Sep 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-925

હે રામચંદ્રજી,પોતાના આત્મામાં જ ચિત્ત રાખી રહેવાથી,અંતર્મુખપણાને લીધે,સદાકાળ આનંદમાં રહી,
શાંતિ વડે ઉદારતાનો આશ્રય કરી,અસંગ-પણાથી તમે જે કોઈ કર્મ કરશો તે કર્મના તમે કર્તા નથી,એમ સમજો.
મનની સ્થિતિ જો તમે કેવળ પરમાત્મામાં જ રાખશો,તો હું ધારું છું કે વજ્રની ધાર (દુઃખો) પણ બૂઠી થઇ જશે.
સંકલ્પની કલ્પના વિનાના અને પોતાના હ્રદયાકાશમાં રહેલા આત્મ-સ્વરૂપમાં જ જે સ્થિર થઈને રહે છે,
તેવો,આત્માની અંદર રમી રહેલો પુરુષ મહેશ્વર જેવો છે.

Sep 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-924

હે રામચંદ્રજી,બીજ પણ નથી,અંકુર પણ નથી,પુરુષ (જીવ) પણ નથી કે કર્મ પણ નથી,
એક શુદ્ધ ચેતન-સ્વરૂપ જ સત્ય છે,અને તે વેશધારી નટની જેમ,દેવ-દાનવોના વેશો વડે,સુંદર રૂપ-વાળો
બની જાય છે.પરમ-તત્વ જ કર્મ-પુરુષ-આદિ જુદાજુદા નામો ધારણ કરીને વિવિધ-રૂપે બની રહેલ છે.
ઉપર કહ્યા મુજબ,તમે અતિ દૃઢ નિશ્ચય કરી,પુરુષ-કર્મ-વગેરેના વિચારોને અને શંકાઓને છોડી દઈ,
વાસનાઓથી અને સર્વ સંકલ્પોથી રહિત બની જાઓ અને તમારી ઈચ્છામાં આવે તેમ,સુખથી ચિદાત્મા-રૂપે થઈને રહો.કેવળ,શુદ્ધ પરમાત્મામાં જ આત્મ-ભાવના રાખીને વર્ણ અને આશ્રમને યોગ્ય કાર્ય કરતા રહો,
અને શાંતિ વડે સુશોભિત બની,ભયથી રહિત અને પૂર્ણકામ થઈને રહો.

Sep 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-923

ઘાસ,વેલા,ઝાડ-વગેરેનાં જુદાંજુદાં બીજોની અંદર પણ
અંકુર-આદિ-કાર્ય કરવાની જે કંઈ "શક્તિ" રહી છે,
તેનું પણ બીજ ચિદાત્માનું સ્ફુરણ જ છે,પણ, એ ચૈતન્યના સ્ફુરણનું બીજું કશું જુદું બીજ નથી.
જેમ અગ્નિનો અને ગરમીનો ભેદ નથી,તેમ બીજ અને અંકુરનો વસ્તુતઃ ભેદ નથી.
બીજ છે તે જ (બીજની અંદર સુક્ષ્મ-રૂપે અંકુર રહેલો હોવાથી) અંકુર-રૂપ છે તેમ તમે સમજો.
તેજ રીતે,પુરુષને પણ (કર્મ જ જન્મ આપનાર હોવાથી) કર્મ-રૂપ જ તમારે જાણવો જોઈએ.