Jan 26, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-61



ત્યારે યમરાજ બોલ્યા-કે-હે,મૃત્યુ,તું કોઈને પણ પોતાના બળથી (બળાત્કારે) મારવા સમર્થ નથી.
પ્રાણીઓ ને તો તેમનાં કર્મો જ મારે છે.બીજું કોઈ તેમને મારી શકતું નથી.
માટે જો તું તે બ્રાહ્મણને મારી નાખવા ધરતો હોય તો,પ્રયત્ન કરીને તેનાં કર્મો ને શોધી કાઢ,એટલે,
તે કર્મો ની સહાયતાથી તું તેને મારીને -ખાઈ શકીશ,

વશિષ્ઠ કહે છે કે-ત્યાર પછી તે "મૃત્યુ" એ બધે જ તે બ્રાહ્મણ ના કર્મો ની શોધ કરી પણ તેં કોઈ પત્તો મળ્યો નહિ,
એટલે તે ફરી પાછો યમરાજ પાસે આવી ને -તે બ્રાહ્મણ ના કર્મો ને ક્યાં ખોળવા? તેના વિષે પૂછવા લાગ્યો.
યમરાજ કહે છે કે-હે,મૃત્યુ,એ આકાશજ બ્રાહ્મણ નાં કોઈ કર્મો નથી,કારણકે -
એ બ્રાહ્મણ કેવળ-"આકાશ" થી ઉત્પન્ન થયો છે.
અને જે આકાશથી જ ઉત્પન્ન થયો હોય તે  નિર્મળ આકાશ જેવો જ હોય છે.

જેમ,જેનો જન્મ ન થયો હોય એણે પૂર્વ-કર્મ નો જરા પણ સંબંધ નથી,
તેમ,એ આકાશજ બ્રાહ્મણ ને પ્રાચીન કર્મો નો જરા પણ સંબંધ નથી.
અવિદ્યા (માયા) વગેરે કારણો નહિ હોવાને લીધે,એ બ્રાહ્મણ "આકાશ-રૂપ" જ  (આકાશજ) છે.
જેમ,આકાશમાં મોટું ઝાડ હોવું અસંભવિત છે,તેમ તે બ્રાહ્મણ નાં પૂર્વ-કર્મો છે જ નહિ.
અને આ રીતે તેનાં પૂર્વ-કર્મો નહિ હોવાને લીધે તેનું મન પરવશ નથી,એટલે,
આજ સુધી પોતાને ભોગવવા પડે એવું કોઈ પૂર્વ-કર્મ તેણે કર્યું નથી.

આ પ્રમાણે,આકાશના ઘર-રૂપ એ બ્રાહ્મણ (આકાશજ) સ્વચ્છ આકાશ-રૂપી પોતાના "કારણ" માં જ રહેલો છે,
માટે તે નિત્ય છે.આથી જગતમાં તે ચિદાકાશ-રૂપ જ છે.
છતાં પણ તેના "પ્રાણ ના ચલન-રૂપી" જે કર્મ જોવામાં આવે છે, તે માત્ર આપણા જેવા લોકોના જ જોવામાં
આવે છે,પણ તે બ્રાહ્મણ તે કર્મ ને "તે કર્મ ને તે સાચું છે"  એમ જાણતો નથી.

જેમ જળમાં "દ્રવ્ય-પણું" રહ્યું છે અને આકાશમાં "શૂન્ય-પણું" રહેલું છે,તેમ પરમ-પદ માં તે બ્રાહ્મણ રહેલો છે,
તેનાં કોઈ પૂર્વનાં-કે હમણાંનાં કર્મો નથી એટલે તે સંસાર ને વશ થયો નથી. તો તેને કેવી રીતે દબાવી શકાય?
જે જીવ ને "હું દેહ-રૂપ છું" એવો નિશ્ચય થઇ જાય તે દેહ-રૂપ થઇ જાય છે -તેને જ  તરત પકડી શકાય છે,
માટે એ બ્રાહ્મણ  જો "હું દેહ-રૂપ છું" એવી મરણ-રૂપ કલપના કરશે તો જ  તારાથી તેને પકડી શકાશે.
પણ તે બ્રાહ્મણ ને હજુ દેહાભિમાન થયું નથી,તેથી તે દેહ-રહિત છે.
માટે જેમ,ભલે મજબૂત દોરી હોય પણ તેનાથી આકાશને બાંધી શકાતું નથી,
તેમ તારાથી તે બ્રાહ્મણ ને બાંધી શકાશે નહિ.

મૃત્યુ બોલ્યો-હે,ભગવન, આ બ્રાહ્મણ,એ શૂન્ય આકાશમાંથી શી રીતે ઉત્પન્ન થયો? એ તમે કહો.
વળી પંચ-મહાભૂત-મય દેહનો સંબંધ કેવી રીતે થાય છે અને કેવી રીતે થતો નથી તે મને કહો.

યમ કહે છે કે-એ બ્રાહ્મણ કેવળ વિજ્ઞાન ના પ્રકાશ-રૂપ છે,માટે એ કદી જન્મ્યો નથી,
અને કદી પણ "નથી હોતો' તેમ પણ નથી.......એ તો સદા નિર્વિકાર-સ્વ-રૂપે રહેલો છે.
જયારે મહા-પ્રલય થાય છે,ત્યારે બીજું કંઈ પણ અવશેષ રહેતું નથી,પણ માત્ર -
શાંત,અજર,અમર,અનંત,કેવળ,સૂક્ષ્મ,ઉપાધિરહિત,સર્વોત્તમ અને અનાત્મ-પદાર્થો થી રહિત -
એ પર-બ્રહ્મ જ શેષ રહે છે.
જયારે સૃષ્ટિ નો આરંભ થાય છે,ત્યારે એ બ્રહ્મ નો સ્વભાવ "જ્ઞાન-માત્ર" હોવાથી -
તેમાં "પર્વત ના જેવું" અને "હું દેહ છું" એમ કહેવાના પાત્ર-રૂપ એવું "વિરાટ-સ્વરૂપ"
આપણી "વાસના-રૂપ-હેતુ થી"
"કાક-તાલીય-ન્યાય" (કાગનું બેસવું-તાડનું પડવું) વડે સ્ફૂરી નીકળે છે.

અને તે જ વખતે, સ્વપ્ન-ના "શરીર" જેવો "મિથ્યા" આકાર -અકસ્માત જ જોવામાં આવે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE