Showing posts with label અપરોક્ષાનુભૂતિ. Show all posts
Showing posts with label અપરોક્ષાનુભૂતિ. Show all posts

Mar 8, 2014

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-14

જેઓ બ્રહ્મ-વૃત્તિ ને સંપૂર્ણ જાણે છે,અને જાણી ને હંમેશ તે વૃત્તિ ને વધારતા રહે છે,
--તે સત્પુરુષો ને ધન્ય છે,અને તેઓ જ ત્રણે ભુવન માં વંદનીય છે.  (૧૩૧)


જેઓની બ્રહ્માકાર વૃત્તિ સારી રીતે વધી હોય,અને સંપૂર્ણ પક્વ થઇ હોય,
--તેઓ જ ઉત્તમ બ્રહ્મ-ભાવ ને પામી ચુક્યા છે,જયારે,
--બીજા શબ્દ-વાદી વાતો કરનારા બ્રહ્મ-ભાવ ને પામતા નથી. (૧૩૨)


જેઓ બ્રહ્મની વાતો કરવામાં જ હોશિયાર હોય,પણ બ્રહ્માકાર વૃત્તિ થી રહિત હોય છે,
--તેઓ અતિશય રાગી અને અજ્ઞાની જ હોય છે,તેથી તે વારંવાર સંસારમાં અવર-જવર કર્યા કરે છે,
જન્મ-મરણ પામ્યા જ કરે છે,અને સંસાર માંથી છૂટતા નથી.  (૧૩૩)


જેમ બ્રહ્મ,સનક,શુકદેવ –વગેરે જ્ઞાનીઓ એક ક્ષણ પણ બ્રહ્માકાર વૃત્તિ વિના રહેતા નથી,
--તેમ બ્રહ્મ-વેતા પુરુષો,આંખ ના અડધા પલકારા જેટલો સમય પણ,
--એ બ્રહ્મમય (બ્રહ્માકાર)  વૃત્તિ વિના રહેતા નથી.   (૧૩૪)


કાર્ય (સંસાર) માં કારણ-પણું (બ્રહ્મ-પણું) લાગુ રહે છે,પણ કારણ માં કાર્ય-પણું કદી ના જ આવે, માટે,
--આ સિદ્ધાંત ને લક્ષ્યમાં રાખી,કાર્ય (સંસાર) ના અભાવનો વિચાર કરી,તેનો (કાર્ય નો) ત્યાગ કરી,
--કારણ-પણું (બ્રહ્મ-પણું) પ્રાપ્ત કરવું,ને સર્વ ના મૂળ કારણ (બ્રહ્મ) સ્વ-રૂપ થવું. (૧૩૫)


માટી અને ઘડા નો જ વારંવાર દાખલો લઇ,તેમાં કારણ-માટી સાચી છે? કે  કાર્ય-ઘડો સાચો છે?
તે ફરી ફરી તપાસી ને પછી,
--આ “સંસાર રૂપ”--“કાર્ય” નું જે મૂળ “કારણ”—“બ્રહ્મ”  છે, અને,
--જે વસ્તુ (બ્રહ્મ) વાણી નો વિષય નથી,તે શુદ્ધ બ્રહ્મ-રૂપ વસ્તુ નું જ દર્શન કરવું.  (૧૩૬)


આ જ પ્રકારે બ્રહ્માકાર વૃત્તિ થઇ શકે છે,અને તે પછી જેઓ ના ચિત્ત શુદ્ધ થયાં હોય છે,
--તેવા પુરુષો ની એ વૃત્તિ “જ્ઞાન” ને પ્રગટ કરે છે.  (૧૩૭)


“જો કારણ (બ્રહ્મ) ન હોય તો કાર્ય (સંસાર) ન જ હોય” આવા “વ્યતિરેક” થી,
સહુ પ્રથમ મનુષ્યે બ્રહ્મ-રૂપ કારણ ની તપાસ કરવી,
--અને પછી,”જો કારણ (બ્રહ્મ) હોય તો જ કાર્ય (સંસાર) હોય, આવા “અન્વય” થી,
આ સંસાર-રૂપ “કાર્ય” માં નિત્ય તે બ્રહ્મ-રૂપ “કારણ” નું જ દર્શન કરવું.  (૧૩૮)


મનનશીલ મનુષ્યે પ્રથમ તો કાર્ય(સંસાર) માં જ કારણ (બ્રહ્મ) ને જોવું,ને પછી કાર્ય નો ત્યાગ કરવો,
--અને એમ નિત્ય ના બ્રહ્મ ના ધ્યાન થી કારણ-રૂપ બ્રહ્મ નું દર્શન થાય છે,અને
--પછી કારણ (બ્રહ્મ) માં રહેલું કારણ-પણું (બ્રહ્મ-પણું) પણ નાશ પામે છે,
--અને પોતે શુદ્ધ બ્રહ્મ-રૂપે બાકી રહે છે.   (૧૩૯)


જેમ ભમરી એ કીડા ને ડંસ મારી,પકડી લાવી ને પોતાના દર માં પૂરે છે,ત્યારે દરમાં પુરેલ કીડો,
“હમણાં ભમરી આવી ને મને ડંશ મારશે” એવા સતત ભય ને લીધે,સતત ભમરી નું જ ધ્યાન કરતાં કરતાં,છેવટે પોતે પણ ભમરી જ બની જાય છે,
--તેમ,જો મનુષ્ય તીવ્ર શક્તિ થી,નિશ્ચયપૂર્વક,જે વસ્તુ (બ્રહ્મ) ની ભાવના કરે છે,
--જે (બ્રહ્મ) નું ધ્યાન કર્યા કરે છે,તે તે જ વસ્તુ (બ્રહ્મ) સ્વ-રૂપે જલ્દી બની જાય છે.એમ સમજવું.(૧૪૦)


આ સર્વ જગત ભલે દૃશ્ય જણાય છે,પણ ખરી રીતે,અદૃશ્ય-ચૈતન્ય-રૂપ છે,ભાવ-રૂપ અને આત્મસ્વરૂપ છે,
--આમ,નિત્ય સાવધાન-પણે,વિદ્વાન મનુષ્યે,સર્વ સ્વ-રૂપે,પોતાના આત્મા ની જ ભાવના કરવી,
--અને સર્વ પદાર્થો ને કેવળ આત્મા-રૂપે જ ચિંતવવા (૧૪૧)


વિદ્વાન (જ્ઞાની) પુરુષે,”દૃશ્ય”  જગત ને “અ-દૃશ્ય”  કરી.તેને બ્રહ્માકારે ચિંતવવું,
--અને તે ચૈતન્યરસ વડે,પૂર્ણ બુદ્ધિ થી નિત્ય-સુખ માં રહેવું.  (૧૪૨)


જેઓના રાગ-દ્વેષાદિ દોષો થોડે અંશે પણ ક્ષીણ થયા હોય,તેમને માટે,
--હઠયોગ-સહિત,આ પંદર અંગો વાળો “રાજ યોગ” ઉપયોગી છે.(આને જ રાજયોગ કહેવાય છે.) (૧૪૩)


જેઓનું મન પરિપક્વ થયું હોય એવા પુરુષો ને જ કેવળ આ રાજયોગ સિદ્ધ થાય છે,
--અને (વળી) ગુરૂ તથા દેવ ના ભક્ત,સર્વ મનુષ્યો ને પણ આ યોગ જલ્દી સુલભ થાય છે.  (૧૪૪)


અપરોક્ષાનુભૂતિ-સમાપ્ત.



PREVIOUS PAGE         INDEX PAGE             END     


અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-13

વિષયો ને પણ “આત્મ-સ્વ-રૂપ” સમજી ને મન ને ચેતન માં સમાવી દેવું,
--એને “પ્રત્યાહાર” જાણવો.
--મુમુક્ષુ ઓએ આ પ્રત્યાહાર નો અભ્યાસ કરવો.   (૧૨૧)


મન જ્યાં જ્યાં જાય,ત્યાં ત્યાં “બ્રહ્મ” નું દર્શન કરી,મન ને “બ્રહ્મ” માં જ સ્થિર કરવું,
--એને શ્રેષ્ઠ “ધારણા” માની છે. (૧૨૨)


કોઈ પણ વિષયો નું ચિંતન કર્યા વિના, “હું બ્રહ્મ જ છું” એવી ઉત્તમ પ્રકાર ની વૃત્તિ રહેવી,
--એ પરમ આનંદ આપનાર “ધ્યાન” કહેવાય છે.   (૧૨૩)


કોઈ પણ જાત ના વિકાર વગરની,અને બ્રહ્માકાર થયેલી વૃત્તિ થી,
--ધ્યાન કરનાર,ધ્યાન ની ક્રિયા,અને જેનું ધ્યાન કરાય છે-એ ત્રણેય ની
--“વૃત્તિ નું સ્મરણ”  ના રહે,એ “જ્ઞાન” નામની ઉત્તમ “સમાધિ”  છે.   (૧૨૪)


જ્યાં સુધી,મનુષ્ય ને પોતાની મેળે જ સ્વાભાવિક આનંદ થાય અને
--મન વગેરે ઇન્દ્રિય સમુદાય જેટલા કાળ (સમય) સુધી માં વશ થાય,
--ત્યાં સુધી ઉપર જણાવેલાં નિદિધ્યાસન ના ૧૫ અંગોનો સારી રીતે અભ્યાસ કરવો. (૧૨૫)


તે પછી એ સાધનો છોડી દઈ સિદ્ધ થયેલો પુરુષ યોગીરાજ બને છે,
--એવા યોગીનું સ્વ-રૂપ,બ્રહ્મ-રૂપ જ થયું હોવાથી,વાણી થી તેનું વર્ણન થઇ શકતું નથી,
--અને એકલા મન થી તેનો વિચાર પણ થઇ શકતો નથી.  (૧૨૬)


જયારે સમાધિ કરવામાં આવે છે ત્યારે,ઘણીવાર,બળ-પૂર્વક વિઘ્નો આવે જ છે,
--જેવા કે-બ્રહ્મ નો વિચાર સ્થિર ના રહે,આળસ થાય,ભોગો ની ઈચ્છા થાય,ઊંઘ આવે,
શું કરવું અને શું નાં કરવું તેની સમજણ ના પડે,મન બીજા પદાર્થો માં જાય,અને જે પદાર્થ (વિષય) માં
જાય તેના રસ નો સ્વાદ જણાય,અને મન જડ જેવું બની જાય.
--આવાં અનેક વિઘ્નો આવે પણ બ્રહ્મ-જ્ઞાનીએ ધીમે ધીમે તેઓ ને દૂર કરવાં. (૧૨૭-૧૨૮)


“આત્મા-રૂપ વસ્તુ છે” એવી મન ની ભાવ-રૂપ વૃત્તિ થી “આત્મા નું અસ્તિત્વ” જણાય છે,
--“આત્મા-રૂપ વસ્તુ છે જ નહિ” એવી શૂન્ય-વૃત્તિ થી “આત્મા ની શૂન્યતા” ભાસે છે,અને,
--“આત્મા-રૂપ એક જ વસ્તુ પૂર્ણ છે” આવી મન ની પૂર્ણ વૃત્તિ થી “પૂર્ણતા” પ્રાપ્ત કરાય છે,
--માટે તેવી પૂર્ણતા નો અભ્યાસ કરવો.  (૧૨૯)


“બ્રહ્મ” નામની આ સર્વોત્કૃષ્ટ પવિત્ર વૃત્તિ ને જે મનુષ્યો ત્યજે છે,
--તે મનુષ્યો,પશુઓ જેવા હોઈ,વ્યર્થ જીવે છે.  (૧૩૦)

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-12

બ્રહ્મા વગેરે સર્વ પ્રાણીઓ ને જે અખંડ,અદ્વૈત,આનંદ-“પરમાત્મા-આત્મા” પ્રેરે છે,દોરે છે,જાણે છે,
--તે જ “નિમેષ” (આંખ ના પલકારા) થી “કાલ-શબ્દ” (બ્રહ્મા અને સર્વ ભૂતો ના આયુષ્ય ની ગણના)
--સુધી નો “કાલ” કહેવાય છે. (૧૧૧)


જ્યાં નિરંતર સુખ થી બ્રહ્મ નું ચિંતન થઇ શકે ત્યાં બેસવું, એ જ “આસન” સમજવું,
--બીજું કે જે બ્રહ્મ-ચિંતન ના સુખ નો નાશ કરનાર છે તે આસન તે આસન નથી. (૧૧૨)


જે (બ્રહ્મ) સર્વ જગતની પહેલાં સિદ્ધ જ છે,જે જગત નો આધાર છે,
--જે અવિનાશી અને નિર્વિકાર છે,અને જેમાં સિદ્ધ પુરુષો સમાઈ ગયા છે,
--એ “બ્રહ્મ” ને જ સિદ્ધાસન કહે છે. (૧૧૩)


જે (બ્રહ્મ) સર્વ પદાર્થો નું મૂળ છે,અને જેને લીધે ચિત્ત ને વશ કરી શકાય છે,
--એ “બ્રહ્મ” જ “મૂલબંધ” છે. એનું સદા સેવન કરવું,
--એ (બ્રહ્મ) જ રાજયોગી-બ્રહ્મજ્ઞાનીઓનો  “યોગ” છે.   (૧૧૪)
(નોંધ-યોગશાસ્ત્ર માં “મળદ્વાર” ના સંકોચ નું નામ “મૂલબંધ” છે,પણ અહીં “બ્રહ્મ”ને “મૂલબંધ” કહ્યું છે)


દેહનાં અંગો ની “બ્રહ્મ” માં “એકતા” સાધવી,અને સર્વ-સ્વ-રૂપ-બ્રહ્મ માં તે (દેહ ના અંગો) લીન થઇ જાય,
--તેનું જ નામ “દેહ ની સમતા” છે.
--એ સિવાય અંગો નું સીધાપણું (એકસરખાપણું) ગણાય જ નહિ,એવું તો સુકું ઝાડ પણ હોય. (૧૧૫)


નાક ની અણી ઉપર આંખ ને સ્થિર કરી જોયા કરવું,એ દૃષ્ટિ ની સ્થિરતા નથી,પણ,
--દૃષ્ટિ ને જ્ઞાનમય બનાવી,જગત ને “બ્રહ્મ-રૂપ” જોવું,એ જ ઉદાર દૃષ્ટિ છે,
--એ જ “દૃષ્ટિ ની સ્થિરતા” છે.    (૧૧૬)


જેમાં “જોનાર”,”જોવાની ક્રિયા” અને “જોવા યોગ્ય વસ્તુ” –એવા કોઈ ભેદ જ નથી,
--એ “બ્રહ્મ” માં જ સદા દૃષ્ટિ ની સ્થિરતા રાખવી,તેનું નામ જ “દૃષ્ટિ ની સ્થિરતા” છે.
--નાક ની અણી પર જોઈ રાખવું તે સ્થિર દૃષ્ટિ નથી.  (૧૧૭)


ચિત્ત વગરે બધામાં જ “બ્રહ્મ-પણા” ની જ ભાવના (વિચાર) કરવાથી,
--મન ની દરેક વૃત્તિઓ વિષયો તરફ જતી અટકે છે,
--અને એ જ “પ્રાણાયામ” કહેવાય છે.     (૧૧૮)


“જગત ને મિથ્યા સમજવું” એ “રેચક” નામનો પ્રાણાયામ છે, અને
--“હું બ્રહ્મ જ છું” એવી જે “વૃત્તિ”  તે “પૂરક” નામનો પ્રાણાયામ છે.  (૧૧૯)


પછી એ “વૃત્તિ ની સ્થિરતા” થવી તે “કુંભક” પ્રાણાયામ છે.
--આ જ જ્ઞાનીઓ ના પ્રાણાયામ છે,
--નાક દબાવી ને કરાતો પ્રાણાયામ તો અજ્ઞાનીઓ નો છે.  (૧૨૦)

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-11

હંમેશાં (સતત) અભ્યાસ કર્યા વિના સત્-ચિત્-સ્વ-રૂપ “આત્મા” (બ્રહ્મ)ની પ્રાપ્તિ થતી નથી, તેથી,
--બ્રહ્મ જાણવા ઇચ્છનારે મોક્ષ માટે લાંબા સમય સુધી નિદિધ્યાસન (આત્મ-ચિંતન) કરવું. (૧૦૧)


