Oct 5, 2021

Gujarati-Ramayan-Rahasya-93-ગુજરાતી-રામાયણ-રહસ્ય-93


જે ગામ કે નગરની પાસેથી રામજી પસાર થાય છે,તે ગામ કે નગરના લોકોના ભાગ્યની દેવો યે પ્રંશસા કરે છે.
રામજીને જોવા,રામજીના દર્શન કરવા, સીમમાં લોકોનાં ટોળે-ટોળાં ઉભરાય છે.જે જુએ છે તે જોતાં જ રહે છે,
જાણે મોટો ખજાનો મળ્યો હોય તેવો તેમને હરખ ચડે છે.વડના ઝાડની નીચે છાયામાં પાંદડાંનું આસન બનાવીને રામજીને બે ઘડી બેસી થાક ખાવાની લોકો પ્રાર્થના કરે છે અને રામજી તે પ્રાર્થનાને સ્વીકારે પણ છે.

કપાળ પરથી પરસેવાનાં બિંદુ ટપકે છે,એવા રામ,સીતા અને લક્ષ્મણ આરામ કરવા બેસે છે,
ત્યારે લોકો ધારી ધારીને તેમને જોયા કરે છે.એ મનોહર રૂપનું વર્ણન કરવું અશક્ય છે.
તુલસીદાસજી કહે છે કે-શોભા ઘણી છે,ને મારી બુદ્ધિ થોડી છે, “શોભા બહુતુ થોરી મતિ મોરી”
વટ-વૃક્ષ તળે આરામ કર્યા પછી રામજીએ લોકોની રજા માગી.રસ્તામાં આગળ ચાલી,એક ઝાડ નીચે રાત ગાળી, બીજે દિવસે રામજી,વાલ્મિકીજીના આશ્રમમાં આવ્યા.સમાચાર સાંભળી વાલ્મિકીજી સામા આવ્યા છે.
રામચંદ્રજીએ વાલ્મીકિજીને દંડવત પ્રણામ કર્યા છે,વાલ્મીકિને અતિ આનંદ થયો છે.

રામજીએ કહ્યું કે-વનવાસને હું મારા પુણ્યનો ઉદય સમજુ છે,જેથી મને આપનાં દર્શનનો લાભ મળ્યો.
અને પછી પ્રાર્થના કરીને કહ્યું કે-અમારે વનમાં વાસ કરવો છે,તેથી,અમને એવી કોઈ જગા બતાવો કે 
જ્યાં અમે પર્ણકુટી બાંધી ને રહી શકીએ.

અહીં તુલસીદાસજીએ,વાલ્મિકીજીના મુખે,રામ એ જ પરમાત્મા છે,સગુણ અને નિર્ગુણ એક જ છે,
અને રામ તો સર્વત્ર વસે છે,સર્વ ભક્તોના હૃદયમાં વસે છે તેનું સુંદર વર્ણન કર્યું છે.
વાલ્મિકીજી કહે છે કે-આપે મને પૂછ્યું કે હું ક્યાં રહું? પણ આપ ક્યાં નથી?આપ જ્યાં ના હોવ, 
તેવું કોઈ સ્થળ મને બતાવશો?પછી હું આપને રહેવાનું સ્થાન દેખાડું.
જો કે વાલ્મીકિજીથી કશું અજાણ્યું નહોતું,તે પોતે રામજીના અવતારનું રહસ્ય જાણતા હતા.
એટલે તેમણે કહ્યું કે-ચિત્રકૂટ પર્વત પર આપ વિરાજો.

ભાગવતની જેમ રામાયણની પણ સમાધિ ભાષા છે.
ચિત્ત એ ચિત્રકૂટ છે.અંતઃકરણ જયારે પરમાત્માનું સતત ચિંતન–મનન કરે ત્યારે તેણે ચિત્ત કહે છે.
ચિંતન કરવું એ ચિત્તનો ધર્મ છે.
ચિત્તમાં જો પરમાત્મા આવે તો,ચિત્ત ચિત્રકૂટ બની જાય.જીવ કૃત-કૃત્ય બની જાય.
ચિત્રકૂટ એ મહાપવિત્ર સ્થળ છે.આ ચિત્રકૂટના ઘાટ પર તુલસીદાસજીને રામજીનાં દર્શન થયા હતાં.

ચિત્રકૂટના ઘાટ પર તુલસીદાસજી ચંદન ઘસતા હતા,અને રામજી આવી તિલક કરાવી ગયા,પણ
તુલસીદાસે રામજીને ઓળખ્યા નહિ.ત્યારે હનુમાનજીથી રહેવાયું નહિ.રામજી ફરી તિલક કરાવવા આવ્યા,
ત્યારે હનુમાનજી એ તુલસીદાસ ને ચેતવી દીધા.
'ચિત્રકૂટ કે ઘાટ પર,ભઈ સંતનકી ભીર,તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર.'
હનુમાનજી પોપટ બનીને આ દુહો ત્રણ વાર બોલ્યા હતા એમ કહેવાય છે.

પાપનું મૂળ ચિત્તમાં છે અને પાપ થાય છે અજ્ઞાનથી.આ ચિત્તમાંથી અજ્ઞાન જાય અને વિશુદ્ધ બને
તો ચિત્તમાં રઘુનાથજી વસે.રામચંદ્રજી ચિત્રકૂટમાં આવ્યા છે,સાથે ગુહ છે તે બધી સેવા ઉઠાવે છે.
રામજીના ચિત્રકૂટના આગમનની આજુ બાજુ ખબર ફેલાતાં ભીલ,કિરાત વગેરે લોકો,રામજીના દર્શન કરવા 
આવે છે.રામજીનાં દર્શન માત્રથી પાપો છૂટી જાય છે,પાપના વિચારોનો નાશ થાય છે,વિચારો બદલાઈ જાય છે,
અને સદવિચારો ઉભરાય છે.રામજીનું ચિંતન કરતાં જ દુષ્ટ રાવણ પર એવી અસર થતી હતી 
તો,અહીં,ભોળા નિખાલસ વનવાસીઓ હતા કે જેમણે કુડ-કપટનું ભાન નથી.
તે તો કેવળ સંસ્કારોના અભાવે ચોરી-લૂંટ કરવા લલચાતા હતા.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE