Mar 19, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-113



(૩૦) લીલા એ ચિદાકાશ માં અનંત-કોટિ બ્રહ્માંડો દીઠાં

વશિષ્ઠ કહે છે કે-ત્યાં પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશ નાં આવરણો હતાં.
અને એ આવરણો એકએક થી દશદશ ગણાં અધિક હતાં.
લીલાએ તે સઘળાં નું ક્ષણ-માત્રમાં ઉલ્લંઘન કર્યું,અને તેણે પ્રમાણ વગરનું "પરમ-આકાશ" (ચિદાકાશ) દીઠું.

તે "પરમાકાશ" (ચિદાકાશ) માં તેણે "આ બ્રહ્માંડ" જેવાં બીજા પણ "અનંત બ્રહ્માંડો" જોયાં.
જેમ,બારીની જાળીમાંથી ચળાઈને ઘરમાં આવતા તડકામાં કરોડો ત્રસરેણુઓ જોવામાં આવે છે,
તેમ,અધિષ્ઠાન ચૈતન્ય થી સ્ફુરિત થયેલા,તેવા જ આવરણો વાળા કરોડો સર્ગો તે આકાશમાં તેણે જોયા.
ચિદાકાશ-રૂપ સમુદ્રમાં "અવિદ્યા (અજ્ઞાન) રૂપ" જળ હતાં અને "ચૈતન્ય" ના "દ્રવી-ભાવ" ને લીધે-
તે (ચિદાકાશ-સમુદ્રમાં) માં "સર્ગો-રૂપી" અસંખ્ય પરપોટા ઓ ઉઠયા હતા.

ત્યાં,તે તે જીવોની વાસના અનુસાર,કેટલાંક બ્રહ્માંડો,કાં તો ઉપર-નીચે -કે-આડાં જતાં હતાં,કે સ્થિર હતાં.
જો કે વાસ્તવિક રીતે વિચાર કરતાં-બ્રહ્માંડો માં કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી,અને
ત્યાં કોઈનું જવું -આવવું પણ થતું નથી,

સર્વના અધિષ્ઠાન-રૂપ કોઈ અખંડિત વસ્તુ તો બીજી જ છે,અને તેની સત્તાથી જ સઘળાં બ્રહ્માંડો
સત્તા પામ્યા છે.અવિદ્યા (અજ્ઞાન) ને લીધે ઉઠતા સંકલ્પો ને લીધે,પરમ-ચૈતન્ય તે તે બ્રહ્માંડો-રૂપે પ્રતીત
થાય છે,અને પ્રગટ થઈને વળી પાછાળ તે તે બ્રહ્માંડો-રૂપે શાંત પણ થઇ જાય છે.

શ્રીરામ પૂછે છે કે-હે,મહારાજ,જયારે અધિષ્ઠાનમાં કોઈ નીચા,ઉંચા કે આડા વિભાગો નથી,ત્યારે,
તેમાં કલ્પનાથી પ્રગટ થયેલાં બ્રહ્માંડોમાં -આવા વિભાગો કેમ સંભવે?

વશિષ્ઠ કહે છે કે-જેમ,અંધારામાં,દૂષિત (બગડેલી) આંખ-વાળાને આકાશમાં નાનાં ચકરડાં પ્રતીત થાય છે,
તેમ અજ્ઞાનથી દૂષિત થયેલાઓને તે અંત-વગરના "મહા-ચૈતન્ય" માં આવરણ-વાળાં બ્રહ્માંડો પ્રતીત થાય છે.આ બ્રહ્માંડ માં સર્વ પદાર્થો ઈશ્વરેચ્છાથી આમ-તેમ દોડ્યા કરે છે,તે પદાર્થો કંઈ સ્વતંત્ર નથી.

આમ છતાં,પણ (સમજવા માટે) આવા બ્રહ્માંડ માં -પૃથ્વીના ભાગને નીચેનો જાણવો,
અને તેનાથી બીજાને ઉપરનો ભાગ જાણવો.
જેમ,ગોળ ના ઢેફાને -દશે દિશાઓમાં -વળગેલી કીડીઓ ના પગ ઢેફા ને  જ અડેલા હોય છે અને પીઠ -
આકાશ તરફ જ હોય છે,
તેમ બ્રહ્માંડો માં ચાલ્યા જતા,સર્વે લોકો  પગ પૃથ્વીના ભાગોને અડેલા જ રહે છે,અને માથે આકાશ જ રહે છે.

માટે જ પૃથ્વી (ના ભાગ) ને લઈને,જ ઉંચા-નીચા પ્રદેશો ની કલ્પના છે,
પણ,અધિષ્ઠાન (ના ભાગ) ને લઈને આ કલ્પના નથી જ....
પરમ-પ્રકાશમય અને શુદ્ધ બોધમય એ બ્રહ્મ-રૂપ-સમુદ્રમાં "બ્રહ્માંડો" નામના "તરંગો" ઉત્પન્ન થઇ થઈને
લીન થયા જ કરે છે.સંકલ્પ ના ક્ષય થી ક્ષય પામનારાં,તે બ્રહ્માંડો માં કેટલાંક તો અંદર ઉજ્જડ જ છે.
સમુદ્રના તરંગો ની માફક બ્રહ્મ માં કેટલાંએક બ્રહ્માંડો ચાલ્યા જ કરે છે.
કેટલાંએક બ્રહ્માંડો ની અંદર પ્રલય થાય ત્યારે ભારે ઘૂઘવાટી થાય છે-કે જે મોહથી ઘેરાયેલા અને
એવા બીજા લોકો ની જાણવામાં પણ આવતી નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE