Aug 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1228

(૧૮૭) વસ્તુઓનો સ્વભાવ

રામ કહે છે કે-વિચિત્ર એવા અસંખ્ય પદાર્થોનો એક જ અમુક ચોક્કસ નિયમ કેમ હોય છે?અને પદાર્થોનો
એક જ પ્રકારનો અચલ સ્વભાવ કેમ હોય છે? દેવતાઓ અસંખ્ય હોવા છતાં સૂર્ય જ કેમ ઉગ્ર કાંતિવાળા છે?
અને દિવસો શા કારણથી લાંબા-ટૂંકા થાય છે?

વસિષ્ઠ કહે છે કે-વિધાતાને,પ્રથમ સૃષ્ટિના આરંભ-કાળમાં,કાકતાલીય ન્યાયની જેમ,જેવા જેવા નિયમ-વાળું,
જે જે વસ્તુનું ભાન થયું અને જેવા સ્વરૂપે તથા જેવા કાર્ય-કારણભાવથી તેની સ્થિતિ કલ્પાઈ,
તેવા જ પ્રકારે તે આજ પર્યંત જગતના નામથી ઓળખાય છે.
વિધાતા (સર્જનહાર) સર્વ શક્તિમાન છે,તેથી આદિકાળમાં જે જેવું ભાસ્યું તેવું જ સત્ય-રૂપ થઇ રહ્યું,
કેમ કે તેના પોતાનામાં સત્ય-સંકલ્પ હોવાને લીધે તેને જે ભાન થયું,તે અન્યથા (જુદું) કેમ થઇ જાય?

Aug 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1227

વસિષ્ઠ કહે છે-સૃષ્ટિના આદિકાળમાં શબલ-બ્રહ્મ (શક્તિશાળી કે શક્તિવાળું બ્રહ્મ) પોતાના સ્વરૂપની અંદર
જે કલ્પના જેવા પ્રકારે ઉઠાવે છે,તે જ પ્રમાણે તેનો અનુભવ (આપણને) થાય છે,કેમ કે તેમાં બીજું કંઈ પ્રતિબંધક નથી.
આ હિરણ્યગર્ભ (બ્રહ્મા) અને તેનાથી થયેલ આ જગત પણ તેની એક કલ્પના છે.
પછી તે હિરણ્યગર્ભે પ્રજાઓને કલ્પી લીધી તથા તપ,દાન,ગુણ,વેદ,શાસ્ત્ર,પંચમહાભૂતો અને જ્ઞાનના ઉપદેશો
પણ કલ્પી કાઢ્યા.તેની સાથે સાથે તપસ્વીઓ-આદિ જે કંઈ (વર-શાપ) કહે
તે સિદ્ધ થાય એવો નિયમ પણ કલ્પી કાઢ્યો.(તપસ્વીઓના ગુણ (ક્રોધ-વગેરે)થી  શાપ અને શાપની સિદ્ધિ
એ સર્વ કલ્પના-માત્ર જ છે.એમ કહેવાનો આશય છે!!)

Aug 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1226

વસિષ્ઠ કહે છે-જગતની અંદર જે પરમાણુ પ્રસિદ્ધ છે,તેના જેવડું જ ચિત્તનું પ્રમાણ છે.અને તે જ 'જીવ' કહેવાય છે.
અને તે જીવોના ચિત્તની અંદર જ આ આખું જગત રહેલું છે.સ્વપ્નમાં દેખાતા દૃશ્યની જેમ,આ જે કંઈ દૃશ્ય દેખાય છે
તે ચિત્ત-રૂપ છે અને તે ચિત્ત જીવરૂપ છે,તેથી જગત અને આત્મા-એ બંનેમાં શો ભેદ છે?
સ્વપ્ન ભૂમિની જેમ આ સર્વ જગત ચિદાકાશની અંદર (ચૈતન્યની) આરોપિત સત્તા વડે રહેલું છે.
સમાનતા,સત્યતા,સત્તા,એકતા,નિર્વિકારપણું,આધાર-આધેય ભાવ- એ બધું જગત અને ચિદાકાશ એ બંનેમાં રહેલું છે.
ભિન્ન લાગતા એવા વર-શાપ આદિમાં વ્યવહારિક રીતિથી ભિન્નતા લાગે છે પણ વસ્તુતઃ તેમાં ભિન્નતા નથી.