(૧) યમ  (૨) નિયમ  (૩) ત્યાગ  (૪) મૌન  (૫) દેશ 
(૬) કાલ  (૭) આસન (૮) મૂલબંધ (૯) દેહની સમતા  (૧૦) દૃષ્ટિની સ્થિરતા 
(૧૧) પ્રાણનો નિરોધ-પ્રાણાયામ  (૧૨) પ્રત્યાહાર  (૧૩)  ધારણા  (૧૪) ધ્યાન  (૧૫) સમાધિ
--આ પંદર અનુક્રમે નિદિધ્યાસન ના અંગો છે.   (૧૦૨-૧૦૩)


“બધું બ્રહ્મ છે” આવી સમજણથી દરેક ઇન્દ્રિય ને કાબુમાં રાખવી,
--એને “યમ” કહ્યો છે.
--મનુષ્યે આનો વારંવાર અભ્યાસ કરવો.  (૧૦૪)


“હું નિઃસંગ,નિરાકાર આત્મા છું” આવા સજાતીય (આત્મા-પરમાત્મા) વિચારો હંમેશાં કરવા,અને
--“હું દેહ છું,આ મારું છે” આવી જાતના માયા-મમતા ના વિજાતીય વિચારો દૂર કરવા,
--એ જ “નિયમ” છે.
--જ્ઞાની મનુષ્યો આ “નિયમ” નું પાલન કરે છે કે જેથી પરમ આનંદ મળે છે (૧૦૫)


ચેતન-સ્વ-રૂપ “આત્મા” નું ધ્યાન કરવાથી આ “જગત” નું સ્વરૂપ ત્યજાય છે,
--એને જ “ત્યાગ” કહે છે.
--આવો ત્યાગ જ મહાપુરુષો ને માન્ય છે,કે જે તુરત જ મોક્ષમય બને છે. (૧૦૬)


મન અને વાણી કે જે “બ્રહ્મ” ને વિષય નહિ કરીને, જેનાથી (જે વડે) પછી ફરે છે,
--તે જ “બ્રહ્મ-રૂપ”  “મૌન”  છે.
--જે મૌન (બ્રહ્મ) યોગીઓ વડે પ્રાપ્ત કરવા યોગ્ય છે,વિવેકી પુરુષે સદા તેનું સેવન કરવું. (૧૦૭)


વાણી કે જે બ્રહ્મને પહોંચી (વર્ણવી) શકતી નથી ,તેથી તે પાછી ફરે છે.
(બ્રહ્મ ને કોણ વર્ણવી શકે?કદાચ સંસાર ને વર્ણવી શકાય,પણ તે બ્રહ્મ તો શબ્દ-રહિત છે.)
--તે “બ્રહ્મ” વિષે શબ્દોથી (વાણીથી) કંઈ કહી શકાય તેમ નથી
--(આથી વાણીએ ચુપ (મૌન) જ રહેવું જોઈએ) (૧૦૮)


આ રીતે,મન અને વાણી –એ બંને ની શાંત સ્થિતિ, એ જ “મૌન”  છે.
--આ મૌન બ્રહ્મ-જ્ઞાનીઓ માટે તો સ્વાભાવિક કહેવાય છે,અને તેથીજ
--અજ્ઞાનીઓ માટે જ તેમણે આ “મૌન” માટે કહ્યું છે. (૧૦૯)


જેમાં આદિ,મધ્ય કે અંતે કોઈ લોક છે જ નહિ,અને જેના વડે આ બધું નિરંતર વ્યાપ્ત છે,
--એ જ (આત્મા-પરમાત્મા-રૂપ) નિર્જન “દેશ”  કહ્યો છે.  (૧૧૦) 

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-10

જેમ જાગ્યા પછી સ્વપ્ન રહેતું નથી,તેમ આત્મા નું જ્ઞાન થયા પછી,પ્રારબ્ધ-કર્મ રહેતું જ નથી,
--કારણકે દેહ-વગેરે તો મિથ્યા જ છે,તો પછી દેહે કરેલાં કર્મ સત્ય કેમ હોઈ શકે? (૯૧)


બીજા (આગળના) જન્મ માં કરેલું કર્મ “પ્રારબ્ધ” કહેવાય છે,પણ ખરી રીતે,
--“આત્મા” ને “બીજો જન્મ” એવું કાંઇ છે જ નહિ,તો “પ્રારબ્ધ-કર્મ” છે જ નહિ. (૯૨)


જેમ સ્વપ્ન નું શરીર મિથ્યા છે,તેમ આ જાગ્રત નું શરીર પણ મિથ્યા જ છે,માત્ર ભ્રમ થી જ દેખાય છે,
--એવા કલ્પિત શરીર નો વળી જન્મ ક્યાંથી?
--અને જો જન્મ જ નથી તો પછી “પ્રારબ્ધ-કર્મ” ક્યાંથી?  (૯૩)


જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી છે,તેમ જગતનું ઉપાદાન કારણ “અજ્ઞાન” છે,એમ વેદાંતો કહે છે,
--તો આત્મા ના જ્ઞાનથી તે અજ્ઞાન નાશ પામે,ત્યારે,જગત બાકી રહે જ ક્યાં?  (૯૪)


જેમ,ભ્રમ ના કારણે,મનુષ્ય દોરડાને દોરડું સમજ્યા  વિના સર્પ જ સમજે છે,
--તેમ મૂઢબુદ્ધિ-અજ્ઞાની,સત્ય વસ્તુ “બ્રહ્મ” સમજ્યા વિના જગત ને જુએ છે. (૯૫)


જેમ દોરડા નું જ્ઞાન થાય છે,ત્યારે સાપ નો ભ્રમ રહેતો નથી,
--તેમ, બ્રહ્મનું જ્ઞાન થયા પછી,જગત શૂન્ય-પણું પામે છે-જગત રહેતું જ નથી  (૯૬)


--છતાં વેદ-શાસ્ત્ર જે પ્રારબ્ધ-કર્મ કહે છે તે,અજ્ઞાનીઓ ને સમજાવવા માટે જ છે. (૯૭)


વેદમાં સ્પષ્ટ કહ્યું છે કે-“પર-બ્રહ્મ નો સાક્ષાત્કાર થયા પછી જ્ઞાની ના કર્મો નાશ પામે છે”
--આ વાત પ્રારબ્ધ-કર્મ નો પણ નિષેધ કરે છે,અને નિષેધ કરવા માટે જ વેદમાં કહી છે. (૯૮)


અજ્ઞાનીઓ હઠથી પ્રારબ્ધ કર્મ ને સાચું કહે છે,પણ તેથી બે જાતના વાંધા આવે છે,
--એક તો “આત્મા સિવાય બીજી ઓઈ વસ્તુ છે જ નહિ” એ વેદાંત મત ખોટો ઠરે છે,અને
--“આત્મજ્ઞાન થી બધા પ્રપંચો નો નાશ થાય છે” એ પણ જુઠું ઠરે છે.
--આમ વેદાંત ના મત ને હાનિ પહોંચે છે,માટે પ્રારબ્ધ કર્મ મિથ્યા જ છે,સાચું નથી.(૯૯)


હવે પહેલાં (આગળ) કહેલો મોક્ષ મેળવવા માટે ના “પંદર અંગો” કહું છું,
--મુમુક્ષુએ હંમેશાં એ સર્વ પંદર અંગો થી નિદિધ્યાસન (આત્મ-ચિંતન) જ કરવું  (૧૦૦)

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-9

જેમ દુરબીન ના કાચ થી વસ્તુઓ ના નાનાપણા માં મોટાઈ દેખાય છે,(નાની વસ્તુ મોટી દેખાય છે)
-તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે. (૮૧)


જેમ ભ્રમથી કાચની જમીન માં પાણી અને પાણી વાળી દેખાતી જમીનમાં ક્યારેક કાચ દેખાય છે,
---તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે. (૮૨)


જેમ ક્યારેક અંધારામાં પડેલા અંગારામાં મણિ-પણું અને મણિમાં અંગારા-પણું,મનુષ્ય જુએ છે,
--તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે. (૮૩)


જેમ વાદળાં દોડતાં હોય ત્યારે ચંદ્ર દોડતો જાણાય છે,
--તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે. (૮૪)


જેમ કોઈને ભ્રમણાથી દિશામાં ફેરફાર જણાય છે,
--તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે. (૮૫)


જેમ અસ્થિર પાણીમાં કોઈ મનુષ્ય ને ચંદ્ર હાલતો જણાય છે,
--તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે.  (૮૬)


આ રીતે અજ્ઞાનથી જ આત્મા માં દેહનો ભ્રમ થાય છે,પણ એ જ આત્મા બરોબર જાણવામાં આવે ત્યારે,
--તે પરમાત્મામાં માં લીન થઇ એક-સ્વ-રૂપ બને છે. (૮૭)


સ્થાવર-જંગમ સર્વ જગત આત્મા જ છે,એમ સમજાય તો તે સર્વ પદાર્થો ના જ હોવાથી,
--દેહો નું પણ આત્મા-પણું ક્યાંથી રહ્યું?  (૮૮)


હે,મહાબુદ્ધિમાન,તુ હંમેશાં આત્મા ને જાણતો જ સમય વિતાવ, અને સર્વ પ્રારબ્ધ-કર્મ ભોગવતો તુ,
--તે પ્રારબ્ધ-કર્મ નું “દુઃખ” ભોગવે છે તેમ માનવું પણ યોગ્ય નથી.  (૮૯)


“આત્મ-જ્ઞાન થયા પછી પણ પ્રારબ્ધ-કર્મ છોડતું નથી” એમ જે શાસ્ત્ર માં સંભળાય છે,
--તેનું હવે ખંડન કરવામાં આવે છે.  (૯૦)

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-8

જેમ માટી એ જ ઘડા-રૂપે મનાઈ છે, અને સૂતરના તાંતણા જ કપડા-રૂપે મનાયા છે,
--તેમ અજ્ઞાની એ (અજ્ઞાનથી) આત્માને દેહરૂપે માન્યો છે. (૭૧)


જેમ સોનું કુંડળ-રૂપે અને પાણી મોજા-રૂપે મનાયું છે,
--તેમ અજ્ઞાની એ (અજ્ઞાનથી) આત્માને દેહરૂપે માન્યો છે. (૭૨)


જેમ ભ્રમથી ઝાડનું ઠુંઠું માણસ(કે ચોર)-રૂપે અને ઝાંઝવાં (મૃગ-જળ) પાણી-રૂપે મનાય છે,
--તેમ અજ્ઞાની એ (અજ્ઞાનથી) આત્માને દેહરૂપે માન્યો છે. (૭૩)


જેમ લાકડાં વગેરે ને ઘર-રૂપે,અને લોઢું,તલવાર-રૂપે મનાય છે,
--તેમ અજ્ઞાની એ (અજ્ઞાનથી) આત્માને દેહરૂપે માન્યો છે. (૭૪)


જેમ પાણીમાં પડછાયા-રૂપે દેખાતું ઝાડ,ઉંધુ હોય તેમ લાગે છે,
--તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે. (૭૫)


જેમ વાહનમાં જતા મનુષ્ય ને બધું ચાલતું હોય તેમ દેખાય છે,
-તેમ અજ્ઞાન ના લીધે,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે.  (૭૬)


જેમ કોઈને કમળો (આંખ નો રોગ) થયો હોય તો તેને ધોળામાં પણ પીળાશ દેખાય છે,
-તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે. (૭૭)


જેમ ફૂદડી ફર્યા પછી આંખો ભમતી હોય,તેથી બધું ફરતું દેખાય છે,
-તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે. (૭૮)


જેમ ઉંબાડિયું ભમવાથી જ સૂર્ય જેવું ગોળ દેખાય છે,
-તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે. (૭૯)


જેમ, મોટી વસ્તુઓ ને બહુ દૂરથી જોવામાં આવે તો તે નાની લાગે છે,
-તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે.  (૮૦)

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE