Apr 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1134

મુનિ (સાધુ બનેલ પારધીને) કહે છે કે-જેમ અંધકારમાંથી પ્રકાશનો લાભ ન થાય,તેમ એક સંપૂર્ણ જ્ઞાન વિના બીજા કશાથી
તુરીય અવસ્થાનો સાચો લાભ થતો નથી.સારી રીતે જ્ઞાનનો જયારે ઉદય થાય છે ત્યારે આ જગત યથાસ્થિત પણે રહ્યા છતાં
લયને પ્રાપ્ત થઇ જાય છે.અજ્ઞાન દશામાં પણ જગત તો યથાસ્થિત પ્રમાણે જ રહે છે,પણ તેનો લય થતો નથી.
સ્વપ્ન,જાગ્રત અને સુષુપ્તિ -એ ત્રણે અવસ્થાઓ,યથાસ્થિત એવા તે તે જગત સાથે તુરીયની અંદર રહેલી છે,
છતાં જ્ઞાનને લીધે જગતનો લય થઇ જાય છે.
જો કે તત્વ-દૃષ્ટિએ જોતાં તો કશું જ નથી,જગત કોઈ કારણમાંથી ઉત્પન્ન થયું
નથી,પણ,શાંત અને જન્મ-આદિના વિકારથી રહિત બ્રહ્મ જ સદા જગતના આકારે વિવર્ત-ભાવથી થઈને રહ્યું છે.
અને આવો સદાકાળ બોધ રહેવો તે જ 'તુરીય' અવસ્થા છે.

Apr 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1133

મુનિ (સાધુ બનેલ પારધીને) કહે છે કે-સર્વના અધિષ્ઠાન-રૂપ,અપરિચ્છીન્ન,નિત્ય છતાં વિવર્તભાવથી અનંત
આકારે થઇ રહેનાર ચિદાકાશ-રૂપી પરમાણુની અંદર આ જગત એક મજ્જા-રૂપ છે,એમ કહી શકાય છે.
બહારની જાગ્રત અવસ્થાથી નિવૃત્ત થયલો જીવ,જીવના આધાર-રૂપ-હૃદયની અંદર રહીને,પોતાના સ્વરૂપને જ
'આ સ્વપ્ન-સૃષ્ટિ છે' એમ સમજે છે.ને એ સ્વપ્ન-સૃષ્ટિમાં દેખાતા સર્વ પદાર્થો ચિદાત્માના જ એક વિવર્ત-રૂપ છે.
જીવ ચિત્ત દ્વારા બહિર્મુખ થઈને પોતાના સ્વરૂપને બહાર જ વિવર્ત-રૂપ દેખે છે-તેને 'જાગ્રત' કહેવામાં આવે છે
અને તે ચિત્ત જયારે અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપને અંદર વિવર્ત-રૂપે અનેક આકારે દેખે છે.
ત્યારે તેને 'સ્વપ્ન' કહેવામાં આવે છે.

Apr 21, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1132

મુનિ (સાધુ બનેલ પારધીને) કહે છે કે-કોઈ નાડીઓમાં રસ-રક્ત-આદિ ધાતુઓ ભરાઈ રહેતી હતી,તો કોઈ ઠેકાણે
તે ધાતુઓ બહાર નીકળતી હતું.ક્યાંક સહેલાઈથી સંચાર થવાથી પ્રાણવાયુ સ્પષ્ટ-પણે ગતિ કરતો હતો,
તો ક્યાંક  રસ્તો રોકાઈ રહેવાથી અસ્પષ્ટપણે ગતિ કરતો હતો,આથી સાતેય ધાતુમાં કાંઇ સડો પેસતાં,તે ધાતુમાં
વધઘટ થવાને લીધે ભાવિ રોગોનું સૂચન થતું હતું.છિદ્રોમાં ગતિ કરતા પવન વડે તે શરીર શબ્દાયમાન થઇ રહ્યું હતું.
તેના હૃદય-રૂપી-કમળની નાળના છિદ્રની અંદર અગ્નિ (જઠરાગ્નિ) જાજ્વલ્યમાન થઇ રહ્યો હતો.