Feb 10, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૯૫

હનુમાનજી સરોવરમાં પાણી પીવા ગયા,ત્યાં જેવો પાણીમાં પગ મૂક્યો કે એક મગરીએ તેમનો પગ પકડ્યો,હનુમાનજી એ તેને બહાર ખેંચીને મારી નાખી.ત્યારે મગરી દિવ્ય-અપ્સરા રૂપે પ્રગટ થઈને બોલી-દુર્વાસાના શાપે હું મગરી બની હતી પણ આજે તમારા હાથે મારો ઉદ્ધાર થયો.પછી પ્રણામ કરી તે બોલી કે-તમે જેને ઋષિ સમજો છો તે ઋષિ નથી પણ કાલનેમિ નામે રાક્ષસ છે ને તમને દ્રોણાચલ પર જતાં રોકવાનો પ્રયાસ કરવા રાવણના કહેવાથી આવ્યો છે.માટે તેમાં ફસાતા નહિ.

હનુમાનજી તરત જ પાછા આવ્યા એટલે કાલનેમિ કહે છે કે-ચાલો તમને મંત્ર-દીક્ષા આપું.
હનુમાનજી કહે છે કે-પહેલાં ગુરુદક્ષિણા લો પછી મંત્ર આપજો.આમ કહી તેમણે કાલનેમિને પૂંછડામાં લપેટીને ઉંચો કરીને પછાડ્યો,અને કાલનેમિ એ “રામ-રામ” કહીને પોતાના પ્રાણ છોડી દીધા.
હનુમાનજી તરતજ બમણા વેગથી આગળ ચાલ્યા,ને દ્રોણાચલ પર્વત પર પહોંચી ગયા,ને સંજીવનીને શોધવા લાગ્યા,પણ સંજીવની ઔષધિ તેમનાથી ઓળખી શકાઈ નહિ,એટલે,તેમણે વિચાર્યું કે-
આટલે સુધી આવીને ભળતી જ ઔષધિ લઇ જવી પાલવે નહિ,એટલે એમણે આખો દ્રોણાચલ પહાડ જ ઉઠાવ્યો.અને લંકાના રસ્તે પડ્યા.

આ તરફ રામજીના વિલાપનો અંત નથી,લક્ષ્મણજીનું માથું પોતાના ખોળામાં લઈને બેઠા છે અને 
હનુમાનજીના આવવાના રસ્તા તરફ તાકી રહ્યા છે.અને કહે છે કે-
“અડધી રાત થઇ તો યે હજુ હનુમાન આવ્યા નહિ,અરે રે,દૈવ,તેં શું ધાર્યું છે? 
ઓ ભાઈ લક્ષ્મણ,તેં મારા માટે બધું છોડ્યું ને હું તારા માટે મારા મામુલી પ્રાણ છોડી શકતો નથી?”

રામજીનો વિલાપ સાંભળી આખું સૈન્ય સ્તબ્ધ થઈને તેમની સાથે જ વિલાપ કરે છે,
ત્યાં જ કરુણ-રસથી ભરપૂર આવા વાતાવરણ જાણે અંત આવી ગયો,ને સર્વેએ હનુમાનજીને આખો,
દ્રોણાચલ પર્વત લઈને આવતા દૂરથી જોયા.હનુમાનજીએ આવી ને સુષેણ વૈદ્યને કહ્યું કે-ઔષધિ તો 
જડી નહિ એટલે આખો પહાડ ઉઠાવી લઇ આવ્યો છું,હવે તમે તેમાંથી ઔષધિ ખોળી કાઢો.
સુષેણે તરત જ ઔષધિ ખોળી કાઢી ને તેનો રસ કાઢીને લક્ષ્મણજીના ગળામાં ઉતાર્યો.

કહે છે કે-આ વખતે હનુમાનજીને અભિમાન થયું કે-આટલો મોટો પહાડ આટલે દૂરથી,
આટલા સમયમાં મારા સિવાય કોણ લઇ આવી શકત? હું છું તો લક્ષ્મણજી બચી જશે.
સુષેણ વૈદ્યને પણ થયું કે-મારી દવાથી લક્ષ્મણજી બેઠા થશે,મેં તેમને જીવાડ્યા છે.
દવા ગળામાં ઉતારી પણ હજુ લક્ષ્મણજીમાં ચેતન આવતું નથી,બધા વિચારે છે કે-આમ કેમ? 
ત્યારે વૃદ્ધ જાંબવાને કહ્યું કે-વૈદરાજ,તમે દવા તો બરાબર આપી પણ એમાં અનુપાનની ખામી છે.
વૈદ્યે કહ્યું-એટલે શું? જાંબવાને કહ્યું કે-દવાની સાથે શ્રીરામની ચરણરજ આપો તો દવાની અસર થશે.

પછી તો રામની ચરણરજ લઇ ઔષધિમાં આપી કે તરત જ લક્ષ્મણજી હોંકારો કરતા બેઠા થઇ ગયા.
પરમાનંદ થયો છે.હનુમાનજી અને સુષેણનું પણ અભિમાન ઓગળી ગયું.
હનુમાનજી સમજી ગયા કે- આ તો બધી પ્રભુની લીલા છે.
મૂર્છા પણ લીલા,વિલાપ પણ લીલા, અને ઔષધિ પણ લીલા.આમ કરીને પ્રભુ ભક્તોને યશ આપે છે.
નહિ તો દ્રોણાચલ સુધી પહોંચવાની મારી તાકાત ક્યાં હતી?
આખો દ્રોણાચલ ઉપાડી લાવવાનું મારું ગજું શું? આ બધું ઈશ્વરની ઇચ્છાથી જ થાય છે.
સુષેણ પણ સમજી ગયો કે-કર્તા-હર્તા ભગવાન છે,હું તો નિમિત્ત છું.હું વળી જીવાડનાર કોણ?
પછી હનુમાનજી સુષેણને લંકામાં પાછા મૂકી આવ્યા.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE