Mar 17, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-111



લીલા કહે છે કે-હે,દેવી,તમે કહો છો તેમ જ છે.મને હમણાં એ બધું (એ બધા જન્મો)સાંભરે છે.
મારો આ જન્મ તમસ કે સાત્વિક નથી,પણ રજસ છે.
હું -કલ્પ- ના આરંભ માં બ્રહ્મથી અવતરી છું.ત્યારથી અનેક યોનિઓ માં મારા "આઠસો જન્મ" થઇ ગયા છે.
તે બધા નું મને સ્મરણ થયું છે.
(ત્યાર પછી લીલા તેના જુદા જુદા જન્મો નું વર્ણન કરે છે-અને છેવટે કહે છે કે)

"સંસાર-રૂપી લાંબી નદી" ની ચંચળ લહેરો ની જેમ ઉંચીનીચી થતી એવી,અનેક સ્થિતિઓને હું પામી હતી.
અને જેમ,વાયુ થી સુકું પાન આમ તેમ ભમ્યા કરે તેમ,હું પણ અનેક પ્રકારનાં -હજારો દુઃખોથી ભરેલી
યોનિઓમાં ભમી -ભટકી ચૂકી છું.

(૨૮) દૃશ્ય નું મિથ્યાપણું અને પર્વત તથા પહાડી ગામનું વર્ણન

રામ કહે છે કે-કરોડો યોજન ની જાડાઈ-વાળા અને વજ્ર જેવી દૃઢતા-વાળી બ્રહ્માંડ ની ભીંત માંથી ,
એ બે સ્ત્રીઓ (લીલા અને સરસ્વતી) શી રીતે નીકળી શકી હતી?

વશિષ્ઠ કહે છે કે-બ્રહ્માંડ,તેની ભીંત કે તેની વજ્ર જેવી દૃઢતા-એ સર્વ નું અસ્તિત્વ હતું જ ક્યાં?
કશું હતું જ નહિ!! એ બે દેવીઓ તો અંતઃપુર ના આકાશમાં જ ઉભી હતી.
એ જ પહાડી ગામના "આકાશ" માં કે જ્યાં વશિષ્ઠ નામનો બ્રાહ્મણ રહેતો હતો,તે જ મંડપના
"આકાશ" નો જે એક ખૂણો "શૂન્ય" હતો,તેને એ બ્રાહ્મણ "પદ્મરાજા" થઈને ચાર સમુદ્રો-રૂપી છેડાવાળું,
ભૂતળ દેખતો હતો(કે જે ભૂતળ આકાશ માં જ હતું) એ ભૂતળ માં તેની રાજધાની હતી અને તેમાં
રાજમહેલ માં તે અરુંધતી -લીલા થઈને રહેતી હતી,
અને,તે જ લીલાએ સરસ્વતી ની પૂજા કરી હતી,ને તેમણે વશ કર્યા હતા.

કે જેનાથી,તે લીલા એ સરસ્વતી ની સાથે,ઘણાં આશ્ચર્યો થી મન નું આકર્ષણ કરનારા બ્રહ્માંડમાં -આશ્ચર્યો નું
ઉલ્લંઘન કરીને ગઈ હતી,કે જે બ્રહ્માંડ તે જ ઘરના ઉદરમાં એક વેંત જેટલા "આકાશ"માં જ હતું.
જેમ.શય્યા (પથારી) માં સૂતેલો મનુષ્ય એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્ન માં જઈને બીજી શય્યા માં સૂએ છે,
તેમ,લીલા પણ એક બ્રહ્માંડ માંથી નીકળી બીજા બ્રહ્માંડમાં જઈને,ત્યાં પોતાના ઘરમાં આવી.

એ સઘળું આભાસ-માત્ર હતું,વાસ્તવિક રીતે તો આકાશની પેઠે શૂન્ય જ હતું,
ત્યાં બ્રહ્માંડ હતું નહિ,સંસાર હતો નહિ,ભીંત નહોતી કે દૂર-પણું પણ નહોતું.
એ તો,એનું (લીલાનું) વાસના-માત્ર થી ઉલ્લેખ વાળું,ચિત્ત (મન) જ તેવા તેવા મનોહર આકારો થી
સ્ફુરતું હતું,બાકી,બ્રહ્માંડ ક્યાં છે? અને સંસાર પણ ક્યાં છે?

જેમ "આકાશ" ને જ "હાલવા-ચાલવા ના યોગ થી" "વાયુ-રૂપ" કલ્પી લેવામાં આવે છે,
તેમ,આવરણ અને અંત-રહિત "ચિદાકાશ" ને તેમણે પોતાના ચિત્ત થી "બ્રહ્માંડ-રૂપ" કલ્પી લીધું હતું.
બાકી,"ચિદાકાશ" તો સર્વ-કાળમાં અને સર્વ દેશમાં શાંત અને ઉત્પત્તિથી રહિત છે.
તે પોતે જ ચૈતન્ય-પણા ને લીધે -પોતાના સ્વ-રૂપ વિષે,જગત-રૂપે ભાસે છે.
જે મનુષ્ય આ તત્વ ને સમજે છે,તેને આ જગત આકાશ થી પણ વધારે સત્ય જેવું લાગે છે,
અને જે આ તત્વને નથી જાણતો, તેને જગત વજ્ર અને પહાડ જેવું લાગે છે.

ચૈતન્ય માં "દૃશ્ય-પણું" (જગત) એ મિથ્યા છે એમ કહ્યા પછી,
એ પહાડી ગામ નું પુરા ત્રણ પાના ભરીને અલંકારિક રીતે વર્ણન કર્યું છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE