Showing posts with label Sat-Sloki-Gujarati. Show all posts
Showing posts with label Sat-Sloki-Gujarati. Show all posts

Oct 1, 2013

Sat-Sloki-Gujarati-22

શત-શ્લોકી-22-(આદિ) શંકરાચાર્ય રચિત



આવો આત્મા કે જે પવિત્ર અને કેવળ પ્રકાશ-રૂપ હોઈ જીવાત્મા અને  બ્રહ્મ ના ભેદ નો એકદમ નાશ
કરે છે,અને (આ ભેદ ના નાશ નું) જે અતુલ વિજ્ઞાન તેના હૃદયમાં પ્રગટ્યું હોય છે,કે જે –
સંસાર નું કારણ “માયા” નો પણ નાશ કરે છે.
અને આ રીતે નાશ પામેલી માયા ફરીથી કદી પોતાનું કાર્ય (સંસાર બનાવવાનું) કરનારી થતી જ નથી.
એટલે કે એ વિજ્ઞાન ને કારણે જ એ પુરુષમાં માયા ફરી ઉદ્ભવતી જ નથી, (૯૭)

“જગત એ કોઈ વસ્તુ જ નથી.” આ વેદ વચન-રૂપ પ્રમાણ થી જગત-રૂપ આકાર નું જેનું જ્ઞાન નાશ પામ્યું હોય છે,તેવો એ જીવનમુક્ત પુરુષ કેવળ સચ્ચિદાનંદ પરમાત્મા ના સુખ નો અનુભવ કરી,પૂર્ણ થયો હોય છે,
અને આત્મ-પ્રકાશ પામી ને તેનું હૃદય શાંત થયું હોય છે.
તેથી જેમ,કોઈ મનુષ્ય ફળ નો રસ પી ને તેની છાલ સુગંધીદાર હોવાં છતાં તેને ફેંકી દે છે,
તેમ,આ જગતને હૃદય થી નિઃસાર સમજી ત્યજી દે છે. (૯૮)

માત્ર --સર્વ ચૈતન્ય રૂપ,--સત્વ –વગેરે ગુણ રૂપી મેલ વિનાના,--”તત્વમસિ” આદિ વાક્યો ના લક્ષ્યાર્થ રૂપ.
--સર્વકાળે એકસ્વરૂપ રહેનારા,--દરેકમાં આત્મા-રૂપે રહેલા,--સર્વ ક્રિયાઓ તથા મન ના અવિષય બ્રહ્મ,
--અને સર્વ ના નિયંતા એ પરમેશ્વર નો માત્ર સાક્ષાત્કાર થતા જ
એ જ્ઞાની નાં કર્મો નાશ પામે છે,હૃદય ની અજ્ઞાન રૂપી ગાંઠ છૂટી જાય છે,અને
જન્મ-મરણ રૂપ ફળો આપનારા સંશયો કપાઈ જાય છે. (૯૯)

આ સંસાર-રૂપી વૃક્ષ મિથ્યા છે,છતાં,આદિ,મધ્ય અને અંત માં જન્મ-મરણ રૂપ ફળ ને આપનાર છે.
કર્મો જ તેનું –મૂળ- છે,ભ્રમ,મદ,હર્ષ,અને શોક વગેરે તેનાં-પાંદડાં- છે,
કામ,ક્રોધ વગેરે તેની ડાળીઓ છે,અને પુત્ર,સ્ત્રી,પશુઓ વગેરે એ ઝાડ પર રહેનારાં પક્ષીઓ નો સમુદાય છે,
કુશળ બુદ્ધિવાળા પુરુષે,આ સંસાર રૂપ વૃક્ષ ના “સ્વ-રૂપ” ને જાણી લઇ,
વૈરાગ્ય-રૂપી તલવારથી ચારે બાજુ તી તેને કાપી નાંખી,પરમાત્મા નું ચિંતન કરવું. (૧૦૦)

ગ્રંથ સમાપ્તિ માં પ્રભુ ને પ્રણામ કરતાં કહે છે કે-
“સમગ્ર જગત મારામાં જ જન્મ્યું છે,મારા માં જ સારી રીતે સ્થિતિ કરી રહ્યું છે,અને છેવટે મારામાં જ લય પામે છે,માટે હું જ બ્રહ્મ છું”
આમ યજ્ઞાદિ સર્વ કર્મો માં જેનું સ્મરણ કરવાથી તે કર્મ સારી રીતે પૂર્ણ થાય છે,અને
જે કાંઇક  પણ ન્યૂનતા હોય તે પૂર્ણતા ને પામે છે,
તે અચ્યુત-પરમાત્મા ને અતિ આનંદ-પૂર્વક હું પ્રણામ કરું છું. 

શત-શ્લોકી સમાપ્ત.

PREVIOUS PAGE             INDEX  PAGE              END        


Sat-Sloki-Gujarati-21

શત-શ્લોકી-21-(આદિ) શંકરાચાર્ય રચિત 


હું દેહ નથી,ઇન્દ્રિય નથી,મન નથી,બુદ્ધિ નથી,પ્રાણ નથી,અને અહંકાર પણ નથી, કારણકે
તે બધું નાશવંત અને જડ છે.
આમ જો એ અંદરની વસ્તુઓ રૂપ જો હું નથી તો પછી બહારની વસ્તુઓ-સ્ત્રી,ઘર,પુત્રો,સ્વજનો,ધન વગેરે
સાથે મારો સંબધ કેવી રીતે હોઈ શકે ?(ના જ હોઈ શકે)
હું તો સર્વ નો સાક્ષી,ચૈતન્ય-રૂપ,પ્રત્યેક માં આત્મા-રૂપ રહેલો અને જગતના મૂળ સ્થાન રૂપ શિવ છું(૯૨)

--જે આ લીલું-પીળું વગેરે અનેક પ્રકારનું પદાર્થો નું સ્પષ્ટ રૂપ આંખથી દેખાય છે,તે દૃશ્ય છે,
કારણ કે એ સર્વ ને પ્રગટ-રૂપે અનુભવપૂર્વક ચક્ષુ ઇન્દ્રિય જુએ છે પણ જે પોતે પણ એક “રૂપ” વાળી છે,
એટલે એ ચક્ષુ પણ દૃશ્ય છે.
--કારણકે,તેને મન જુએ છે (મન તેનો દ્રષ્ટા છે) અને મન દ્વારા તે પ્રકાશે છે.
(સાચે જોવા જાઓ તો) મન પણ દ્રષ્ટા ના હોતાં -દૃશ્ય છે,
--કારણકે તેની દ્રષ્ટા બુદ્ધિ છે,બુદ્ધિ દ્વારા તે પ્રકાશે છે.
અનેક વિષયો ના આધારે પરિણામ પામેલી બુદ્ધિ પણ દ્રશ્ય છે
--કારણકે,તેનો દ્રષ્ટા આત્મા છે,અને આત્મા દ્વારા જ તે પ્રકાશે છે.

આ રીતે બધું જ દૃશ્ય છે,પરંતુ આત્મા જ એક કેવળ દ્રષ્ટા રૂપ છે અને સાક્ષી છે.
કારણકે બીજા પદાર્થો ની માફક પોતે કદી દેખાતો નથી.માટે જ તે દૃશ્ય નથી.
(કોઈ ઇન્દ્રિયો –વગેરે થી દેખાય તેને જ દૃશ્ય કહી શકાય).(૯૩)

જેમ,આછા અંધારામાં દોરડી પડી હોય,તે દોરડીરૂપે નહિ જણાયા થી,એકાએક સર્પ નો ભાસ થાય છે,
તેમ,પોતાનો આત્મા એ જ પરમાત્મા છે,પરંતુ પોતાના અજ્ઞાન રૂપી અંધારા ને લીધે મનુષ્ય વિચારે છે કે.
આત્મા ને જીવ (શરીર) પણું થયું છે અને તે આત્મા જ અત્યંત દુઃખરૂપ છે.

પ્રકાશ કરવાથી જેમ દોરડીમાં ના સર્પ નો ભ્રમ દૂર થઇ,દોરડી પ્રત્યક્ષ થાય છે,તેમ,
કોઈ સંત-મહાત્મા ના કહેવાથી,જ્ઞાન નો ઉદય  થાય છે અને અજ્ઞાન દૂર થતાં,મનુષ્ય ને અનુભવ થાય છે કે-હું જીવ (શરીર) નથી પણ કુટસ્થ-સર્વદા એક સ્વ-રૂપે રહેનાર,સાક્ષી-રૂપ શિવ છું (૯૪)

ગુરૂ-શિષ્ય સંવાદ.
ગુરૂ-દિવસે અને રાતે તને કયું તેજ દેખાય છે?
શિષ્ય-દિવસે મને સૂર્ય અને રાતે ચન્દ્ર તથા દીવો તેજ રૂપે દેખાય છે.
ગુરૂ-આ તેજ ને જોવામાં તને કયું તેજ ઉપયોગી થાય છે?
શિષ્ય-ચક્ષુ.આંખના તેજ થી તેઓ ને હું જોઉં છું.
ગુરૂ-એ ચક્ષુ તુ મીંચી જાય (બંધ કરે) ત્યારે તને શું પ્રકાશતું જણાય છે?
શિષ્ય-ત્યારે તો બુદ્ધિ  જ અત્યંત પ્રકાશે છે.
ગુરૂ-તે બુદ્ધિ ના પ્રકાશ ને જાણવા (બુદ્ધિ ને જાણવા) કોની જરૂર રહે છે?
શિષ્ય-એ બુદ્ધિ ને જાણનારો તો હું પોતે જ છું.
ગુરૂ-ત્યારે તે—જ- તું-સર્વ થી શ્રેષ્ઠ જ્યોતિ (પ્રકાશ-આત્મા) છે.
શિષ્ય-હા,ખરું,હું જ સર્વ નો પ્રકાશક પરમ જ્યોતિ આત્મા છું  (૯૫)

પ્રારબ્ધ કર્મ જ્યાં સુધી ભોગવવાનું હોય ત્યાં સુધી તેટલો કાળ જીવન-મુક્ત પુરુષ પૃથ્વી પર રહે છે,
પણ તે કાળ દરમિયાન તે દેહાદિ સમુદાય (શરીર અને ઇન્દ્રિયો) ને અહમબુદ્ધિ  થી ફરી વળગી રહેતો નથી.
કેવળ સંગ-રહિત (અનાશક્ત) બુદ્ધિ થી સુખ-પૂર્વક સર્વ વ્યવહારો કરે છે.
કારણકે તે દ્વંદ ભાવ થી રહિત,નિત્યશુદ્ધ,નિત્યતૃપ્ત,બ્રહ્માનંદ સ્વ-રૂપ, સ્થિર બુદ્ધિવાળો.અને અડગ હોય છે.
તેની મમતા અને અહંકાર ઓગળી ગયા હોય છે,અને મોહ છૂટી ગયો હોય છે. (૯૬)

PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE 


Sat-Sloki-Gujarati-20


શત-શ્લોકી-20-(આદિ) શંકરાચાર્ય રચિત
--જે મનુષ્ય વેદ ને જાણતો હોય (જ્ઞાની હોય) પણ આત્મા ને જાણતો  ના હોય,
તેનાં કરેલાં (સત્) કર્મો નું થોડુંક જ ફળ તેના મરણ પછી –સ્વર્ગ-લોક માં તેને લઇ જાય છે અને
છેવટે તે ફળ નો નાશ થતાં તેને ફરી જન્મ લઇ-આ જગતના મોટાં દુઃખો ભોગવવા પડે છે.
--જે મનુષ્ય વેદ ને જાણતો હોય (જ્ઞાની હોય) અને આત્મા ને પણ જાણતો હોય,અને
તેના કરેલાં (સત્) કર્મો નું તે ફળ ઈચ્છે તો તેના કર્મો નાં જે મોટા ફળ મળે અને એ ફળ ભોગ
કરતાં અને વાપરતાં –કર્મો નો નાશ થાય અને સાથે સાથે નવાં સત્કર્મો પણ કરે –
એમ કરતાં કરતાં ક્રમે ક્રમે  છેવટે કોઈ વખત મોક્ષ-રૂપ ફળ નો ઉપભોગ પણ કરે છે.
--પણ પૂર્ણ આત્મજ્ઞાની મનુષ્ય કોઈ પણ ફળ-ભોગ ઈચ્છતો જ નથી,તેથી તેને આત્મા નો જ
સાક્ષાત્કાર થતાં સર્વ સુખો આપોઆપ જ મળે છે, માટે એ આત્મા જ ઉપાસવા યોગ્ય છે. (૮૬)

સૂર્ય,ચંદ્ર,અગ્નિ વગેરે પદાર્થો આંખ ના ઉપયોગ કર્યા વગર દેખાતા નથી,પણ આંખ ને જોવા ની શક્તિ આપનાર આત્મા છે,એટલે કે આંખ ને સહુ પ્રથમ આત્મા પ્રકાશિત કરે છે,
અને તે આત્મા ની જ્યોતિ (શક્તિ) થી જ સૂર્ય,ચંદ્ર,અગ્નિ વગેરે પદાર્થો પ્રત્યક્ષ કરી શકાય છે.
અને પછી તે સૂર્ય,ચંદ્ર,અગ્નિ વગેરે ના પ્રકાશ થી બીજા બધા પદાર્થો નું જ્ઞાન થાય છે.

આ ઉપરથી સિદ્ધ થાય છે કે-આ આત્મા જ જગતમાં પ્રકાશે છે અને સૂર્ય,ચંદ્ર,અગ્નિ વગેરે ને પણ
જે અદભૂત તેજ આપે છે અને જે તેજ તેમની પાસે છે તે આત્મા જ (આત્મા નું જ તેજ) છે.  (૮૭)

આ જીવ પ્રાણવાયુ ને લીધે ફરીફરી પાણી પીએ છે અને અન્ન ખાય છે, અને
તે  પ્રાણવાયુ થી જ બળ પામેલો જઠરાગ્નિ પાચનક્રિયા કરે છે.(અન્ન નો રસ બનાવે છે)
પછી વ્યાન નામનો વાયુ આખા શરીર ની નાડીઓ માં આ ખાધેલા અન્ન નો રસ લઇ જાય છે.અને
અપાન નામનો વાયુ નિરસ થયેલા દુર્ગંધી મળ-મૂત્ર ને શરીર માંથી બહાર કાઢે છે.

આમ પ્રાણવાયુ,સર્વ ઇન્દ્રિયો નો અધિપતિ કહેવાય છે,અને જે પૂર્ણ ચૈતન્ય ની સત્તા થી,તે બધો
વ્યાપાર કરે છે તે પ્રાણ ના પણ પ્રાણ,પરમેશ્વર સર્વના સાક્ષી છે,સર્વ ના ચક્ષુ ના પણ ચક્ષુ છે.
વળી તે પૂર્ણ ચૈતન્ય ના પ્રકાશ ને લીધે જ જુદાં જુદાં સ્વરૂપ અને સ્થિતિ વાળાં,
પૃથ્વી,જળ,પવન સૂર્ય તથા ચંદ્ર વગેરે પ્રકાશે છે ને “તે” પૂર્ણ ચૈતન્યમાં વસે છે.

આવા પરમેશ્વર ને વીજળી નો સમુદાય,અગ્નિનો ઢગલો,કે તારા-નક્ષત્રો પ્રકાશિત કરી શકે નહિ.
એ જ શાંત,જ્યોતિ,અનંત,જ્ઞાનવાન,અજન્મા,અમર,નિત્ય,અને જન્મ-શૂન્ય બ્રહ્મ છે, અને
“તે જ બ્રહ્મ હું છું” આવો અનુભવ જેને સંત-સદગુરૂ ની કૃપા થી થયો હોય,તો તે પુરુષ જીવન-મુક્ત છે.

અને કેવળ આવો મનુષ્ય જ નિત્યાનંદરૂપ પરમ ધામમાં પ્રવેશ કરે છે.કારણકે,
તેની અનાદિ કાળ ની માયારૂપ ઉપાધિ જતી રહી હોય છે.તેનું મન સર્વ પ્રકારના ભ્રમ થી રહિત થયું હોય છે,અને તેની સંદેહ-વૃત્તિ નાશ પામી હોય છે, (૮૮-૯૧)

PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE 


Sat-Sloki-Gujarati-19


શત-શ્લોકી-19-(આદિ) શંકરાચાર્ય રચિત
જેમ છીપ માં જણાતો રૂપા (ચાંદી) નો આભાસ,છીપ ના અજ્ઞાન ને કારણે ઉત્પન્ન થયો હોઈ ખોટો જ છે,
સુર્યના કિરણો થી ઝાંઝવાનું જળ,અને અંધારા ને લીધે દોરીમાં દેખાતો સર્પ,અજ્ઞાન થી ઉત્પન્ન થયો હોઈ
ખોટો જ છે, તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં જે જે પદાર્થ નજરે જોયા હોય છે,તે તે જ સ્વપ્નકાળે,
આત્મ-સ્વ-રૂપ ના અજ્ઞાન ને લીધે ઉત્પન્ન થયેલા હોઈ –મિથ્યા (ખોટા) છે.
અને જેથી તે થોડા સમય માટે જ ભય,સુખ,દુઃખ પેદા કરે છે.
આમ,સ્વપ્ન એ જોયેલા માં થી જ જન્મે છે.  (૮૧)

“માયારૂપ અધ્યાસ (આરોપિત મિથ્યા વસ્તુ) ના આશ્રય થી,આ બધું મેં વિસ્તાર્યું  છે,માટે આ સર્વ પદાર્થો મારામાં રહેલા છે,છતાં હું તેમાં રહેલો નથી. જેમ ભ્રાંતિ થી છીપ માં રૂપું દેખાય છે પણ રૂપામાં છીપ નો એક અંશ પણ હોતો નથી તેમ આ ભૂતો (સર્વ વસ્તુઓ-જીવો) પણ માયા થી ભલે દેખાય છે પણ તે ખોટાં (મિથ્યા) હોઈ  ખરી રીતે મારા માં નથી “ આવી રીતે ઈશ્વર શ્રીકૃષ્ણ (ગીતામાં ૯-૪) કહે છે.
તેથી સિદ્ધ થાય છે કે-દેખાતું આ બધું ય ઇન્દ્રજાળ જેવું મિથ્યા જ છે.  (૮૨)

“આ જગતમાં કર્મ જ સુખ દુઃખ નું કારણ છે “ એવું ના સમજતા અજ્ઞાની મનુષ્ય
“આ મિત્ર છે અને આ શત્રુ છે” એવો ખોટો વ્યવહાર કરે છે,
પૂર્વે જનકરાજ ને ઘેર યાજ્ઞવલ્કય ઋષિએ –પણ મોટે ભાગે કર્મ ને જ સુખદુખાદિ નું કારણ કહ્યું હતું અને
સાથે સાથે (સત્) કર્મ ની પ્રશંસા પણ કરી હતી.
વળી પરમાત્મા શ્રીકૃષ્ણ પણ (ગીતામાં-૩-૫) એમ જ કહે છે કે-
“આ જગત માં કોઈ પણ પ્રાણી એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી”  (૮૩)

જો કે ઝાડ ને કાપવામાં કુહાડી  સમર્થ છે પણ કોઈ પણ મનુષ્ય તેનો પ્રેરક હોય તો જ તે ઝાડ કાપે છે,
તેવી રીતે જ અનાજ (ભૂખ ની) તૃપ્તિ કરવામાં કારણ રૂપ છે,પણ તેને ખાનાર મનુષ્ય ખાવા નો પ્રયત્ન કરે તો જ તે ભૂખ ની તૃપ્તિ કરી શકે છે,
તેવી રીતે,પૂર્વ જન્મ નું કર્મ સારું-નરસું ફળ આપવામાં કારણ રૂપ છે,
(તો પણ,તે નાશવંત છે,અને તેમાં (તે કર્મો માં) જડપણું હોવાથી,તેની સ્વતંત્રતા ઘટતી નથી,
--ઉપર બતાવેલી કુહાડી કે અનાજ ની જેમ) અને એણે પ્રેરણા આપનાર તો અંતરાત્મા જ છે.  (૮૪)

આ લોક માં વર્ણ અને આશ્રમ ને લાગતું જે નિત્ય અને કામ્ય કર્મ કરવામાં આવે છે,તે સર્વ
બ્રહ્માર્પણ જ હોવું જોઈએ,એમ ધર્મશાસ્ત્ર અને વેદવાણી કહે છે તે અતિ સુંદર જ છે.કારણકે,
ઇન્દ્રિયો (નાક,આંખ –વગેરે) ને તૃપ્ત કરવા થી સાક્ષાત જીવાત્મા જ તૃપ્ત થાય છે,
જેવી રીતે ઝાડ ના મૂળ ને પાણી પાવા થી આખું ઝાડ જ તૃપ્ત થાય છે તેમ. (૮૫)

PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE 


Sat-Sloki-Gujarati-18


શત-શ્લોકી-18-(આદિ) શંકરાચાર્ય રચિત
જાગ્રત અવસ્થામાં બહારના વ્યવહારો થી થાકેલું આ મન,
તે સર્વ વ્યવહારો સમેટી લઇ સુષુપ્તિ અવસ્થામાં (નિંદ્રામાં)
આત્મ-સ્વરૂપ ની અંદર રમણ કરવા તૈયાર થાય જ છે,
પણ વચ્ચે, સ્વપ્નાવસ્થામાં
તે જાગ્રત અવસ્થા ના સંસ્કારો થી યુક્ત થઇ,વિષયો (સંસાર નું કારણ)
તરફ પાછું ફરવા ઈચ્છે છે.(પાછું સંસારિક વિષયો નો અનુભવ કરવા તૈયાર થાય છે)

અને પછી ફરી પાછું તે વિષયો ને ત્યજી ને સુષુપ્તિ માં આત્મ-સ્વરૂપ માં લીન થવા
તત્પર બની, એ સુષુપ્તિ (નિંદ્રા) અવસ્થામાં પુષ્કળ વિશ્રાંતિ પામે છે. (૭૫)

(અહીં એક શંકા થાય છે કે) સ્વપ્નમાં સુખ-દુઃખ વગેરે ભોગો કયાં સાધન થી થાય છે ?
કારણ કે ભોગ ભોગવવાનું સાધન,શરીર તો તે વખતે બેભાન સ્થિતિ માં પડ્યું હોય છે.
આના સમાધાન માટે જો, એમ કહીએ કે-
“સ્વપ્ન માં બીજું શરીર ઉત્પન્ન થાય છે અને સ્વપ્નાવસ્થા ના વ્યવહાર કરે છે”
તો તે બરોબર નથી,કારણકે,સ્થૂળ શરીર,પુરુષ અને સ્ત્રીના સંયોગ વગર પેદા થઇ શકતું નથી.

વળી જો એમ કહીએ કે-એ શરીર સંકલ્પો થી જ ઉત્પન્ન થયું હોય છે,તો,
સ્વપ્ન માં સ્વપ્ન ની સ્ત્રી જોડે ના સમાગમ પછી,સ્વપ્ન-દોષ પ્રત્યક્ષ કેમ દેખાય છે?
કારણકે,સંકલ્પો થી બનેલું શરીર,જો સંકલ્પો થી જ સમાગમ કરે તો તેનું પરિણામ પણ
સંકલ્પ-રૂપી જ હોવું જોઈએ.હકીકત માં નહિ. (૭૬)

આ ઉપરાંત પણ સ્વપ્નાવસ્થા માં આ સ્થૂળ શરીર બકે છે,હસે છે,રડે છે-વગેરે ક્રિયાઓ પણ
હકીકત માં બને જ છે.એટલે, આ બધા નું ખરું કારણ એ છે કે-
જીવનું સ્થૂળ શરીર સ્વપ્નાવસ્થામાં બેભાન થયું હોય છે,
તો પણ તે શરીર જાગ્રત અવસ્થા ના સંસ્કારો એકદમ છોડી શકતું નથી.
એટલે કે-જાગ્રત અવસ્થામાં જે જે વસ્તુ (સ્ત્રી,વાઘ,દેશ-વગેર-સંસ્કારો) તેણે (સ્થૂળ શરીરે)
અનુભવ્યા હોય,તેને જ ફરીથી સ્વપ્નાવસ્થામાં
“સૂક્ષ્મ-સંસ્કાર-શરીર” નો આશ્રય કરી “સંસ્કાર સ્વ-રૂપે” ઉત્પન્ન કરે છે. (૭૭)

સ્વપ્નાવસ્થા,તે જાગ્રત અને સુષુપ્તિના સંધિકાળ માં, જાગ્રત અવસ્થા ના અનુભવો થી જ જણાય છે.
તેમાં (સ્વપ્નાવસ્થામાં) જીવ સર્વ ઇન્દ્રિયો ને સમેટી લઇ “આત્મ-જ્યોતિ રૂપે “ જ રહેલો હોય છે.
સ્થૂળ શરીર ને પથારી માં સુવાડી,એનો અંતરાત્મા,પોતાના પ્રકાશ દ્વારા,નવાનવા સંસ્કાર-રૂપ વિષયો,
જોતો જોતો કોઈ પણ સ્થળે જતો રહે છે.તેમ છતાં પથારીમાં પડેલું શરીર મડદું ન બને એ માટે માત્ર
શ્વાસ-રૂપે બાકી રહેલા પ્રાણ દ્વારા તેની રક્ષા તો કરે જ છે.
વળી એ સ્વપ્નાવસ્થામાં તે પોતાના જાગ્રત સમય ના સંસ્કારો થી જ,
સ્ત્રીઓ,પુત્રો,મિત્રો અને ઘોડા,રથ,તળાવ,પર્વત વગેરે ના આકારો ઉત્પન્ન કરે છે,
કોઈ વેળા હાથી,વાઘ,ચોર શત્રુ,સર્પ વગેરે આકારો  ને ઉત્પન્ન કરે છે,
કોઈ વાર તે પ્રેમાળ સ્ત્રીઓ સાથે રમે છે,હસે છે,વિહાર કરે છે,
કોઈ વાર મિષ્ટાન્ન જમે છે,કોઈ વાર વાઘ વગેરે ના ભય થી નાસભાગ કરે છે.

તો કોઈ વાર વાઘ પોતાને ખાઈ રહ્યો છે એમ સમજી રડે છે.  (૭૮-૭૯-૮૦)

PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE    


Sat-Sloki-Gujarati-17









શત-શ્લોકી-17-(આદિ) શંકરાચાર્ય રચિત
(૧) સ્થૂળ-સૂક્ષ્મ પ્રપંચ (maya) નો લય,(૨) ઇન્દ્રિયો સાથેનો સંબંધ ના હોવો,અને
(૩) સત્ય સુખ ની પ્રાપ્તિ-
આ ત્રણે જીવન-મુક્તિ (સુષુપ્તિ-સમાધિ) અને સુષુપ્તિ (નિંદ્રા) માં એક સરખા હોય છે.
તો પણ તેમાં તફાવત છે.
સુષુપ્તિમાં (નિંદ્રામાં) રહેલો આત્મા પૂર્વના –એટલે કે જાગ્રત અવસ્થાના સંસ્કાર થી ફરી જાગી,
જાગ્રત અવસ્થામાં સંસારમાં પાછો આવે છે,
પણ જે આત્મા સુષુપ્તિ (સમાધિ) પામી ને જીવન-મુક્ત થયો હોય,
તેના સર્વ સંસ્કારો નાશ પામેલા હોવાથી ફરીથી સંસારમાં
આવતો નથી,એટલે કે સંસાર તેને અસર કરતો નથી.(સંસાર થી મુક્ત બને છે)  (૭૦)

સર્વ સંપત્તિ અને સમૃદ્ધિવાળો રાજા જે સર્વ આનંદો અનુભવે છે,
તે બધા આનંદો ના કરતાં સો ગણો,અને એક એવો આનંદ પિતૃદેવોનો છે,
આ પિતૃદેવોના આનંદથી સો-સો ગણો આનંદ બ્રહ્મ-લોક સુધીના દેવ-લોકો નો છે.

અને આ ઉપરનાં સર્વ આનંદો પણ જેમાં સમાઈ જાય છે,એવો જો કોઈ આનંદ હોય તો તે કેવળ
(સમાધિ દ્વારા મેલવાયેલ-પરમાનંદ) બ્રહ્માનંદ જ છે.
કે જેની આગળ વિષયનાં સર્વ સુખો,તો તેના માત્ર એક અંશ-રૂપ જ હોય છે. (૭૧)

નીચેની સ્તુતિ-રૂપ કરાયેલી વેદવાણી આવા “બ્રહ્માનંદ” ની (પરમાનંદ ની) સર્વોપરિતાની સાક્ષી છે.
“હે ચંદ્રદેવ,
જે બ્રહ્માનંદ (પરમાનંદ) માં મનુષ્ય-લોક ના,પિતૃલોકના અને દેવલોકના  આનંદો,સમાઈ જાય છે, અને
જે બ્રહ્માનંદ પ્રાપ્ત થવાથી સર્વ કામનાઓ પ્રાપ્ત થઇ જાય છે,પ્રપંચ (માયા) નો વિરામ થવાથી
કેવળ જે પરબ્રહ્મ-રૂપ ની સ્થિતિ હોય છે,તે
પરમાનંદ વ્યાપ્ત-બ્રહ્માનંદ –રૂપ પદ માં મને લાંબા કાળ સુધી અમર કરો. અને
બે ભ્રમર ની વચ્ચે (જીવાત્મા-આત્મા-રૂપે) રહેલા એ અમૃત-પૂર્ણ ની અમૃતધારા આપો” (૭૨)

આત્મા કેવળ “સ્થિર અને સુખ” -રૂપે જ પ્રકાશે છે,અને
તેનાથી જુદી જે માયા છે તે તો તેનાથી ઉલ્ટી જ સ્ફૂરે છે (માયા અસ્થિર અને દુઃખ-રૂપ છે)
આ આત્મા ની સ્થિરતા (સુખ) અને માયા ની અસ્થિરતા (દુઃખ) “મન” માં પરિણામ પામે છે.
(મન માં કોઈ વાર સ્થિરતા અને કોઈ વાર ચંચળતા જણાય છે તે આત્મા અને માયા ના ધર્મો છે)

આ રીતે મન ની ચંચળતા (માયાને લીધે ઉદભવેલી અસ્થિરતા) એ દુઃખ નું કારણ છે.
(ઈચ્છાઓ અને કામનાઓ ને લીધે) જ્યાં સુધી ઇચ્છિત પદાર્થ ની પ્રાપ્તિ ના થાય, ત્યાં સુધી
તે મન ચંચળ રહે છે,અને પછી જયારે ઈચ્છિત પદાર્થ મળે છે,ત્યારે
આશ્ચર્ય ની વાત એ છે –મનમાં જ્યાં સુધી થોડો સમય સ્થિરતા રહે છે ત્યાં સુધી જ
તે વિષય નું ક્ષણિક સુખ ટકે છે, (અને બીજી કામનાઓ-ઈચ્છાઓ નો ઉદ્ભવ થવાથી
સ્થિરતા જતી રહે છે અને મન ની પૂર્વવત ચંચળતા પાછી આવે છે.)
આ રીતે વિષયસુખ નાશવંત અને થોડા સમયનું જ હોવાથી તેનો કોઈ અર્થ નથી. (૭૩)

આ ક્ષણિક વિષયસુખ પણ એ બ્રહ્માનંદ નો અતિ અલ્પ (થોડો-ક્ષણિક ) અંશ છે તે સમજાવતાં કહે છે કે-
જેમ સ્ત્રી-પુરુષ ના રતિસુખ (મૈથુન) ના અંત સમયે આંખ ના પલકારા જેટલું સુખ અનુભવાય છે
કારણકે મન તે વખતે એક-રસમાં એક-તાન (સ્થિર) થયું હોય છે,(તેવી જ રીતે)
સુષુપ્તિ માં પણ જ્યાં સુધી મન ની સ્થિરતા હોય છે ત્યાં સુધી જ અતિ સુખ અનુભવાય છે,

જયારે જીવનમુક્ત નું મન સદા ને માટે અત્યંત શાંત અને સ્થિર થયેલું હોય છે,તેથી તેને ક્ષણિક સુખ નહિ,
પણ નિત્ય-સુખ  નો પરમ-આનંદ (બ્રહ્માનંદ) રહે છે,

આ ઉપરથી જણાય છે કે-સુખ અને મન ની સ્થિરતા એ બંને નું સાહચર્ય છે.
(જેટલી મન ની સ્થિરતા તેટલું જ તેની સાથે સુખ હોય છે)
અને એથી એમ કહી શકાય કે-વિષય-સુખ “ક્ષણિક” હોવાથી
નિત્ય ના બ્રહ્માનંદ નો અતિ થોડો (અલ્પ) માત્ર અંશ જ છે.  (૭૪) 

PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE 


Sat-Sloki-Gujarati-16


શત-શ્લોકી-16-(આદિ) શંકરાચાર્ય રચિત
જેને (જે મનુષ્યને) સમજાયું છે કે-જગતમાં ઈશ્વર જ્ઞાન-સ્વરૂપ અને બુદ્ધિમાં રહેલા છે,
અને આકાશ ની પેઠે,એક, હોઈને સર્વ ભૂતો (પ્રાણીઓ) ની અંદર અને બહાર ચારે બાજુ વ્યાપી રહેલા છે,
એવા,તે પરમાત્માના આ શરીર માં જ જો (આત્મા તરીકે) સાક્ષાત દર્શન કર્યાં હોય, વળી,
બ્રહ્મ થી જુદું જણાતું,આ સમગ્ર જગત,માત્ર આભાસ-રૂપ જ છે,એમ જો દેખાયું હોય,તો,
સર્વ (ઇન્દ્રિયોના) વ્યાપારો નો ત્યાગ કરી “હું શુદ્ધ બ્રહ્મ છું” (શુદ્ધ અહં બ્રહ્માસ્મિ) –
એમ નિરંતર અનુભવી,એ બ્રહ્મ-ભાવ માં જ સ્થિતિ કરવી જોઈએ.  (૬૪)

જમણા નેત્રમાં તેના દેવ-તરીકે ઇન્દ્ર અને ડાબા નેત્રમાં તેની દેવી તરીકે ઇન્દ્રાણી રહે છે,
આ બંને જયારે –બે ભ્રમર ની વચ્ચે હોય,ત્યારે જાગ્રત અવસ્થા,
અને જો હૃદયાકાશ માં હોય તો,તે સ્વપ્નાવસ્થા,
અને આ અવસ્થામાં (સ્વપ્ન ની અવસ્થામાં) તે બંને શૈયા સુખ ભોગવતાં હોય,
અને તે સુખની અંત અવસ્થા-તે સુષુપ્તિ અવસ્થા.(નિંદ્રા અથવા સમાધિ અવસ્થા)

આ અવસ્થા (સુષુપ્તિ ની સમાધિ અવસ્થા) માં જે અતિ ગહન પદ પ્રાપ્ત થાય છે તે જ “આનંદ-કોશ” છે.
એ આનંદ-કોશ (સમાધિ ની સુષુપ્તિ અવસ્થામાં) માં નિરતિશય સુખ માં લીન થયેલો
જીવાત્મા કંઇ જાણતો નથી,(એટલે કે કોઈ પદાર્થ નું તેને ભાન હોતું નથી)
એ સમયે તેને જો જગાડ્યો હોય તો તે દુઃખી થાય છે,
આવા કારણ થી જ ઉત્તમ-બુદ્ધિ-વાળો સજ્જન-તેવા (સમાધિમાં) સૂતેલા ને જગાડતો નથી, (૬૫)

જેમ,સુષુપ્તિમાં (નિંદ્રામાં) સર્વ જીવો,સમાન સ્થિતિવાળા થઇ,કેવળ આનંદ ને જ અનુભવે છે,
તેમ,જાગ્રત અવસ્થામાં,તે જીવ,કે જે સર્વ પર ઉપકાર કરવા વાળો છે અને
ઇન્દ્રિયો ને અંતર્મુખ કરી (નિદિધ્યાસન માં) સુખ ને પ્રાપ્ત કરનારો છે,
તે જ કેવળ “પરમાનંદ” ને અનુભવે છે.

પરંતુ જાગ્રત અવસ્થા માં જે જીવ,સ્ત્રી-પુત્રાદિ વગેરે ના પેટ ભરવા માટે બહિર્મુખ વૃત્તિઓ વાળો રહે છે,
(ઇન્દ્રિયો ને બહિર્મુખ રાખે છે) તે અનેક જાતના દુઃખો અનુભવે છે,અને
ઇન્દ્રિયો ને વશ થઇ,શોક અને મોહ ને પામે છે.  (૬૬)

જાગ્રત અવસ્થામાં જીવાત્મા વિષયોના સુખ માટે અનેક જાતના યત્નો કરે છે.
પછી જયારે સર્વ ઇન્દ્રિયો નો સમુદાય થાકી જાય છે ત્યારે
તે જાગ્રત અવસ્થા માં -થોડાક પણ મેળવેલા એ વિષય-સુખ ને  પણ ભૂલી જઈ વિશ્રાંતિ
લેવા  અને થાકેલી ઇન્દ્રિયો ને સુખ આપવા માટે નિંદ્રા પામે છે, ત્યારે,
તે નિંદ્રા ના સમયે,ઇન્દ્રિયો થી અલગ થઇ કેવળ આત્મ સ્વ-રૂપ મા જ સ્થિતિ થાય છે, અને.
નિંદ્રા નું તે અતિશય સુલભ અને વિના પ્રયત્ને આવી મળેલું,પરમ સુખ પ્રાપ્ત કરે છે.
એ ઉપરથી સિદ્ધ થાય છે કે,
ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતા અલ્પ સુખ કરતાં
ઇન્દ્રિયો ના સંબંધ વિના નું આત્મ-સ્વ-રૂપ નું (નિંદ્રા વખતના સુખ જેવું) સુખ શ્રેષ્ઠ છે.  (૬૭)

જેમ,આકાશમાં ઉડતા પહેલાં પક્ષી બંને પાંખો પહોળી કરી વારંવાર હલાવી વાયુ (શૂન્યાવકાશ) ઉત્પન્ન કરે છે,અને તે દ્વારા ઉંચે આકાશ માં પહોંચી,ત્યાં રહેલા (મહાન)વાયુ ને પામી ને પોતાની પાંખો પ્રસારીને,
સ્થિર કરીને થાક દૂર કરે છે,અને આનંદથી આકાશમાં ફરે(ઉડે) છે.
તેમ,જાગ્રત અને સ્વપ્ન અવસ્થા ના વિષયો માટે,અનેક જાતના સંકલ્પ-વિકલ્પો વડે હેરાન થયેલું
આ ચિત્ત (મન) થાકી ને વિશ્રાંતિ લેવા માટે –જયારે સુષુપ્તિ અવસ્થામાં (નિંદ્રામાં) હાથ-પગ પહોળા કરી અને  લાંબો સમય સુધી સૂઈ જાય છે અને ત્યારે,તે વેળા આનંદ માં મગ્ન બને છે, (૬૮)

પણ જેમ,પરદેશથી ઘેર આવેલો કામી પુરુષ,પોતાની સ્ત્રીને એકદમ ગાઢ આલિંગન કરી સુખ પામે છે,
ત્યારે ઘરનું કે બહારનું કોઈ વસ્તુ નું કે વ્યક્તિ નું તેને ભાન રહેતું નથી,
તેમ,સુષુપ્તિમાં (સમાધિ માં) એકાએક પરમાત્મા ને ભેટી ને તદ્રુપ થઇ ને પરમાનંદ પામેલા,જીવાત્માને,
બહારનું કે અંદરનું,કોઈ વસ્તુ નું ભાન રહેતું નથી.તે વેળા તેના સર્વ વ્યવહાર,પુણ્ય-પાપ ના પરિણામ,
શોક,મોહ અથવા ભય –એ બધું અસ્ત પામે છે,અને તે સમ-વિષમ કંઈ પણ જાણતો નથી.(૬૯)

PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE