May 13, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-159



વશિષ્ઠ કહે છે કે-હે,રામ,તમારો પ્રશ્ન સિધ્ધાંત ને સમયે શોભે એવો છે.
જેમ,સમય વિના ધારણ કરેલી પુષ્પ ની માળા સારી હોય તો પણ શોભતી  નથી,
તેમ મનુષ્ય ને પરિપાક  દશા ન આવી હોય,ત્યાં સુધી મોક્ષ શું છે તે માટે વિચાર કરવાનું શું કારણ?
એવાં  વચન પણ અનર્થ-રૂપ છે.

પદાર્થ માત્ર ને રોકનાર (બંધન કરનાર) તથા મુક્ત કરનાર "કાળ" (સમય) છે.
માટે કાળે  કરીને સર્વ ફળ મળે છે.ઉપર પ્રમાણે તે જીવાત્મા કાળે  કરીને હિરણ્ય-ગર્ભ-બ્રહ્મા ને પામે છે.
તે બ્રહ્મા,પ્રણવ (ॐ) ના ઉચ્ચારથી અર્થજ્ઞાન  થવાથી સર્વ પદાર્થો ને જોઈ શકે છે.ને મનો-રાજ્ય કરે છે.
તેથી "તન્મય-પણું" પામે છે.

જે આ જગત જોવામાં આવે છે તે અસત તથા આકાશ-રૂપ છે.
પર્વત-વગેરે જે ઊંચા-મોટા આકારો છે તે પણ આકાશ-રૂપ છે તો પછી નાનો પદાર્થ આકાશ-રૂપ હોય -
તેમાં શું આશ્ચર્ય? માટે જે કંઈ દેખાય છે તેની ઉત્પત્તિ નથી કે નાશ પણ નથી.

જેવી રીતે-બ્રહ્મા-વગેરે જીવની સત્તા-એ સત-અસત-રૂપ છે,તે પ્રમાણે પૃથ્વીમાં નાં સઘળાં પ્રાણીની તથા,
સ્વર્ગમાં ના દેવતાઓ ની સત્તા પણ સત-અસત-રૂપ છે.
બ્રહ્મા થી કીડા સુધીની ઉત્પત્તિ એ "સંવેદન ના ભ્રમ" થી થયેલી છે અને તેથી તે મિથ્યા છે.-કારણકે-
સારી રીતે જ્ઞાન થવાથી તે (ભ્રમ) નો ક્ષય થાય છે.

જે પ્રમાણે  બ્રહ્મા ઉત્પન્ન થાય છે તે જ રીતે કીડો  પણ ઉત્પન્ન થાય છે.પણ કીડામાં ભૌતિક મલિન પણું અધિક હોવાથી તે તુચ્છ કર્મો કરે છે પણ બ્રહ્મા માં તેમ ના હોવાથી તે તુચ્છ કર્મો કરતા નથી.એટલો માત્ર ભેદ છે.
જીવમાં ઉપાધિ અનુસાર “જીવ-પણું” રહેલું છે.અને તે “જીવ-પણા-અનુસાર” “પૌરુષ” રહેલું છે.
આ “પૌરુષ-અનુસાર” કર્મો રહેલાં છે.
અત્યંત સારાં (પુણ્ય) કર્મો ના પરિણામ-રૂપે “બ્રહ્મા” નું પદ મળે છે.અને
નઠારાં (ખરાબ કે પાપ) કર્મો ના પરિણામે કીડા-પણું પ્રાપ્ત થાય છે.પણ પછી,
જ્ઞાન નો ઉદય થયા પછી બ્રહ્મા-પદ કે કીડા-પણું (પાપ-પુણ્ય) એ બંને નો ક્ષય થાય છે.(બંને નથી)

જેમ આકાશમાં પુષ્પ નથી અને સસલાને શિંગડું નથી હોતું (બંને અસંભવ છે) તેમ “દ્વૈત-વાદ” મિથ્યા છે.
જે પ્રમાણે કોશેટો બનાવનાર કીડો પોતાના ઘર બનાવવા સમયે પોતે તેમાં જ બંધાઈ (પુરાઈ) રહે છે,
તે પ્રમાણે,મન ની ભાવનાથી ઉત્પન્ન થયેલા આ જગતમાં મનુષ્યો મિથ્યા બંધન નો અનુભવ કરે છે.
બ્રહ્માએ પોતાના “મન” થી કરીને જેવું જોયું,તેવી ઉત્પત્તિ કરી છે,
અને તે બ્રહ્મા એ જેવી ઉત્પત્તિ કરી તેવી મનુષ્યો જુએ છે.એ જ સ્વાભાવિક નિશ્ચય છે.
મન થી બનેલું આ જગત મિથ્યા છે,તેની વૃદ્ધિ મિથ્યા છે,તેનો અનુભવ અને લય પણ મિથ્યા છે.
“બ્રહ્મ” શુદ્ધ છે અને સર્વ ઠેકાણે રહેનાર છે,અનંત છે અને અદ્વિતીય છે.પણ
ભ્રાંતિ (ભ્રમ) થી રહેનાર મનુષ્યો તે (બ્રહ્મ) ને અશુદ્ધ,અસત્,અનેક અને અનેક ઠેકાણે રહેનાર-માને છે.
અજ્ઞાની મનુષ્યોએ દોરડીમાં થયેલ સર્પ ની ભ્રાંતિથી જ માત્ર ભેદ કલ્પેલો છે.
આમ,પ્રથમ આત્મામાં-જગતની “સ્ફુરણા” થાય છે કે જેનો વિસ્તાર થવાથી “મન” થાય છે,અને
તે મન વડે “અહંભાવ” થાય છે.
આ રીતે,નિર્વિકલ્પ –પણ-પ્રત્યક્ષ-રૂપે દેખાતું આ જગત,પ્રથમ “મન”-રૂપે થયું,કે જેમાં અહંકાર ની ભાવનાથી
“અહંકાર” ઉત્પન્ન થયો,અને ત્યાર પછી મન અને અહંકાર એ બંને થી “સ્મૃતિ” ઉત્પન્ન થઇ.
“મન-અહંકાર અને સ્મૃતિ” થી અનુભવ પ્રમાણે “તન્માત્રા” ઉત્પન્ન થઇ,કે જેનાથી “જીવ” ઉત્પન્ન થયા.
આ રીતે “ઉપાદાન-કારણ-બ્રહ્મ” માંથી “જગત નો આ આકાર કલ્પેલો” છે.
આ જગત સાચું હોય કે ખોટું હોય-પણ ચિત્ત-એ જેવી કલ્પના કરે છે તેવું તે જોઈ શકે છે,અને તે જોયેલું
બધું સત્ય હોય એમ જાણીને તેમાં વ્યવહાર કરે છે. (કરવા લાગી જાય છે)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE