લાભ વડે હર્ષ પામ્યો છું.
હવે હું સાંભળેલા બોધના અર્થનું ચિંતન કરીને અહીં તાપથી રહિત (શીતળ) દશાનો આશ્રય કરી સ્થિતિ રાખીશ.

દેવદૂત (અપ્સરાને) કહે છે કે-હે અપ્સરા,ઉપર પ્રમાણે તે રાજાએ મને કહ્યું,તેથી હું (તેનો વિનય જોઈ)
પરમ વિસ્મય પ્રાપ્ત થયેલો છું.ત્યાર પછી વાલ્મીકિ ઋષિની આજ્ઞા લઇ,હું તારી પાસે આવ્યો છું.
પૂર્વે કદી નહિ સાંભળેલો એવો આ અપૂર્વ જ્ઞાનનો સાર સત્સંગને લીધે મારા સાંભળવામાં આવ્યો છે,
અને તેથી હમણાં જાણે અમૃતનું પાન કર્યું હોય તેવો હું અંદર થઇ ગયો છું.
તેં મને જે પૂછ્યું તે સર્વ મેં તને કહી બતાવ્યું છે.હવે હું ઇન્દ્રલોકમાં જઈશ.

અપ્સરા : હું તને પ્રણામ કરું છું.આ તેં શ્રવણ કરાવેલા તત્વજ્ઞાન વડે હું પરમ સુખ-વિશ્રાંતિને પ્રાપ્ત થઇ છું,
કૃતાર્થ થઇ છું અને શોકથી રહિત થઇ છું.હવે તું ઇન્દ્ર પાસે યથેચ્છ રીતે જા.તારું કલ્યાણ થાઓ.

અગ્નિવેશ (કારુણ્યને) કહે છે કે-ત્યાર પછી સુરુચિ નામની તે શ્રેષ્ઠ અપ્સરા,હિમાલયની તળેટીમાં આવેલા ગંધમાદન
નામના વનની અંદર,તે જ તત્વજ્ઞાનનું ચિંતન કરતાં,તેવી સ્થિતિને રાખી રહી.
હે પુત્ર કારુણ્ય,આ તે વસિષ્ઠજીની ઉપદેશવાણી સાંભળી.આ વાતને હૃદયમાં બરાબર સમજ્યા પછી,
તારી જેમ ઈચ્છા થાય તેમ તું કર.

કારુણ્ય : હવે આ સંસારિક સ્થિતિ મને ભ્રાંતિમાત્ર જ  ભાસે છે.હવે મને કશું કરવાનું કે કશું નહિ કરવાનું પ્રયોજન નથી.
હું હવે યથાપ્રાપ્ત વ્યવહારમાં સ્થિતિ રાખીને રહ્યો છું,કેમ કે કર્મત્યાગમાં પણ આગ્રહ હવે શા માટે રાખવો?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE