More Labels

Jun 28, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૮

મનુષ્ય ના જીવનના કર્તા-હર્તા પરમાત્મા છે,અને જીવ ને આ સત્ય ની પ્રતીતિ ત્યારે જ થાય જયારે પરમાત્મા માં પ્રીતિ થાય.બાકી જ્ઞાનની (કર્તા-હર્તા પરમાત્મા છે-એવી) મોટી-મોટી વાતોથી કશું વળતું નથી.
આપણે તો કોઈનું નાનું શું પણ કામ કર્યું હોય,તો મોટો વાઘ માર્યો હોય તેવી બડાઈઓ હાંકીએ છીએ.
અને “મેં કર્યું” એવો ખોટો ખોટો જશ લેવા દોડીપણ જઈએ છીએ.એ વખતે જીવ ભૂલી જાય છે કે-“કર્તા-હર્તા ભગવાન છે,ને મેં કશું કર્યું નથી”
ગીતાજીમાં પ્રભુએ બૂમો પાડીને કહ્યું –કે-“ફળ પર તારો અધિકાર નથી”.
પણ તેને સાચી રીતે ગીતાના એ “કર્મણ્યેવાધિકારસ્તે” ને સમજવાની જીવ ને ફુરસદ ક્યાં છે?

ગાડા નીચે કુતરું ચાલે અને માને કે આ ગાડા ને હું જ ખેંચું છું.મારા લીધે ગાડું ચાલે છે.
તેવી જ આપણી દશા છે.આ જીવ ના “હું અને મારા” નો ક્યાંય અંત થતો જ નથી.
નરસિંહ મહેતા એ કહ્યું કે-હું કરું હું કરું એ જ અજ્ઞાનતા,શકટ(ગાડા)નો ભાર જેમ શ્વાન (કુતરું) તાણે.
આપણે આ શ્વાન જેવા શઠના સરદાર છીએ.પછી પરમાત્મા ક્યાંથી પ્રસન્ન થાય? ઈશ્વર ક્યાંથી મળે?

શ્રીરામ, હનુમાનજી ને કહે છે કે-
હું તમારો ઋણી છું.અને એ ઋણ એવું છે કે હું કોઈ રીતે વાળી શકું તેમ નથી.
અહીં જોવામાં આવે તો-પરમાત્મા ની ભક્ત પ્રત્યે આવી વિનય-શીલ દૃષ્ટિ છે.પોતે જે જીવ માટે કર્યું છે,
તેની કોઈ વાત પોતે કરતા નથી,પણ ભક્ત નું ઋણ લેવાનું પસંદ કરે છે. બાકી કોઈ જીવે જો પરમાત્મા જેટલું જ જો કંઈ કર્યું હોય તો કહી બેશસે-કે-હશે એને  કર્યું એમાં શું નવાઈ,મેં પણ ઘણું કર્યું છે તેને. માટે.
પણ અહીં પરમાત્મા એવું કહેવા બેસતા નથી.અને “પોતે ઋણી છે” એમ કહે છે..

સાચો ભક્ત તો પ્રભુની કૃપાની પણ અપેક્ષા રાખતો નથી,સેવા કરવી એ સેવક નો ધર્મ છે,એમ સમજી સેવા કરે છે.સેવા કરવાની શક્તિ ભગવાને આપી છે,અને તો જ સેવા પણ થઇ શકે છે.
હનુમાનજી એ પણ કોઈ અપેક્ષા રાખી નથી,માલિકે અતિશય આગ્રહ કરીને કહ્યું –ત્યારે –પણ-
“આપની નિશ્ચલ ભક્તિ આપો” એ સિવાય બીજું કંઈ માગ્યું પણ નથી.
કારણ-કે ભક્ત ને માગવા-પણું છે જ નહિ,સાચો ભક્ત આશા-આકાંક્ષા થી પર છે.
તીવ્ર-ભક્તિ થાય ત્યારે આશા-આકાંક્ષા,સુખ-દુઃખ,ભાવ-અભાવ-એ બધા દ્વંદો નો છેદ ઉડી જાય છે.

કવિઓ,વિદ્વાનો ને મહાપુરુષો કહે છે કે-સુંદરકાંડ માં શું સુંદર નથી? એક એક વસ્તુ સુંદરતા થી ભરી છે.
સુંદરકાંડમાં  માત્ર હનુમાનજીના પરાક્રમો નું વર્ણન છે એટલે જ તે સુંદર છે –એવું નથી,પણ,
તેમાં,અત્યંત પ્રસંશા કરવી પડે તેવા સદગુણો નો ભંડાર ખુલ્લો મુકાયો  છે.
નિષ્કામ સેવા,ત્યાગ,આત્મ-સમર્પણ,નિસ્પૃહતા,વિનમ્રતા,નિરાભિમાનતા,નિર્ભયતા,દૃઢ સ્વામી-ભક્તિ,
આત્મ-વિલોપન-વગેરે અનેક સદગુણો નું સુંદર દર્શન સુંદરકાંડમાં થાય છે.

હનુમાનજી ની નિરભિમાનતા,સ્વામી-ભક્તિ,શરણાગતિ ને દાસ્ય ભાવની કોઈ તુલના થઇ શકે તેમ નથી..
રામાયણ માં કહ્યા મુજબ,તેઓ વિદ્વાન છે,વેદ-શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે,એમનામાં,વાક્પટુતા છે,
દુરંદેશીપણું છે,વિવેક છે,વિનય છે,સ્વભાવની સરળતા છે,માણસને ઓળખી નાખવાની એમનામાં શક્તિ છે.

શ્રીરામને  પણ એમના આ અદભૂત સદગુણો પર શ્રદ્ધા બેઠી,અને સીતાજી ની ખોજમાં જતા પહેલાં,
બીજા ઘણા બધા વિરલાઓમાંથી માત્ર હનુમાનજી ને બોલાવી,તેમને વીંટી અને સંદેશો આપે છે.
આ બતાવે છે કે-શ્રીરામને હનુમાનજી પર કેટલો વિશ્વાસ છે!! અને એટલે જ પોતાની શક્તિ પણ,સાથોસાથ,કશું પણ કહ્યા વગર,તેમને પ્રદાન કરે છે.કે –કે જે સમુદ્ર ને પાર કરવાની અપાર શક્તિ, આપે છે.

સમુદ્ર ને પાર કરવાના પ્રસંગે પણ જયારે,હનુમાનજીને પોતાની શક્તિ યાદ નથી આવતી, ત્યારે,
જાંબવાનના શબ્દોથી,હનુમાનજી ની એ આત્મ-શક્તિ જાગૃત થાય છે.
અને આત્મ-શક્તિ નું મૂળ, એ દૃઢ-સ્વામીભક્તિ છે.
“કોઈ પણ રીતે સ્વામી (માલિક) નું કાર્ય થવું જ જોઈએ.અને મારે તે કરવું જ જોઈએ.
એમાં વળી શંકા-કુશંકાઓ ને ક્યાંથી સ્થાન?”
કંઈક આવું જ વિચારીને,શ્રીરામનું બાણ જેમ છુટે તેમ હનુમાનજી લંકા તરફ છૂટે છે.(કૂદકો લગાવે છે)
બાણ (તીર) નું એક જ કામ હોય છે અને તે લક્ષ્ય ને વીંધવાનું,અને
હનુમાનજી નું એક જ લક્ષ્ય છે-સીતાજીનો પત્તો મેળવવાનું.

અને એટલે જ લંકા જતી વખતે તે રસ્તામાં ક્યાંય થાક ખાવા પણ થોભતા નથી.
કાર્યમાં જયારે આવી તન્મયતા હોય તો કાર્ય સિદ્ધ થયા વગર રહે જ નહિ.
મન ની આવી એકાગ્રતા એ જ સફળતાની ચાવી છે.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE