Aug 24, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૮

(૧૨) ભોગની દુઃખરૂપતા,વિષયોની અસત્યતા અને સંપત્તિની અનર્થરૂપતા

રામ બોલ્યા-હે,ભગવન,હું તો અજ્ઞાની છું,પણ આપે પૂછ્યું છે,એટલે મારો સઘળો અનુભવ આપને કહું છું.
હું,મારા પિતાના ઘરમાં જન્મ્યો,મોટો થયો,વિદ્યાભ્યાસ પછી,ઘરમાં રહ્યો,તે પછી સદાચારમાં તત્પર થઇ,
હું તીર્થયાત્રા કરવા સારું,સકળ પૃથ્વી પર ફર્યો.
એટલા કાળ માં સંસાર પરથી આસ્થા ઉઠાડી દે તેવો ‘વિવેક’ મારા મનમાં ઉત્પન્ન થયો,
એટલે પછી,ભોગમાં રાગ વગરની થયેલી બુદ્ધિથી,હું પોતે વિચાર કરવા લાગ્યો કે-

--અરેરે,આ સંસાર- સંબંધી જે સુખ છે –તે શું છે? તે તો ખરેખર કંઈ નથી!!
--આ સંસારમાં લોકો મરવા માટે જ જન્મે છે,અને ફરી જન્મવા માટે જ મરે છે,
--આ સ્થાવર-જંગમ-રૂપ,જે ભોગો છે,તે બધા અસ્થિર છે,તે ભોગો,મોટી આપદા-રૂપ અને પાપ-રૂપ છે.
  કેવળ મન ની કલ્પનાથી તેઓનો સંબંધ સુખ-દુઃખ સાથે કરવામાં આવે છે
--આ સઘળું જગત પણ મન ને આધીન (મન જેવી કલ્પના કરે તેવું પ્રતીત થનારું) છે.
  અને તે -મન ખોટું હોય તેમ જણાય છે,છતાં આપણે શા માટે મોહ પામીએ છીએ?
--કષ્ટ ની વાત એ છે કે-આપણે ઝાંઝવાં ના જળ જેવા વિષયોથી ખેચાઈએ છીએ,
  આપણને કોઈએ વેચ્યા નથી,પણ વેચાયા જેવા થઈને રહ્યા છીએ.
  અને,આ કંઈ ઇન્દ્રજાળ જેવું છે,-એમ જાણવા છતાં પણ આપણે મૂઢ બની રહ્યા છીએ.
--આ પ્રમાણે પ્રપંચોમાં શો સાર છે? આ મોહ થી જ “આપણે બંધાયા છીએ” એમ માની બેઠા છીએ,
  અને આ ભોગો જ એવા અભાગિયા છે,કે જેમણે આપણ ને “બંધન છે” એવું મનાવી પણ દીધું છે.
--ઘણા સમય પછી,જાણવામાં આવ્યું કે-આપણે નિરર્થક જ મોહ-રૂપી ખાડામાં પડ્યા છીએ.
--‘હું કોણ છું?’-- ‘આ દૃશ્ય પદાર્થો શી વસ્તુ છે?’—‘મારે રાજ્ય અને ભોગો સાથે શો સંબંધ છે?’—
  આ બધું જે ખોટું છે તે ખોટું જ છે,અને ખોટાની સાથે કોઈને કંઈ લાગતું-વળગતું છે જ નહિ.

હે,ભગવન,આ પ્રમાણે વિચાર કરતાં કરતાં મને સઘળાં પદાર્થોમાં અરુચિ થઇ છે,એટલે,
હવે મને આપ કહેશો કે,ઇન્દ્રજાળ જેવું આ જગત શા કારણથી ઉત્પન્ન થાય છે?
શા કારણથી તે વધે છે? અને શા કારણથી તે નાશ પામે છે?

‘સંસારનાં આ દુઃખો શી રીતે ટળે?’ એ ચિંતા થી હું તપી રહ્યો છું,
ને મારું હૃદય સંસારના દુઃખો-રૂપી પથ્થરોથી પુરાઈ ગયું છે.
સ્વજનોને ખેદ ના થાય,એટલે હું આંસુ પાડીને રોતો નથી,પણ હું અંદર ને અંદર રોયા કરું છું,
તેમને સારું લાગે તે માટે કોઈ કોઈ વાર મુખ મલકાવું છું,બોલું-ચાલુ છું,
પણ તે વૃત્તિઓ રસ-રહિત છે, એ વાત મારા હૃદયમાં રહેલો વિવેક જ જાણે છે.

જેમ,ધનવાન માણસનું ધન જતું રહે અને દરિદ્રતા આવે ત્યારે તે આગલી દશા સંભાળીને બહુ મુંઝાયા કરે છે,તેમ,હું પણ પરમાનંદમાંથી ખસીને, જયારે, આ સંસારની ખટપટ માં આવી પડ્યો છું,ત્યારે,
આગલી (પરમાનંદની) દશા સંભાળીને બહુજ મુંઝાયા કરું છું.

આ રાજ્ય-સંપત્તિ-કેવળ ઠગારી જ છે,વળી તે,મન ની વૃત્તિ ને મૂંઝાવી દેનારી,
ગુણો ના સમૂહ ને તોડનારી,અને દુઃખ ના સમૂહ ને આપનારી છે,
જેથી અનેક ચિંતાઓ-રૂપી ચકરીઓ ઉત્પન્ન કરનાર આ ધન-સંપત્તિ (અને ભોગો) મને આનંદ આપતાં નથી.

“ક્ષણભંગુર એવા દેહાદિક (શરીર-વગેરે) માં પડવાને લીધે,અનેક પ્રકારનાં દુઃખ અને દુર્દશાઓ વેઠવાં પડે છે” તેનો વિચાર કરતાં મને મનમાં સુખ વળતું નથી.

હે,ભગવન, જયારે,
આ -અજ્ઞાન-રૂપ- રાત્રિમાં,-મોહ-રૂપ- ઝાકળ થી,
લોકો ની -વિચાર-રૂપ- આંખની શક્તિ બંધ પડી ગઈ છે,ને,
વળી,સેંકડો -વિષય-રૂપ- ચોરો, -વિવેક-રૂપી- મુખ્ય રત્ન ને ચોરી કરવામાં લાગી રહ્યા છે,
ત્યારે “તત્વ-વેતાઓ” સિવાય બીજા કોણ તેમને મારી હટાવવા સમર્થ છે?
    INDEX PAGE
     NEXT PAGE