Showing posts with label ઉદ્ધવ ગીતા. Show all posts
Showing posts with label ઉદ્ધવ ગીતા. Show all posts

Nov 4, 2013

ઉદ્ધવ ગીતા-7


છેવટે ઉદ્ધવ શ્રીકૃષ્ણ ને પૂછે છે કે-
આપે યોગમાર્ગ,ભક્તિમાર્ગ,જ્ઞાનમાર્ગ વગેરે નો ઉપદેશ આપ્યો પરંતુ જે પોતાના મન ને વશ કરી શકે તેને જ આ યોગમાર્ગ સિદ્ધ થાય છે.અને આ માંકડા જેવા મનને વશ કરવું દુષ્કર છે.માટે જે મનુષ્યો મન ને વશ
ના કરી શકે તે સિદ્ધિ ને સહેલાઈ થી કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે બતાવો.

ત્યારે શ્રીકૃષ્ણ કહે છે કે-અર્જુને પણ મને આ જ પ્રશ્ન કરેલો.મન ને વશ કરવું કપરું છે પણ-અભ્યાસ અને વૈરાગ્ય થી તે વશ થઇ શકે છે.પરંતુ એ બધી ખટપટ માં ના પડવું હોય તો-
મને (ઈશ્વરને) પ્રાપ્ત કરવાનો સહેલો માર્ગ મારી (ઈશ્વરની) અવ્યભિચારી (અનન્ય) ભક્તિ નો છે.
અને ભક્તિવાળો પુરુષ અનાયાસે જ્ઞાનવાળો,બુદ્ધિવાળો,વિવેકવાળો અને ચતુર બને છે.
અને અંતે મને (ઈશ્વરને) પ્રાપ્ત કરે છે.

ભક્તિ સ્વતંત્ર છે,તેને કોઈ અવલંબનની કે ક્રિયાકાંડ ની જરૂર પડતી નથી.તેને આધીન સર્વ છે.
જ્ઞાની હોય તેને પણ ઉપાસના માર્ગ ની જરૂર છે.અને કર્મયોગી ને પણ ઉપાસના માર્ગ ની જરૂર પડે છે.
જ્ઞાનયોગ અને કર્મયોગ માં આ ભક્તિયોગ મળે તો જ તે મુક્તિદાયક બને છે.અન્યથા નહિ.

જે મનુષ્ય સર્વ કર્મો ત્યજી ને મને (ઈશ્વરને) પોતાનો આત્મા અર્પણ કરી દે છે,ત્યારે તેને સર્વોત્કૃષ્ટ બનાવવાની મને ઈચ્છા થાય છે.તે પછી  તેઓ મારી પોતાની સાથે એક થવાને યોગ્ય બને છે.અને
અંતે મોક્ષપણા ને પામે છે.

ઉદ્ધવ ,તું પારકી પંચાત કરીશ નહિ કે જગત ને સુધારવાની પંચાત કરીશ નહિ,જગતને કોઈ સુધારી
શક્યું નથી,તું તારી જાત ને સુધારજે. જગતને પ્રસન્ન કરવું બહુ કઠણ છે,પરમાત્મા ને પ્રસન્ન કરવા તેટલા કઠણ નથી.તારું ધન તું ગમે તેને આપજે પણ તારું મન મને (ઈશ્વરને) આપજે. ઈશ્વર જે રીતે મન ને સાચવશે તેવું બીજું કોઈ સાચવી શકશે નહિ. માટે તું સર્વવ્યાપક નારાયણ ને શરણે જા.

ઉદ્ધવ મેં તને સર્વ બ્રહ્મજ્ઞાન કહ્યું છે,આ બ્રહ્મજ્ઞાન નું દાન જે બીજા ને કરે છે,તેને હું પોતે મારું (ઈશ્વરનું)
સ્વ-રૂપ અર્પણ કરું છું.બોલ,હવે તરે બીજું કંઈ સાંભળવું છે?તારો શોક-મોહ દૂર થયો?

ત્યારે ઉદ્ધવ સાષ્ટાંગ પ્રણામ કરી ને કહે છે કે-મારે હવે વધુ કાંઇ સાંભળવું નથી પણ જે સાંભળ્યું છે તેનું મારે મનન કરવું છે.

શ્રીકૃષ્ણે ઉદ્ધવ ને આજ્ઞા કરી કે-તું અલકનંદા ને કિનારે જા,બદ્રીકાશ્રમ જા.
અને ત્યાં ઇન્દ્રિયો નો સંયમ કરી,એકાગ્ર બુદ્ધિ કરી,મેં આપેલા બ્રહ્મજ્ઞાન નું ચિંતન કર.અને
મારામાં (ઈશ્વરમાં) ચિત્ત ને સ્થાપજે એટલે તું મને પામીશ.
બદ્રીકાશ્રમ યોગભૂમિ છે.ત્યાં પરમાત્મા સાથે યોગ જલ્દી સિદ્ધ થાય છે.

ઉદ્ધવે ફરીથી પ્રાથના કરી કે –તમે મારી સાથે આવો.

ત્યારે ભગવાન કહે છે કે-આ શરીર થી હું તારી સાથે આવી શકીશ નહિ,પણ,ચૈતન્ય-રૂપે,ક્ષેત્રજ્ઞ-રૂપે હું
તારી સાથે જ છું.(તારા આત્મામાં જ છું) હું તારો સાક્ષી છું.માટે તું ચિંતા ના કર.
તું મારું બહુ પ્રેમથી સ્મરણ કરીશ,ધ્યાન કરીશ તે જ સમયે હું તારી સમક્ષ પ્રગટ થઈશ.
બાકી આ માર્ગ એકલા નો જ છે. કોઈ સાથે આવી શકતું નથી.
For reading OR Downloding this Book As PDF-Click the link at bottom.


 1
 2
 3
4
5
  6
  7
End

ઉદ્ધવ ગીતા-6


તે પછી ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું અને ચારેય આશ્રમો ના ધર્મો સમજાવ્યા.
ઉદ્ધવજી પ્રશ્નો પૂછે છે અને શ્રીકૃષ્ણ જવાબ આપે છે.
શમ એટલે શું ? બુદ્ધિ ને પરમાત્મા માં સ્થાપવી તે શમ છે.
દમ એટલે શું? ઇન્દ્રિયો ને વશ કરવી તે દમ છે.
દાન કોને કહેવાય ? કોઈ પણ પ્રાણી નો દ્રોહ ના કરવો તે શ્રેષ્ઠ દાન છે.
આ જગતમાં જે કાંઇ દેખાય છે તે પરમાત્મા ના આધારે છે,તેવો ભાવ રાખી કોઈની સાથે દ્રોહ ના કરવો.જગતના કોઈ જીવ ને હલકો ગણવો નહિ કે તેની પ્રત્યે કુભાવ રાખવો નહિ.પ્રત્યેક ને સદભાવ અને સમભાવ થી જોવા તે મોટામાં મોટું દાન છે.
તપ કોને કહેવાય? સર્વ કામનાઓનો ત્યાગ એ તપ છે.
શૌર્ય કોને કહેવાય? વાસનાને જીતવી તે શૌર્ય છે.સ્વભાવ પર વિજય મેળવવો તે શૌર્ય છે.
સત્ય કોને કહેવાય? બ્રહ્મ નો વિચાર કરવો તે સત્ય છે.
સાચું ધન કયું? ધર્મ (સ્વ-ધર્મ) એ જ મનુષ્ય નું ઉત્તમ ધન છે.
લાભ કયો? પરમાત્મા ની ભક્તિ મળવી તે ઉત્તમ લાભ છે.
પંડિત કોણ? બંધન અને મોક્ષ નું તત્વ જાણે તે પંડિત.જ્ઞાન પ્રમાણે ક્રિયા કરે તે સાચો જ્ઞાની-પંડિત.
મૂર્ખ કોણ? શરીર ને જે આત્મા માને છે તે મૂર્ખ છે.ઇન્દ્રિય સુખ માં ફસાયેલો તે અજ્ઞાની મૂર્ખ છે.
ધનવાન કોણ? ગુણો થી સંપન્ન અને સંતોષી -તે ધનવાન.
દરિદ્ર કોણ? જે અસંતોષી છે –તે ગરીબ છે. જે મળ્યું છે તે જેને ઓછું લાગે છે ગરીબ છે.
જીવ કોણ? માયા ને આધીન થયો છે તે જીવ.સંસાર ના વિષયોમાં ફસાયેલો અને ઇન્દ્રિયો નો ગુલામ છે તે.
વીર કોણ? અંદર ના શત્રુઓ (વિષયો) ને મારે તે વીર.
સ્વર્ગ શું અને નર્ક શું?  અભિમાન મારે અને સત્વગુણ વધે,પરોપકાર ની ઈચ્છા થાય,તો સમજવું કે –
તે સ્વર્ગ માં છે.આળસ,નિંદ્રા ને ભોગ માં સમય જાય તો સમજવું કે તે નર્ક માં છે.

શ્રીકૃષ્ણ કહે છે –કે-હે ઉદ્ધવ,મનુષ્યો નું કલ્યાણ કરવાના હેતુથી મેં ત્રણ ઉપાયો (માર્ગો) કહ્યા છે.
(૧) જ્ઞાનયોગ (૨) કર્મયોગ (૩) ભક્તિયોગ
મનુષ્ય શરીર જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત કરવાનું સાધન છે.તેથી તે શ્રેષ્ઠ છે.સર્વ ફળો નું મૂળ છે.
કરોડો ઉપાયો થી પામવું અશક્ય એવું શરીર દૈવ-યોગે મળ્યું છે.
છતાં જે મનુષ્ય આ માનવ-દેહ રૂપી નૌકા પામીને પણ ભવસાગર તરવાનો પ્રયત્ન ના કરે તે
પોતે જ પોતાનો નાશ કરનારો છે.તે આત્મ-હત્યારો છે.

હે ઉદ્ધવ,આ અખિલ વિશ્વ માં હું (ઈશ્વર) સર્વવ્યાપી તરીકે રહેલો છું,એવી ભાવના કરજે અને રાખજે.
ભક્તિથી એ પ્રમાણે સર્વ ના આત્મા-રૂપ મારું દર્શન થતાં મનુષ્ય ના અહંકાર ની ગાંઠ છૂટી જાય છે.
એના સર્વ સંશયો છેદાઈ જાય છે અને સર્વ કર્મો પણ નાશ પામે છે.

તે પછી ઉદ્ધવ ને આજ્ઞા કરી છે કે-જગતમાં કોઈ વખાણ કરે તો રાજી થઇશ નહિ અને નિંદા કરે તો
નારાજ થઇશ નહિ.નિંદા ને સ્તુતિ ને સમાન ગણજે. મન ને શાંત રાખજે.
તારે પણ કોઈ ની સ્તુતિ કે નિંદા કરવી નહિ. સૂર્યનારાયણ ને આ બાબતમાં ગુરૂ કરજે.
તેઓ જાણે છે કે-સજજન કોણ છે?અને દુર્જન કોણ છે?પણ મોઢેથી કશું બોલતા નથી.
તેમ તું પણ મોઢે થી કશું બોલીશ નહિ.

પછી ઉદ્ધવ ને ભિક્ષુ-ગીતા નો ઉપદેશ કર્યો. સંસાર મનથી ઉત્પન્ન થાય છે.મન ની કલ્પના થી જ મન ને સુખ-દુઃખ થાય છે.નિંદ્રા માં જેવું મન થાય તેવું જાગૃતિ માં રહે તો –મુક્તિ છે.
ભિક્ષુ એ ગાયું-કે-
મનુષ્ય ને ધન મેળવવામાં,મેળવેલું ધન વધારવામાં,મેળવેલું ધન વાપરવામાં,ધન નું રક્ષણ કરવામાં-
વગેરેમાં પરિશ્રમ,ત્રાસ,ચિંતા વગેરે થાય છે,તેમ છતાં લોકો ધન ની પાછળ જ પડે છે,
ધન દરેક રીતે મનુષ્ય ને ત્રાસ આપે છે છતાં મનુષ્ય ને વિવેક નથી.

રાજા પુરુરવા અને ઉર્વશી ના દૃષ્ટાંત દ્વારા સ્ત્રીના સતત સંગ થી મનુષ્ય ની કેવી દશા થાય છે તે બતાવ્યું.
દુષ્ટો ની સંગતિ થી માણસ ની અધોગતિ અને સત્સંગ થી માણસ ની ઉર્ધ્વગતિ થાય છે-તે બતાવ્યું.

ઐલગીતામાં આ દેહ કોનો છે?વગેરે ચર્ચા કરી. આ દેહ માંસ,હાડકાં થી ભરેલો અને દુર્ગંધ યુક્ત છે.
આવા દેહ ના સુખમાં રચ્યો પચ્યો રહેતો મનુષ્ય કીડા કરતાં પણ હલકો છે.


 1
 2
 3
4
5
  6
  7
 Next

ઉદ્ધવ ગીતા-5

સ્કંધ-૧૧ -૧૦
ઉદ્ધવ ને સત્સંગ નો મહિમા બતાવતાં શ્રીકૃષ્ણ કહે છે કે-
જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્યમાં આગળ વધેલા હોય એવા મહાપુરુષ નો સત્સંગ કર.સંતો ના સત્સંગ થી મનુષ્ય અને પ્રાણીઓ ના જીવન પણ સુધરે છે.
વૈષ્ણવ ના ઘરનો પોપટ,પ્રભુનું નામ બોલે છે અને કસાઈ ના ઘરનો પોપટ ગાળો બોલે છે.કુસંગ થી મનુષ્ય બગડે છે.મનુષ્ય સમાજ માં રહી મનુષ્ય થવું સહેલું છે,પણ બ્રહ્મ-જ્ઞાની થવું કઠણ છે.

પછી સંસાર-વૃક્ષ નું વર્ણન કર્યું છે.
સંસારવૃક્ષ ના બે બીજ છે.પુણ્ય અને પાપ.અગણિત વાસનાઓ તેનાં મૂળિયાં છે.
ત્રણ ગુણો સત્વ,રજસ અને તમસ તેનાં થડ છે.ઇન્દ્રિયો અને મન તેની ડાળીઓ છે.વિષયોરૂપી રસ છે.
સુખ-દુઃખ તેનાં બે ફળ છે.
વિષયોમાં ફસાયેલો રહેલો ભોગી  છે તે દુઃખ ભોગવે છે,વિવેકી યોગી પરમહંસો સુખ ભોગવે છે.

ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે-મનુષ્યો જાણે છે કે-વિષયો દુઃખ-રૂપ છે,તેમ છતાં તેઓ વિષયો કેમ ભોગવે છે?
વિષયો મનમાં જાય છે કે મન વિષયોમાં જાય છે ?

શ્રીકૃષ્ણ કહે છે કે-આ “રજોગુણી મન” મનુષ્યો ને વિષયોમાં ફસાવે છે.
પ્રથમ મન વિષયોમાં જાય છે,તે વિષયો નો આકાર મન ધારણ કરે છે.ને વિષયો મન માં વિરાજે છે.
એટલે કે મન તે વિષયાકર થાય છે, જે જીવ ને દુઃખ આપે છે,જીવ ને બાંધે છે.
બહાર નો  સંસાર દુઃખ આપતો નથી.પણ મન માં રહેલો સંસાર દુઃખ આપે છે.
સંસાર છોડીને ક્યાં જવાનું? સંસાર ને છોડવાનો નથી,સંસાર ને મનમાંથી કાઢવાનો છે.

વિષયો નું ચિંતન બાધક છે,ઈશ્વર નું સ્મરણ ના થાય તો વાંધો નહિ પણ વિષયો નું ચિંતન કરીશ નહિ.
મન ને વિષયો માં જતું અટકાવી,વશ કરી ઈશ્વરમાં સ્થાપી ને એકાગ્ર કરવું તે જ યોગ છે.
ઉદ્ધવ,કલ્યાણ નાં અનેક સાધનો છે,
કર્મ,યશ,સત્ય,દમ,શમ,ઐશ્વર્ય.યજ્ઞ,તપ,સાન,વ્રત,નિયમ,યમ,વગેરે.પણ સર્વ થી શ્રેષ્ઠ છે,ભક્તિ.
યોગ,સાંખ્ય,વિજ્ઞાન (જ્ઞાન-વિજ્ઞાન)ધર્મ,વેદાધ્યયન,તપ,ત્યાગ એ ઈશ્વર ને પ્રાપ્ત કરવા માટે એટલા
સમર્થ નથી જેટલી અનન્ય પ્રેમ-મયી ભક્તિ છે.(૧૧-૧૪-૨૦)
આમ ભક્તિ યોગ ની મહત્તા બતાવી.તે પછી ધ્યાનયોગ ની મહત્તા બતાવી.

ઉદ્ધવ,ચિત્ત ને કોઈ ધારણા કરી કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરવું અને સતત તેને તે જગ્યાએ લાંબા સમય
સુધી ત્યાં ટકાવી રાખવું તેને ધ્યાન કહે છે.ધ્યાન કરતાં કરતાં ધ્યાન કરનાર (ધ્યાતા) ધ્યેય (ઈશ્વર) માં મળી જાય છે.ઈશ્વરમાં તન્મય થયેલા ને શરીર નું ભાન રહેતું નથી.
પરમાત્મા નું ધ્યાન કરતા જેને તન્મયતા થઇ છે તેનામાં પરમાત્મા ની શક્તિ આવે છે.

ભક્તિ થી સિદ્ધિઓ મળે છે,પણ તે સિદ્ધિઓથી દૂર રહેવું.સિદ્ધી નો ઉપયોગ કરવાથી પ્રસિદ્ધિ મળે છે.
તે પછી સાધન બરાબર થઇ શકતું નથી.પ્રભુ ભજન માં વિક્ષેપ થાય છે.
ગૃહસ્થ ને માયા જેમ સંસાર માં ફસાવે છે તેમ સાધુ ઓ ને માયા સિદ્ધિઓમાં ફસાવે છે.
વ્યર્થ સિદ્ધિઓ ની પ્રશંસા અને ભાષણો કરાવડાવે છે,
ઉદ્ધવ,વ્યર્થ ભાષણ કરવું નહિ,તું વાણી ને તોળીતોળી ને બોલજે.સિદ્ધિઓમાં ફસાઈશ નહિ.


 1
 2
 3
4
5
  6
  7
 Next

ઉદ્ધવ ગીતા-4


(૧૮) ટીટોડા (કુરર) પક્ષી-પાસેથી-કોઈ વસ્તુ નો સંગ્રહ ના કરવાનો બોધ લીધો.
અતિ સંગ્રહ થી વિગ્રહ થાય છે. સંગ્રહ નો ત્યાગ એ સુખદાયી છે.
(૧૯) બાળક-પાસેથી-નિર્દોષતા નો બોધ લીધો.
(૨૦) કુમારી કન્યા-પાસે થી- એકાંત વાસ નો બોધ લીધો.
એક કુમારી કન્યા હતી.બહારગામથી તેનું માગું કરવા પરોણાઓ આવ્યા.ઘરમાં ચોખા નહોતા.તેથી તે ડાંગર
ખાંડવા લાગી.ખાંડતા પહેલાં તેણે તેના હાથમાં બંગડીઓ હતી તે  એક –એક બંગડી રાખી બાકીની બધી ઉતારી નાંખી.કારણ કે-જો ખાંડતી વખતે બંગડીઓ નો અવાજ થાય અને મહેમાન તે સાંભળે તો તેઓને જાણ થઇ જાય કે આ લોકો ના ઘરમાં ચોખા પણ નથી અને તેમની ગરીબી જાહેર થઇ જાય.જો હાથમાં જો એક જ બંગડી હોય તો તેનો અવાજ ક્યાંથી થાય ?તેમ વસ્તી માં રહેવાથી,કજિયા-કંકાશ થાય માટે સાધુઓએ એકાંતવાસ કરવો જોઈએ.
(૨૧) લુહાર-બાણ બનાવનાર લુહાર પાસેથી- તન્મયતા તો બોધ લીધો.
એક લુહાર બાણ બનાવતો હતો,અને તે પોતાના કાર્ય માં એટલો મગ્ન થયો હતો કે રાજાની સવારી
વાજ્તે ગાજતે પસાર થઇ ગઈ પણ તેણે કાંઇ ખબર પડી નહિ.ઈશ્વર ની આરાધના આવી તન્મયતા વગર સિદ્ધ થાય નહી.ધ્યાતા,ધ્યાન અને ધ્યેય એક બને ત્યારે જીવ કૃતાર્થ થાય છે.
(૨૨) સર્પ-પાસેથી એકલા રહેવું અને ફરતા રહેવું એવો બોધ લીધો.
(૨૩)કરોળિયા-પાસેથી –ઈશ્વર કરોળિયા ની જેમ માયા થી શ્રુષ્ટિ રચે છે અને તેનો સંહાર કરે છે તેવો બોધ લીધો. કરોળિયો પોતાના મુખમાંથી લાળ ઉત્પન્ન કરી રમત રમે છે,જાળ બનાવે છે.
અને છેલ્લે તે પોતાની લાળ ગળી જાય છે.
(૨૪) ઈયળ-પાસેથી -જો કેવળ ઈશ્વર પર જ મન એકાગ્ર કરવામાં આવે તો પોતે ઈશ્વર-રૂપ બની જાય છે તેવો બોધ લીધો.
ભમરી ઈયળ ને પકડી લાવી દરમાં પૂરે છે અને વારંવાર ઈયળ ને ડંખ મારે છે.ને દરમાં પુરી બહાર જાય  છે. ઈયળ ને ભમરી નો ડર લાગે છે કે હમણાં ભમરી ફરી આવશે અને ડંખ મારશે,આમ ઈયળ ભમરી ના ડરથી અને ભમરી નું સતત ચિંતન કરતાં કરતાં અંતે ભમરી બની જાય છે.
અહીં ઈયર મરી ને ભમરી થાય છે તેવું નથી,પણ ભમરી નું ચિંતન કરતાં તે ભમરી બની જાય છે.
તેમ જીવ પણ અનેક દુઃખો સહન કરતા ઈશ્વરનું સતત ધ્યાન રાખે તો,તે ઈશ્વર ના સ્વ-રૂપ ને પ્રાપ્ત થાય છે.મન વિષયો નું ચિંતન કરે તો તેમાં ફસાય પણ પ્રભુનું ચિંતન કરે તો મન પ્રભુમાં મળી જાય છે.

યદુરાજા,ગુરૂ દત્તાત્રેય ના ચરણો માં સાષ્ટાંગ પ્રણામ કરે છે.

તે પછી શ્રીકૃષ્ણ ઉદ્ધવ ને બંધન અને મોક્ષ નું સ્વરૂપ સમજાવે છે.
બંધન અને મોક્ષ એ મન ના ધર્મો છે.
હે ઉદ્ધવ,આ જીવ મારો જ અંશ છે,તેમ છતાં અવિદ્યાથી (અજ્ઞાનથી) તેને બંધન થાય છે.અને જ્ઞાન થી મોક્ષ.
આત્મા તો સદા મુક્ત જ છે.
આત્મ-જ્ઞાન વગરના બંધાયેલા છે અને આત્મ-જ્ઞાન વાળા તો સદા  મુક્ત છે
જે પુરુષની પ્રાણ,ઇન્દ્રિય,મન તથા બુદ્ધિ ની વૃત્તિઓ સંકલ્પ રહિત થયેલી હોય છે.તે દેહમાં રહેલો હોવાં છતાં,દેહ ના ગુણો થી મુક્ત જ છે.દેહ-સંબંધ છૂટે ત્યારે બ્રહ્મ-સંબંધ થાય છે.

તે પછી શ્રીકૃષ્ણે ઉદ્ધવને સાધુ-પુરુષો ના લક્ષણો બતાવ્યા,ભક્તિ ના લક્ષણો બતાવ્યાં.
સત્સંગ નો મહિમા વર્ણવ્યો.વૃત્રાસુર,પ્રહલાદ,બલિરાજ,વિભીષણ,સુગ્રીવ,હનુમાન,કુબ્જા,વ્રજની ગોપીઓ –
વગેરે સત્સંગ થી જ પ્રભુને પ્રાપ્ત કરી શક્યા હતા.
તેઓ વેદો જાણતા નહોતા,કે કોઈ વ્રત કે તપશ્ચર્યા કરી નહોતી પણ સત્સંગ ના પ્રતાપે પ્રભુને પામ્યા.


 1
 2
4
5
  6
  7

ઉદ્ધવ ગીતા-3


દત્તાત્રેય તેમના ગુરુઓ વિષે આગળ કહે છે.કે-
(૧૩) હાથી-પાસેથી સ્પર્શ-સુખ (વિષય) ની લાલચ થી પોતાનો કેવી રીતે નાશ થાય છે તેનો બોધ.
હાથી ને પકડનારા એક મોટો ખાડો ખોદીને તે ખાડો ડાળી-પાંદડાં વડે ઢાંકે છે ને ઉપર એક સજીવ લાગે તેવી લાકડાની હાથણી રાખે છે.હાથી આ લાકડાની હાથણી ને સાચી સમજી તેને સ્પર્શ કરવા આવે છે અને ખાડામાં પડે છે.અને પકડાઈ જાય છે.આથી જ -શાસ્ત્રોમાં સાધક-કે સંન્યાસીએ લાકડાની ની બનાવેલી સ્ત્રીની પૂતળી ને પગ થી પણ સ્પર્શ ના કરવો તેવી આજ્ઞા આપી છે.
(૧૪) પારધી-પાસેથી –જેમ પારધી મધમાખીઓનું એકઠું કરેલ મધ લઇ જાય છે-તેમ યોગી ઉદ્યમ વગર જ
ભોગ મેળવી શકે અને ધન નો સંગ્રહ ના કરતાં તેનું દાન દેવું.તેવો બોધ લીધો.
(૧૫) હરણ-પાસેથી –શ્રવણસુખ (વિષય) ની લાલચ થી પોતાનો નાશ થાય છે તેવો બોધ.
શિકારી ના સંગીત થી મોહિત થઇ હરણ તેના તરફ દોડે છે અને જાળ માં પડી બંધાઈ જાય છે.
(૧૬) માછલી –પાસેથી-રસ-સુખ (જીભ-વિષય) ની લાલચ થી પોતાનો નાશ થાય છે તેવો બોધ લીધો.
જીભ ના સ્વાદ ની લાલચે માછલી લોઢા ના આંકડામાં રાખેલ માંસ નો ટુકડો ખાવા દોડે છે ને આંકડામાં ફસાઈ ને મૃત્યુ પામે છે. આ લૂલી (જીભ) મનુષ્યો ને બેહાલ કરે છે.

ઉપર પ્રમાણે ટૂંકમાં પાંચ વિષયો ની કથા કહી છે તેમ પણ કહી શકાય.
--આંખ નો વિષય છે-રૂપ. રૂપ (અગ્નિ) ના સુખ ની ઈચ્છા થી પતંગિયા નો નાશ થાય છે.
--નાક નો વિષય છે –ગંધ, ગંધ (કમળ ની સુગંધ) ની ઈચ્છા થી ભ્રમર નો નાશ થાય છે.
--ચામડી નો વિષય છે-સ્પર્શ. સ્પર્શ ની ઈચ્છા થી હાથી નો નાશ થાય છે.
--કાન નો વિષય છે શ્રવણ. શ્રવણ ની ઈચ્છા થી હરણ નો નાશ થાય છે.
--જીભ નો વિષય છે રસ. રસ ની ઈચ્છા થી માછલી નો નાશ થાય છે.

આ પ્રમાણે ઉપરનાં પ્રાણીઓ માત્ર એક જ વિષય ને ભોગવવા જાય છે અને તેમનો નાશ થાય છે તો-
મનુષ્ય માં તો પાંચે વિષયો ભોગવવાની શક્તિ છે.અને જો તે પાંચે ય વિષયોને ભોગવે તો-
તેના શું હાલ થાય તે વિષે કાંઇક પણ કહેવાની જરૂર નથી.

દત્તાત્રેય કહે છે કે-રાજા તને વધુ શું કહું?મેં તો વેશ્યા ને પણ મારી ગુરૂ બનાવી છે.
રાજા કહે છે કે-વેશ્યા પણ તમારી ગુરૂ? તે કેવી રીતે સંભવે? તેની કથા કહો.
(૧૭) વેશ્યા-પાસે થી કામસુખમાં શાંતિ નથી અને કામસુખ ભોગવવાની ઈચ્છા તે મોટામાં મોટું દુઃખ છે તે બોધ લીધો.
પિંગલા નામે એક વેશ્યા હતી.કોઈ એક ધનવાન હજુ આવી ચડે તો મને પૈસા મળે –તેવી આશા થી તે જાગરણ કરે છે.તેવા માં તેના મન માં વિચાર આવે છે કે-કામી મનુષ્યની આશા રાખી હું જાગું છું તેના કરતાં પ્રભુ માટે હું જાગી હોત-તેમની આશા રાખી હોત  તો મને પ્રભુ મળત,મારો બેડો પાર થાત.
હવે તુચ્છ પુરુષો ને રીઝવવાનો નહિ પણ પરમાત્મા ને રીઝવવાનો પ્રયત્ન કરીશ. કાળ રૂપી સર્પ નો કોળિયો બનેલા આ જીવ નું રક્ષણ કરનાર પરમાત્મા સિવાય બીજો કોઈ સમર્થ નથી.
તે રાત્રિ એ જાર પુરુષો ની આશા ત્યજી ને તે પિંગલા શાંતિ થી સૂઈ ગઈ.
આ દુનિયા માં આશા એ પરમ દુઃખ છે અને કોઈ સુખ ની આશા  ના રાખવી (નિર-આશા) તે પરમ સુખ છે.

આ આશા ની બેડી મનુષ્ય ને કેટલી હદ સુધી જકડાવી રાખે છે તેનું વર્ણન કરતાં શંકરાચાર્ય કહે છે-કે-

શરીર ગળી ગયું છે,માથે પળિયાં આવ્યા છે,મોઢું દાંત વગરનું થઇ ગયું છે,વૃદ્ધાવસ્થા ને કારણે લાકડી લઇ ચાલવું પડે છે,તેમ છતાં ડોસો આશા નો લોચો છોડતો નથી.
આ ડોસાની  જેમ,ના કરતાં સર્વ છોડી ને શ્રી ગોવિંદ ને ભજવા લાગી જજો.(ભજ ગોવિન્દમ-સ્તોત્ર)


 1
 2
4
5
  6
  7
 Next

ઉદ્ધવ ગીતા-2


યદુરાજા ના પ્રશ્ન નો જવાબ આપતાં દત્તાત્રેય કહે છે કે-
રાજન,આનંદ બહાર નથી,આનદ કોઈ વિષયોમાં નથી,પણ આનંદ અંદર છેહું “હું” પણાને ભૂલી ગયો છું.
જગતના વિષયો માંથી દૃષ્ટિ હટાવી ને મેં દૃષ્ટિ ને અંતર્મુખ કરી છે. હું મારા સ્વ-રૂપમાં સ્થિત છું.પ્રારબ્ધ અનુસાર જે મળે તેમાં આનંદ માનુ છું.
મેં મારી દૃષ્ટિ ને ગુણમયી બનાવી છે,હું સર્વ ના ગુણ જોઉં છું.

દીક્ષા-ગુરૂ એક હોય છે પણ શિક્ષા-ગુરૂ અનેક હોઈ શકે છે.મેં એક નહિ પણ ચોવીસ ગુરૂ કરેલા છે.
આ મને જે જ્ઞાન મળ્યું છે તે મારા અનેક ગુરુઓ પાસેથી મળ્યું છે.દરેક માંથી  કોઈ ને કોઈ ઉપદેશ
મળે છે. મારા ગુરુઓ ના નામ તારે જાણવાં હોય તો સાંભળ.
(૧) ધરતી-પાસે થી -ખૂબ સહન કરવું-તેવો બોધ લીધો.
(૨) વાયુ-પાસેથી -સંતોષ અને અસંગપણા –નો બોધ લીધો.
(૩) આકાશ-પાસેથી-આકાશ ની જેમ ઈશ્વર પણ સર્વવ્યાપક છે-અને તેની જેમ આત્મા કોઈથી લેપાતો નથી
તેવો બોધ લીધો.
(૪) જળ-પાસેથી-શીતળતા અને મધુરતા નો બોધ લીધો.
(૫) અગ્નિ-પાસેથી –પવિત્રતા –નો બોધ લીધો-વિવેકરૂપી અગ્નિ જો હૈયામાં પ્રગટે તો પાપ આવવા દે નહિ.
(૬) ચંદ્ર-  પાસેથી –સમતા –નો બોધ લીધો-વૃદ્ધિ-હ્રાસ સર્વ શરીર ની અવસ્થા માં સમતા નો બોધ.
(૭) સૂર્ય- પાસેથી પરોપકાર અને નિરાભિમાની પણા –નો બોધ લીધો.
(૮) હોલા-કબૂતર-ના પ્રસંગ પરથી-કોઈ વસ્તુ-વિષય-કે વ્યક્તિમાં અતિ મમતા કે આસક્તિ રાખવી નહિ-
નો  બોધ લીધો.હોલો પત્ની-પુત્ર ની આશક્તિ ને કારણે પોતે પણ વિલાપ કરતો નાશ પામ્યો.કોઈ ના મરણ પાછળ રડનારો એક દિવસ પોતે પણ જવાનો જ છે તો તેને પોતાના માટે રડવું જોઈએ
અને ચેતી જઈ પોતે પોતાનું હિત સાધવા પ્રયત્ન કરવો.
(૯) અજગર- પાસેથી-પ્રારબ્ધ અનુસાર જે કાંઇ મળે તેમાં સંતોષ રાખવાનો-બોધ લીધો.
(૧૦) સમુદ્ર- પાસેથી –ભોગો મળે તો હરખાવું નહિ અને ના મળે તો સંતાપ કરવો નહિ-તેવો બોધ લીધો.
(૧૧) પતંગિયા-પાસેથી-જેમ તે અગ્નિ ના રૂપ (વિષય) થી મોહિત થઇ તેમાં પડે છે અને નાશ પામે છે તેમ-માયા ના “રૂપ” થી મોહિત થઇ તેમાં નહી ફસાવા નો બોધ લીધો.(માત્ર શ્રીકૃષ્ણ જ સુંદર છે)
(૧૨) ભ્રમર- (મધુકૃત) પાસેથી-સર્વ માંથી સાર ગ્રહણ કરવો પણ ભ્રમર ની જેમ એક કમળમાં (ગંધ-સુગંધ)
જ આશક્તિ રાખવી નહિ તેવો બોધ લીધો.
કમળ ની ગંધ (વિષય) થી લોભાઈ, ભ્રમર-હમણાં અહીં થી ઉડી જઈશ,થોડીવાર વધુ મજા લઇ લેવા દે.
એમ વિચાર કરતો રહે છે,અને સાંજ પડે કમળ નાં પાનાં બીડાઈ ગયા.અને ભ્રમર કમળ માં પુરાઈ જાય છે.
ભ્રમર માં લાકડું કોતરવાની શક્તિ છે પણ કમળમાં પુરાઈ ગયેલો ભ્રમર,કમળ ની આશક્તિ ને લીધે કમળ ને ખોતરી ને બહાર આવતો નથી.સવાર થશે ત્યારે કમળ માંથી બહાર નીકળીશ તેમ વિચારે છે.ત્યાં તો હાથીએ પગ તળે કમળ ને કચડી નાખ્યું ને ભ્રમર મરણ ને શરણ થાય છે.
તેવી જ રીતે મનુષ્ય ધારે તો નર નો નારાયણ થઇ શકે છે,તેનામાં ત્યાગ કરવા વગેરે ની અપાર શક્તિ છે,
પણ આસક્તિ ને લીધે તે માયા નો ત્યાગ કરી શકતો નથી,વિષયોમાં (અહીં ગંધ-નો વિષય) ફસાયેલો તે વિષયસુખ નું ચિંતન કરતો કરતો નાશ પામે છે,અને પરમાત્મા ને પ્રાપ્ત કરી શકતો નથી.

મધુકૃત ના બે અર્થ થાય છે. એક ભ્રમર અને બીજો મધમાખી.
જો મધમાખી એવો અર્થ કરીએ તો-મધમાખી પાસેથી કોઈ વસ્તુ નો અતિ સંગ્રહ નહિ કરવો તેવો બોધ છે. મધમાખી મધ નો સંગ્રહ કરે છે અને તે મધ માટે લોકો તેનો નાશ કરે છે.


 1
 2
4
5
  6
  7