Feb 4, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૧

શ્રીરામ તો પ્રાણી-માત્રના હિતકર અને વણમાગી દયાના કરનારા છે.તો જે દયા માગે 
તેના પર દયા કર્યા વિના એ કેમ રહે? તેમણે હસીને સારણને કહ્યું કે-જે જોવા આવ્યા હતા,
તે જોઈ લીધું હોય તો જાવ,અને હજુ જો જોવા તપાસવાનું કંઈ બાકી હોય તો,ખુશીથી જુઓ,
હું વિભીષણને આજ્ઞા કરું છું કે જે તમને મારી આખી સેના બતાવશે.
દુશ્મનથી પણ જેમને કશું છુપાવવાનું નથી,એમનું નામ શ્રીરામ.

શ્રીરામમાં અચળ ધર્મ-નિષ્ઠા ને અમાપ-આત્મ-શ્રદ્ધા છે.સત્ય નો જ જય થશે તેવી અવિચળ શ્રદ્ધા છે.
જે વિભીષણે રાવણના જાસૂસને પકડ્યો હતો તેમને જ, તેને જે જોવું હોય તે બતાવવાની આજ્ઞા કરે છે,
અને વિભીષણ જરાયે હિચકિચાટ વગર આજ્ઞા માથે ચડાવે છે, શ્રીરામના બોલમાં તેમને અપાર શ્રદ્ધા છે.
પછી શ્રીરામે સારણને છોડી દેવાનો હુકમ કર્યો.સારણ પર શ્રીરામના વર્તાવની એટલી બધી અસર થઇ કે-
એણે પણ જતાં જતાં “રામજીનો જય હો” એવો પોકાર કર્યો.

પછી રાવણની પાસે જઈ તેણે કહ્યું કે-હું પકડાઈ ગયો હતો પણ રામજીની દયાથી હું છુટીને આવ્યો છું.
આ સાંભળતાં જ રાવણ ગર્જ્યો-રામની દયાનું કોણ તને પૂછે છે?દુષ્ટ મે તને જે કામ માટે મોકલ્યો હતો તેની 
વાત કર. ત્યારે સારણે રામજીની સેનાનું વર્ણન કર્યું,એક એક સેનાપતિની તાકાતની વાત કરી.
અને છેલ્લે હિંમત કરીને કહી દીધું કે-શ્રીરામનું પોતાનું જ બળ અપાર છે,સુગ્રીવ,જાંબવાન,અંગદ કે 
હનુમાન –વગેરેની કોઈની યે મદદ ના હોય તો,પણ રામ એકલા આખી લંકા નગરીને છિન્નભિન્ન કરવાને 
સમર્થ છે.તે પોતે,વાનર સેનાથી જ સુરક્ષિત હોય તેવું નથી પણ વાનરસેના તેમનાથી સુરક્ષિત છે!!! 
મારો અંદાજ એવો છે કે-શ્રીરામની સાથે સંધિ કરવામાં જ લાભ છે.

ત્યારે રાવણ એકદમ ગુસ્સે થઈને બોલ્યો કે-અરે,દુષ્ટ,તું શત્રુના વખાણ કરે છે અને તેને તાબે થઈ જવાની,
મને સલાહ આપવાની હિંમત કરે છે? તું રાજનીતિનો કક્કો પણ જાણતો નથી અને મને શું કરવામાં લાભ છે 
તે સમજાવે છે? ચલ હટ,અહીંથી ,મને તારું કાળું મોં બતાવતો નહિ,પાડ માન મારો કે –અત્યારે હું તારો વધ 
કરાવતો નથી.આ જ રીતે -જેટલા જાસૂસ ગયેલા તે બધા પાછા આવીને રામજીના જ ગુણ-ગાન ગાતા હતા.

શાર્દૂલ નામનો રાક્ષસ-જાસૂસ તો રાવણને જાસૂસીના સમાચાર આપ્યા પછી રામના વખાણ કર્યા,ત્યારે રાવણ ગુસ્સે થયો,તો તેને પ્રણામ કરીને શાર્દૂલ ચાલી નીકળેલો,ને રામની સેનામાં જઈ ને વિભીષણનો અનુચર બની ને રહેલો.શ્રીરામનો આ પહેલો જ વિજય કહી શકાય,ને તે પણ કંઈ જેવોતેવો નથી.શ્રીરામ પોતાના હૃદય દ્વારા 
અને પ્રેમ દ્વારા દુશ્મનને જીતે છે. શસ્ત્ર-અસ્ત્ર એ તો રામજીનું છેલ્લામાં છેલ્લું સાધન છે,

સાચી વાત તો એ છે કે-રાવણ –નામના વ્યક્તિને હરાવવાનું આ યુદ્ધ નથી,
પણ આ તો-“રાવણ-નીતિ” અને “રામ-નીતિ” વચ્ચેનું યુદ્ધ છે.
આજે પણ આ નીતિ વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે.
તુલસીદાસજી કહે છે કે-મન એ જ “મય દાનવ છે.” (મય-દાનવે સોનાની લંકા બનાવેલી)
એ દાનવ –મન-રોજ રોજ નવી નવી સુવર્ણની લંકાઓ પેદા કરે છે.
લંકા એટલે પ્રવૃત્તિનો ગઢ.એ ગઢ પર કોઈ વખત,દેવતા,કોઈ વખત દાનવ કે યક્ષોનું રાજ્ય થાય છે.

જો સત્કર્મની પ્રવૃત્તિ હોય તો,દેવોનું રાજ્ય સમજવું,
બીજાને હેરાન કરવાની પ્રવૃત્તિ હોય તો, દાનવનું રાજ્ય સમજવું,અને 
પૈસા કમાવાની પ્રવૃત્તિ હોય તો યક્ષનું રાજ્ય સમજવું. જેવો સંગ તેવી લંકાની પ્રવૃત્તિ.
લંકિની (રાક્ષસી) એ લંકાની મૂળ પ્રવૃત્તિ છે,
પણ હનુમાનજીના બે ઘડીના સત્સંગથી તેનું મન શુદ્ધ થઇ ગયું હતું.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE