Feb 14, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-80



(૧૧) જગતની સત્તા અધિષ્ઠાન ની સત્તા થી જુદી નથી.

શ્રીરામ પૂછે  છે કે-હે,બ્રહ્મન,આવા રૂપ થી પ્રકાશતું આ દૃશ્ય-રૂપ જગત,મહાપ્રલય ના સમયમાં
બ્રહ્મની અંદર રહેતું નથી તો તે ક્યાં રહે છે? તે તમે મને કહો.

વશિષ્ઠ કહે છે -કે-વાંઝણી નો દીકરો ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે?
તથા આકાશનું વન ક્યાંથી આવે છે ને ક્યાં રહે છે? તે તમે મને કહો.

રામ કહે છે-વાંઝણી નો દીકરો ને આકાશ નું વન છે જ નહિ,અને થવાનાં પણ નથી.તેઓ પ્રત્યક્ષ નથી,
અને પ્રત્યક્ષ નહિ હોવાને કારણે,તેમનો પ્રલય થવાનું પણ કહી શકાય તેમ નથી,
માટે  જગતને તેમની ઉપમા આપો છે-તે કેમ સંભવે?

વશિષ્ઠ કહે છે-જેમ વાંઝણી નો દીકરો અને આકાશ નું વન એ કદી પણ નથી,એની પેઠે જગત-આદિ-
દૃશ્ય પણ કદી નથી.જગત ઉત્પન્ન થયું નથી અને તે નાશને પામનાર નથી.
જે વસ્તુ પ્રથમ છે જ નહિ,તેની ઉત્પત્તિ કેવી?અને ઉત્પત્તિ ના હોય તો નાશ ની તો વાત જ ક્યાંથી હોય?

રામ પૂછે છે-જેની ઉત્પત્તિ અને સ્થિતિ પ્રત્યક્ષ છે એવા જગત ને -વાંઝણી ના પુત્ર વગેરે કે જે અત્યંત
અસત્ પદાર્થ છે તેની ઉપમા આપવી ઘટતી નથી,પણ જો તેમને  બીજા કોઈ પદાર્થ કે જેમનાં -
ઉત્પત્તિ અને નાશપ્રત્યક્ષ છે -તેમની ઉપમા આપવી શું અયોગ્ય કહેવાય?

વશિષ્ઠ કહે છે કે-જેને ઉપમા આપવાની હોય છે તેને -તેનાથી ભિન્ન પદાર્થ ની  ઉપમા આપવી જોઈએ.
"આકાશ એ આકાશ જેવું છે" કહીએ તો તે અનન્વયાલંકાર નું ઉદાહરણ થઇ જાય.
એટલે અહીં અસત્ જગતને -અસત્ પદાર્થ ની ઉપમા આપી છે.
"આ જગત તો પ્રત્યક્ષ દેખાય છે- તો તે અસત્ કેવી રીતે સંભવે?" એવી શંકા રાખશો નહિ.
કારણકે કેટલાએક પદાર્થો અસત્ છતાં પ્રત્યક્ષ થાય છે.
જેમ સુવર્ણ ના કડામાં કડા-પણું પ્રત્યક્ષ દેખાય છે-પણ તે અસત્ છે.
તેમ,બ્રહ્મ માં જગત-પણું પ્રત્યક્ષ દેખાય છે-પણ તે અત્યંત અસત્ છે.

જેમ, કાજળમાં કાળા-પણું પ્રત્યક્ષ દેખાય છે,પણ તે કાજળ થી જુદું નથી,
જેમ,હિમ (બરફ) માં શીત-પણું પ્રત્યક્ષ જણાય છે પણ તે હિમ થી જુદું નથી, અને
જેમ,ચંદ્રમા શીતળ-પણું પ્રત્યક્ષ જણાય છે પણ તે ચંદ્ર થી જુદું નથી.
તેમ,બ્રહ્મ માં જગત-પણું પ્રત્યક્ષ દેખાય છે પણ તે બ્રહ્મ થી જુદું નથી.

આ પ્રમાણે જે પ્રથમ થી થયું જ નથી,તે વર્તમાન કાળમાં પણ હોતું નથી,તો પછી,
તેનો નાશ થવાની વાત જ કેવી રીતે બને? જો કે-બ્રહ્મ જગતનું કારણ કહેવાય છે,તો પણ,
જેમ, તડકો એ છાયા નું કારણ હોય એ અસંભવિત છે
તેમ, ચૈતન્ય-રૂપ "બ્રહ્મ" એ જડ-રૂપ પ્રુથ્વી નું કારણ હોય-એ અસંભવિત છે.
માટે જગત મુદ્દલ થયું જ નથી એમ સમજવું.
આમ,જગત-રૂપ "કાર્ય" કંઈ ઉત્પન્ન થયું જ નથી,

પણ જે બ્રહ્મ છે,તે જ જગત-રૂપ ભાસે છે.એમ માનવું તે યોગ્ય જ છે.



   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE