Feb 10, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-76



તે સત્- એ-જગત ની વ્યકત-અવસ્થા અને અવ્યક્ત અવસ્થા માં રહેનાર "પરમાત્મા" છે.
પોતાને નાક,કાન,જીભ,નેત્ર કે ચામડી ના હોવા છતાં-તે સર્વદેશ અને કાળમાં સાંભળે છે, સ્વાદ લે છે,
સુંઘે છે,સ્પર્શ કરે છે અને જોયા કરે છે. એમના પ્રકાશ થી જ સઘળું જગત પ્રકાશે છે.

એમનું સ્વ-રૂપ જ "અજ્ઞાન" ના સમયમાં સૃષ્ટિ-રૂપે વિચિત્ર લાગે છે અને 
જ્ઞાનમાં આદિ-અંત વિનાની લાગે છે.
એ દેવ (પરમાત્મા) આકાશની પેઠે નિર્લેપ રહીને પોતાના સ્વ-રૂપની સત્તાથી પોતાના સત્-રૂપ લાગતા
જગતને જોયા કરે છે.સત્-રૂપ પરમાત્મા નું બીજું કોઈ "કારણ " હોવાની કલ્પના કરવી -
એ સસલાના શિંગડા ની કલ્પના કર્યા જેવું છે.

જેમ તરંગોનો સમૂહ -એ જળ ના "કાર્ય-રૂપ" છે,તેમ આ જગત પણ તે પરમાત્મા ના કાર્ય-રૂપ છે.
નિરંતર પ્રકાશતા અને ચિત્ત-રૂપી સ્થાનકોમાં રહેનારા એ "ચૈતન્ય-માત્ર -દેવ-રૂપી દીવા " ના પ્રકાશથી
સઘળું બ્રહ્માંડ પ્રકાશ્યા કરે છે. એ દેવ (બ્રહ્મ) ના હોય તો સૂર્ય વગેરે પ્રકાશો-અંધકાર સમાન થઇ પડે છે.
એ દેવ જયારે "મન"નું રૂપ ધારણ કરે છે,ત્યારે તેમાં આ જગત દેખાય છે,અને જયારે તે-
"મન-રૂપ=પણા" ને છોડી દે છે-ત્યારે તેમાં આ જગત દેખાતું નથી.

જગતની ઉત્પત્તિ અને પ્રલય-પણ કહેવા પૂરતાં જ તે દેવથી જુદાં છે,પણ વાસ્તવિક રીતે તે જુદાં નથી.
કારણકે એ દેવ ની સત્તા એવી અખંડિત છે કે-તેમાં બીજા કોઈની સત્તા સમાય તેમ નથી.
એ દેવ -જ્ઞાની પુરુષોમાં પ્રકાશમાન અને અજ્ઞાની પુરુષોમાં અપ્રકાશિત છે,જયારે-
મુક્ત-પુરુષોમાં તે પ્રકાશિત પણ નથી અપ્રકાશિત પણ નથી.

એ દેવ ચલન-રહિત છે,કલ્યાણ-સ્વરૂપ છે,અને શાંત-સ્વરૂપ છે.અને,
એમનામાં જ કલ્પાયેલી અવિધ્યા (અજ્ઞાન-માયા) ના ચલન થી ત્રણ જગતની ઉત્પત્તિ થાય છે.
એ એક જ દેવ (બ્રહ્મ) અધિષ્ઠાન રૂપ અને ભરપૂર સત્તા-વાળા છે,અને-
બ્રહ્માંડો નો નાશ થતાં પણ તે દેવ ની સત્તાનો નાશ થતો નથી.

આ દેવ પ્રત્યક્ષ હોવા છતાં ગ્રહણ કરી શકાતા નથી, એ વાણી-રહિત હોવા છતાં બોલે છે,
મન-રહિત હોવા છતાં મનન કરે છે,સદા તૃપ્ત છતાં ભોગવે છે અને ક્રિયાઓ (કર્મો) ના સાધન
વગરના હોવા છતાં ક્રિયાઓ કરે છે.અંગ-રહિત હોવા છતાં અંગો-વાળા છે,
કોઈ માં રહેલા નથી છતાં જગતમાં વ્યાપ્ત છે.

એ દેવ ઇન્દ્રિયો ના બળ થી રહિત હોવા છતાં સઘળી ઇન્દ્રિયો ની ક્રિયાઓ તેમનાથી જ થાય છે,
મનથી રહિત હોવા છતાં જગત ની આ સઘળી રચનાઓ એમના મનના સંકલ્પ થી પેદા થઇ છે.
એ દેવ ને નહિ જોવાથી -સંસાર-રૂપી સર્પ થી ડર લાગે છે,અને
તેમના દર્શન થી ડર અને કામનાઓ ભાગી જાય છે.

એ દેવ (બ્રહ્મ) નો જો સાક્ષાત્કાર થાય તો-તમે,હું અને સઘળાં લોકો એક-રૂપ જ છીએ અને જો,
સાક્ષાત્કાર ના થાય તો સર્વે ભિન્ન-ભિન્ન છીએ.
કાળ-સંબંધી છ વિકારો,દૃશ્ય પદાર્થો નો દેખાવ,અને અનેક જાતના માનસિક મનોરથો એ દેવ ને લીધે જ
સ્ફૂરે છે.એ દેવ ના પ્રકાશથી જ જગતનો પ્રકાશ થાય છે,ક્રિયા-રૂપ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ અને અંતઃકરણ નું ચૈતન્ય -વગેરે સઘળું -જે કંઈ તમારા જાણવામાં આવે છે તે આ દેવ (બ્રહ્મ) જ છે.

હે,સુજન,પ્રમાતા-પ્રમાણ અને પ્રમેય-એમાં અખંડિત-રૂપે જે જ્ઞાન રહેલું છે-તે તમારું સ્વરૂપ છે -
એમ તમે તમારા એકાગ્ર મનથી સમજો.

એ બ્રહ્મ-જન્મ-રહિત છે,જરા-રહિત છે,અનાદિ છે,અવિચળ છે,નિત્ય છે,સુખરૂપ છે,નિર્મળ છે.
તેને જય પછી તે તે દૂર થાય તેમ નથી,અત્યંત વંદનીય છે,શુદ્ધ છે,સઘળી રચનાઓથી રહિત છે,
કારણો ના કારણ-રૂપ છે,અનુભવ-રૂપ છે,બીજા કશાથી જણાય તેમ નથી,જ્ઞાનરૂપ અને સર્વરૂપ છે.
અને સર્વરૂપ હોવા છતાં પણ તે બ્રહ્મ ગુપ્ત રહેલું છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE